નેપાળ સરકાર ‘ડેમેજ-કન્ટ્રોલ’ મોડમાં: ભારત અંગે PM બાલેન્દ્ર શાહના વિવાદાસ્પદ નિવેદન બાદ સ્પષ્ટતા | nepal pm balendra shah border remark controversy

![]()
Nepal PM Balendra Shah’s Border Remark Controversy : નેપાળના વડાપ્રધાન બાલેન્દ્ર શાહે સંસદમાં નિવેદન આપ્યું હતું કે ભારત દ્વારા નેપાળની જમીન પર અતિક્રમણ કરવામાં આવ્યું છે તેની સાથે સાથે નેપાળે પણ ભારતની જમીન પર અતિક્રમણ કર્યું છે. આ નિવેદને નેપાળી રાજકારણમાં ભૂકંપ સર્જ્યો છે.
ભારત અને નેપાળે એકબીજાની જમીન પર કબજો કર્યો: દાવાથી ખળભળાટ
પોતાના કાર્યકાળમાં પ્રથમવાર સંસદમાં ધારાસભ્યોના પ્રશ્નોના જવાબ આપતા PM બાલેન્દ્ર શાહે જણાવ્યું હતું કે, વડાપ્રધાન બન્યા પછી મને જાણવા મળ્યું છે કે માત્ર ભારતે જ નેપાળની જમીન પર અતિક્રમણ નથી કર્યું, પરંતુ નેપાળે પણ ઘણી જગ્યાએ ભારતની જમીન પર અતિક્રમણ કર્યું છે. બંને પક્ષોએ બેસીને આ બાબતની તપાસ કરવી જોઈએ.
રાજકીય ભૂકંપ બાદ સરકારની સ્પષ્ટતા
વિવાદ વધતા નેપાળના વિદેશ મંત્રાલયે રવિવારે સાંજે એક નિવેદન બહાર પાડીને સ્પષ્ટતા કરી કે, PMના નિવેદનનો અર્થ ‘નો-મેન્સ લેન્ડ’ અને ક્રોસ-બોર્ડર અતિક્રમણ સાથે સંબંધિત હતો. નદીની સીમાઓ ધરાવતા વિસ્તારોમાં ‘ફિક્સ્ડ બાઉન્ડ્રી પ્રિન્સિપલ’ને કારણે એવું બન્યું છે કે નેપાળી નાગરિકો ભારતની ટેકનિકલ જમીન પર ખેતી કરે છે અને ભારતીય નાગરિકો નેપાળની સીમામાં આવેલી જમીનનો ઉપયોગ કરે છે.
વિદેશ મંત્રાલયે સ્પષ્ટ કર્યું કે લિમ્પિયાધૂરા, લિપુલેખ અને કાલાપાણી જેવા વિવાદિત વિસ્તારો અંગે નેપાળની સત્તાવાર સ્થિતિમાં કોઈ ફેરફાર થયો નથી.
વિરોધ પક્ષનો આક્રોશ
નેપાળની વિપક્ષી પાર્ટીઓએ PMના નિવેદનની આકરી ટીકા કરી છે. તેમનું કહેવું છે કે, આ નિવેદન ભારત સાથેના સીમા વિવાદમાં નેપાળની વર્ષો જૂની સ્થિતિને નબળી પાડે છે. વિપક્ષે માંગ કરી છે કે PM એ સ્પષ્ટ કરવું જોઈએ કે નેપાળે કઈ જગ્યાએ ભારતની જમીન પર અતિક્રમણ કર્યું છે. કેટલાક ધારાસભ્યોએ તો સંસદના રેકોર્ડમાંથી આ નિવેદનને હટાવવાની પણ માંગ કરી છે.
બ્રિટન સાથે પણ ચર્ચા?
