ડોનાલ્ડ ટ્રમ્પનું AI કંપનીઓને ફરમાન : રિલીઝ પહેલા 30 દિવસ સુધી સરકાર કરશે નવા AI મોડલ્સની તપાસ | Donald Trump Signs New AI Executive Order For 30 Day Government Safety Review

![]()
Donald Trump Signs New AI Executive Order : અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે ગુગલ, ઓપનએઆઈ (OpenAI) અને એન્થ્રોપિક (Anthropic) જેવી મોટી ટેક કંપનીઓ માટે એક નવા AI એક્ઝિક્યુટિવ ઓર્ડર પર હસ્તાક્ષર કર્યા છે. આ અંતર્ગત કંપનીઓને તેમના પાવરફુલ AI મોડલ્સનો અર્લી એક્સેસ એટલે કે, શરૂઆતી એક્સેસ સરકારને આપવા માટે કહેવામાં આવ્યું છે. અમેરિકાની AI કંપનીઓ માટે એક નવો ઓર્ડર આવ્યો છે. અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે ગુગલ, ઓપનએઆઈ, એન્થ્રોપિક અને અન્ય મોટી AI કંપનીઓ તથા ડેવલપર્સને જણાવ્યું છે કે, ‘તેઓ પોતાની મરજીથી તેમના પાવરફુલ AI મોડલ્સનો શરૂઆતી એક્સેસ આપે, જેથી સરકારને આ મોડલ્સ સામાન્ય લોકો માટે જાહેર કરતા પહેલા જરૂરી સાયબર સુરક્ષા ટેસ્ટિંગ કરવાની તક મળી શકે’.
ટ્રમ્પે એક્ઝિક્યુટિવ ઓર્ડર પર કર્યા હસ્તાક્ષર
ડોનાલ્ડ ટ્રમ્પે એક એક્ઝિક્યુટિવ ઓર્ડર પર સહી કરી દીધી છે. જેમાં ટ્રેઝરી, સિક્યોરિટી, કોમર્સ અને હોમલેન્ડ સિક્યોરિટી વિભાગો તથા અન્ય એજન્સીઓને નિર્દેશ આપવામાં આવ્યો છે કે, તેઓ AI મોડલ્સની સુરક્ષા અને સાયબર સિક્યોરિટી ટેસ્ટિંગ માટે AI ડેવલપર્સ સાથે સહયોગ કરે. જોકે, આ ઓર્ડર હેઠળ AI કંપનીઓને આમાં જોડાવા માટે મજબૂર કરવામાં આવી રહી નથી. આ એક સંપૂર્ણપણે સ્વૈચ્છિક વ્યવસ્થા છે, જેમાં AI ડેવલપર્સ પોતાની મરજીથી ફેડરલ એજન્સીઓ સાથે કામ કરવાનો વિકલ્પ પસંદ કરી શકે છે.
વધુમાં વધુ અપનાવવામાં આવે AI ટેકનોલોજી
આ ઓર્ડર હેઠળ સરકારી એજન્સીઓને એવો પણ નિર્દેશ આપવામાં આવ્યો છે કે, રાષ્ટ્રીય સુરક્ષા અને જાહેર સેવાઓ માટે જરૂરી ક્ષેત્રોમાં આધુનિક AI ટેકનોલોજીનો વધુમાં વધુ ઉપયોગ કરવામાં આવે. આમાં ગ્રામીણ હોસ્પિટલો, કોમ્યુનિટી બેંકો, સ્થાનિક ઉપયોગિતા સેવાઓ આપનારા જેવા કે વીજળી, પાણી સહિત રાષ્ટ્રીય સુરક્ષા પ્રણાલીઓ જેવા જરૂરી માળખાગત ક્ષેત્રો સામેલ હશે.
30 દિવસ સુધી થશે ટેસ્ટિંગ
આ આદેશમાં એ પણ સ્પષ્ટ કરવામાં આવ્યું છે કે, AI મોડલને રિલીઝ કરતા પહેલા, ફેડરલ એજન્સીઓ 30 દિવસ સુધી તેનું ટેસ્ટિંગ કરી શકે છે. AI કંપનીઓ માટે આ એક રાહતના સમાચાર હોઈ શકે છે, કારણ કે અગાઉના ડ્રાફ્ટ પ્રસ્તાવની સરખામણીમાં આ રિવ્યૂ ટાઈમ ઘણો ઓછો છે. પહેલાના પ્રસ્તાવમાં સરકારને મોડલનો રિવ્યૂ કરવા માટે 90 દિવસનો સમય આપવામાં આવ્યો હતો. આ આદેશમાં એવું પણ કહેવામાં આવ્યું છે કે, ‘આ સેક્શનની કોઈ પણ બાબતનો એવો અર્થ ન કાઢવો જોઈએ કે તે નવા AI મોડલના ડેવલપમેન્ટ, પબ્લિશિંગ, રિલીઝ કે વિતરણ માટે કોઈ પણ પ્રકારના ફરજિયાત સરકારી લાયસન્સ, પૂર્વ મંજૂરી કે પરમિટની જરૂરિયાતને મંજૂરી આપે છે’.
કંપનીઓએ શું કહ્યું?
છેલ્લા ઘણા સમયથી આના પર કામ ચાલી રહ્યું હતું, અને ગુગલ, ઓપનએઆઈ અને એન્થ્રોપિક જેવી મોટી ટેક કંપનીઓ આના માટે સંમત થઈ છે. માઈક્રોસોફ્ટ (Microsoft)ના પ્રેસિડેન્ટ બ્રેડ સ્મિથે X પર જણાવ્યું કે, ‘આ એક્ઝિક્યુટિવ ઓર્ડર ઇનોવેશનને પ્રોત્સાહન આપવાની સાથે સાથે અમેરિકી જનતાની સુરક્ષા સુનિશ્ચિત કરવાની દિશામાં એક મહત્વપૂર્ણ પગલું છે. અમે પ્રશાસનના આ પ્રયાસને આવકારીએ છીએ’.
રોયટર્સના એક અહેવાલ અનુસાર, ગુગલના કેન્ટ વોકરે જણાવ્યું કે, ‘નવો AI ઓર્ડર ભવિષ્ય માટે એક મહત્વનું પગલું છે. તો ઓપનએઆઈના CEO સેમ ઓલ્ટમેને ભારપૂર્વક કહ્યું કે, ‘આ આદેશ સંતુલનને યોગ્ય રાખે છે’.



