યુદ્ધ ફરી શરૂ થવાની તૈયારી : ઇરાનનો કુવૈત એરપોર્ટ પર પ્રચંડ હુમલો : ફ્લાઇટસ રદ | War is set to resume: Iran launches massive attack on Kuwait airport: Flights cancelled

![]()
– ત્રીજાં વિશ્વયુદ્ધના ભણકારા…!?
– યુદ્ધ વિરામ મંત્રણા વચ્ચે, ઇરાન ફરી યુદ્ધ મેદાનમાં : અમેરિકી જહાજો પર ગોળીબાર : અમેરિકાનો વળતો પ્રહાર : હોર્મુઝ સ્ટ્રેઇટસ પર ફરી નાકાબંધી
નવી દિલ્હી : યુદ્ધ વિરામની મંત્રણા વચ્ચે ઇરાન ફરી યુદ્ધ મેદાનમાં આવી ગયું છે. અમેરિકી જહાજો પર તેણે ગોળીબારી શરૂ કરી છે. અમેરિકાને વળતો જબ્બર જવાબ આપવો શરૂ કરી દીધો છે. દરમિયાન ઇરાને અંદરની બાજુએ હોર્મુઝ સ્ટ્રેઇટસ ઉપર નાકાબંધી કરી છે. અમેરિકાએ બહારની બાજુએ અરબી સમુદ્રમાં નાકાબંધી કરી છે, તેણે ઇરાનનાં અન્ય બંદરોની પણ નાકાબંધી કરી દીધી છે.
દરમિયાન ચીન વચ્ચે પડી રહ્યું છે, તેણે સૂચવ્યું છે કે ઇરાનનું તેલ સમુદ્ર તટે ભૂગર્ભ પાઈપલાઈન દ્વારા છેક પાકિસ્તાનનાં ગ્વાડર બંદર સુધી પહોંચાડવામાં આવે અને ત્યાંથી ઇરાન ક્રૂડ ઓઇલ એક્ષપોર્ટ કરે.
પ્રશ્ન તે છે કે આટલી લાંબી ભૂગર્ભ પાઈપલાઈન પાથરવામાં સમય કેટલો જાય ? ભીતિ તે છે કે ત્યાં સુધીમાં તો ઇરાન ખેદાન-મેદાન બની જાય.
દરમિયાન ઇરાને ડ્રોન વિમાનો દ્વારા અમેરિકાનાં આશ્રિત તેવાં કુવૈતનાં એરપોર્ટ પર પ્રચંડ હુમલા કર્યા છે. સહજ છે કે કુવૈતથી ઉપડતી અને આવતી તમામ ફ્લાઇટ્સ રદ્દ થઇ છે. ઇરાને, કુવૈત આંતરરાષ્ટ્રીય એરપોર્ટના પેસેન્જર્સ બિલ્ડીંગ ઉપર પણ હુમલો કર્યો છે, જેથી તે બિલ્ડીંગને ભારે નુકસાન થયું છે અને કેટલાયે લોકો ઘાયલ થયા છે.
હુમલો એવે સમયે થયો છે કે જ્યારે ઇરાન અને અમેરિકા બંનેએ એકબીજા પર મંગળવારે રાત્રે મિસાઇલ હુમલા કર્યા હતા. અમેરિકી સેનાએ કહ્યું હતું કે, તેણે ઇરાને કુવૈત અને બહેરિન પર છોડેલાં મિસાઇલ્સના જવાબમાં ઇરાનનાં એક સૈન્ય મથકને તબાહ કરી નખાયું છે.
સ્ટ્રેઇટસ ઓફ હોર્મુઝમાં અમેરિકા અને ઇરાન વચ્ચે ફરી સૈન્ય ટકરાવ શરૂ થઇ ગયો છે. ઇરાનનાં ઇસ્લામિક રિવોલ્યુશનરી ગાર્ડ કોર્પ્સે (આઈ.આર.જી.સી.એ.) દાવો કર્યો છે કે કશ્મ ટાપુ ઉપર અમેરિકાએ કરેલા હુમલાના જવાબમાં અમે કુવૈત તથા બહેરિનમાં રહેલાં અમેરિકી સૈન્ય મથકો ઉપર હુમલા કર્યા છે. જ્યારે અમેરિકા કહે છે કે તેણે ઇરાનનાં ડ્રોન તથા મિસાઇલ હુમલાને તોડી પાડયા છે.
અમેરિકાનાં સેન્ટ્રલ કમાન્ડે જણાવ્યું છે કે મંગળવારે અમેરિકી દળોએ આંતરરાષ્ટ્રીય જળ ક્ષેત્રમાં હોર્મુઝ પર અમેરિકાએ કરેલી નાકાબંધી તોડવાનો પ્રયાસ કરી રહેલાં એક ખાલી ટેન્કરને રોકવાની કાર્યવાહી કરી. આ ટેન્કર બોન્સવાનાનો ધ્વજ ફરકાવતું હતું. તેને વારંવાર ચેતવણી આપ્યા છતાં તે ઇરાનના ખાર્ગ ટાપુ તરફ તેલ લેવા આગળ વધ્યું. ત્યારે તેનું એન્જિન નિષ્ક્રિય કરવા માટે તેની ઉપર એક હેલ ફાયર મિસાઇલ છોડવામાં આવી હતી.
ટૂંકમાં હવે ઇરાન-અમેરિકા શાંતિ મંત્રણા જેવું કશું જ રહ્યું નથી. હવે ચીન પણ તેમાં આડકતરી રીતે જોડાયું છે, જ્યારે રશિયા પણ ઇરાનને શસ્ત્રો આપે છે. ચીન પણ શસ્ત્રો આપે છે, અમેરિકા પ્રચંડ યુદ્ધ માટે તૈનાત છે. સાથે ત્રીજા વિશ્વયુદ્ધના ભણકારા વાગી રહ્યા છે.