આ વિવાદ વચ્ચે PM શાહે એક ચોંકાવનારો ખુલાસો કર્યો કે નેપાળે માત્ર ભારત અને ચીન સાથે જ નહીં, પરંતુ બ્રિટન સરકાર સાથે પણ સરહદ વિવાદ અંગે વાત કરી છે. તેમણે કહ્યું કે 1816ની સુગૌલી સંધિ અંગ્રેજોના સમયની હોવાથી બ્રિટને પણ આ મુદ્દે રસ લેવો જોઈએ.
સરહદ વિવાદ ઉકેલવા માટેની યોજના
PM શાહે જણાવ્યું હતું કે લિપુલેખ અને કાલાપાણી જેવા વિવાદોને ઉકેલવા માટે ભારત સાથે વાતચીત ચાલુ છે. બંને દેશો એવી ટીમો બનાવશે જેમાં ઈતિહાસકારો, સર્વેયર્સ અને નિષ્ણાતોનો સમાવેશ થશે.
ભારત સાથેના વિવાદમાં બ્રિટનને વચ્ચે લાવવાનો પ્રયાસ!
પીએમ બાલેન્દ્ર શાહે આ સરહદી વિવાદોમાં યુનાઇટેડ કિંગડમને સામેલ કરવાનો પ્રસ્તાવ મૂક્યો છે. તેમણે તર્ક આપ્યો કે વર્તમાન સરહદોના નિર્ધારણમાં બ્રિટિશ શાસનકાળની ભૂમિકા મહત્વની છે. શાહે કહ્યું, “જ્યારે તેઓ બ્રિટિશ ભારત છોડી રહ્યા હતા, ત્યારે આ સમસ્યા આવનારી પેઢીઓ પર છોડી દેવામાં આવી હતી, જેના કારણે અમને લાગે છે કે ઇંગ્લેન્ડે પણ આ બાબતે ચિંતિત હોવું જોઈએ.” તેમણે ઉમેર્યું કે, “આ તમામ મુદ્દાઓ ટેબલ ટોક અને રાજદ્વારી માધ્યમો દ્વારા ઉકેલવામાં આવશે.”
ભારતનું વલણ
ભારત સરકારે તાજેતરમાં ફરીથી પુનરોચ્ચાર કર્યો છે કે તેઓ તમામ દ્વિપક્ષીય મુદ્દાઓ, જેમાં અનિર્ણિત સરહદી બાબતોનો સમાવેશ થાય છે, તેના પર વાતચીત અને કૂટનીતિ દ્વારા જોડાવા તૈયાર છે. કૈલાશ માનસરોવર યાત્રાના સંદર્ભમાં નેપાળના દાવાઓ પર પ્રતિક્રિયા આપતા વિદેશ મંત્રાલયના પ્રવક્તા રણધીર જયસ્વાલે જણાવ્યું હતું કે, લિપુલેખ પાસ 1954થી કૈલાશ માનસરોવર યાત્રા માટેનો લાંબા સમયથી ચાલતો માર્ગ છે અને આ માર્ગ દ્વારા યાત્રા દાયકાઓથી ચાલી રહી છે. આ કોઈ નવી ઘટના નથી. નેપાળના પ્રાદેશિક દાવાઓ પર તેમણે વધુમાં કહ્યું, પ્રાદેશિક દાવાઓના સંદર્ભમાં, ભારતનું સતત માનવું રહ્યું છે કે આવા દાવાઓ ન તો ન્યાયી છે અને ન તો ઐતિહાસિક તથ્યો અને પુરાવાઓ પર આધારિત છે. આવા એકપક્ષીય અને કૃત્રિમ દાવાઓ અસ્વીકાર્ય છે. ભારત સરકાર અગાઉ પણ સ્પષ્ટ કરી ચૂકી છે કે સરહદી મુદ્દાઓ રાજદ્વારી સંવાદ દ્વારા ઉકેલાવા જોઈએ, જે બંને દેશો વચ્ચેની સમજૂતી મુજબ યોગ્ય છે.



