दुनिया

જાપાનમાં દુકાનોમાં ચોરી કરતી પકડાઈ ભારતીય મહિલા, પૈસા આપી મામલો રફે-દફે કરવા કર્યો પ્રયાસ | Indian woman caught shoplifting in Japan tries to bribe cops to escape jail



Indian woman caught shoplifting in Japan:  જાપાન ફરવા ગયેલી એક ભારતીય મહિલા પર દુકાનમાંથી સામાન ચોરવાનો આરોપ લાગ્યો છે. આ દાવો ઈન્વેસ્ટમેન્ટ એડવાઈઝર મુથુકૃષ્ણન ધંડાપાનીએ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ‘X’ પર કર્યો છે. તેમની પોસ્ટ બાદ આ મામલો ઓનલાઈન ચર્ચાનો વિષય બની ગયો છે અને વિદેશમાં પ્રવાસીઓના વર્તનને લઇને એક નવી ચર્ચા છેડાઈ ગઈ છે. ધંડાપાનીના જણાવ્યા પ્રમાણે તેઓ એક ટૂર ગ્રુપ સાથે જાપાનની યાત્રા પર હતા. તેમણે દાવો કર્યો કે, ગ્રુપના અન્ય લોકોને એ વાતની બિલકુલ જાણ નહોતી કે, એક મહિલા પ્રવાસ દરમિયાન અલગ-અલગ જગ્યાએથી સામાનની ચોરી કરી રહી હતી. આ સમગ્ર મામલો ત્યારે સામે આવ્યો જ્યારે એક ફેમસ સુવેનિયર દુકાનમાં મહિલાને કથિત રીતે પૈસા ચૂકવ્યા વિના સામાન લેતા રંગેહાથ પકડી પાડવામાં આવી.

જાપાનમાં દુકાનોમાં ચોરી કરતી પકડાઈ ભારતીય મહિલા

પોતાની પોસ્ટમાં ધંડાપાનીએ લખ્યું કે, ‘અમારા ગ્રુપમાં શરૂઆતથી જ એક મહિલા ચોરી કરી રહી હતી. અમને આ વાતની કોઈ જાણ નહોતી. એક ફેમસ સુવેનિયર શોપમાં તે પકડાઈ ગઈ. પકડાતાની સાથે જ તેણે તરત જ પૈસા ચૂકવવાની ઓફર કરી.’ 

પૈસા આપી મામલો રફે-દફે કરવા કર્યો પ્રયાસ

ધંડાપાનીના જણાવ્યા પ્રમાણે મહિલાની પૈસા ચૂકવવાની આ ઓફરને દુકાન માલિકે ઠુકરાવી દીધી. તેમણે દાવો કર્યો કે, ‘દુકાનદારે કહ્યું કે જાપાન એક ‘ઉચ્ચ વિશ્વાસ ધરાવતો સમાજ’ છે, જ્યાં ચોરીની ઘટનાઓ ખૂબ જ ઓછી બને છે અને ત્યાંના લોકો ભારતનું ખૂબ સન્માન કરે છે.  ચોરી કરતાં વધુ દુઃખ મને એ વાતનું થયું કે પકડાયા બાદ પૈસા આપીને આ મામલો  રફે-દફે કરવાનો પ્રયાસ કરવામાં આવ્યો.’

પોલીસને પણ પૈસા આપવાનો પ્રયાસ

ત્યારબાદ દુકાનદારે પોલીસ બોલાવી લીધી હતી. ધંડાપાનીએ દાવો કર્યો કે, જાપાનમાં  ક્રાઈમ રેટ ખૂબ જ ઓછો છે અને ત્યાં ટ્રાફિક શિસ્ત પણ ખૂબ મજબૂત છે, તેથી સામાન્ય રીતે પોલીસ બહુ ઓછી જોવા મળે છે. તેમણે જણાવ્યું કે ટૂર મેનેજર તે મહિલાને લઈને પોલીસ સ્ટેશન ગયા હતા. પોસ્ટ પ્રમાણે  મહિલાએ પોલીસ સ્ટેશનમાં પણ પૈસા આપવાનો પ્રયાસ કર્યો હતો. ધંડાપાનીએ લખ્યું કે, ‘પોલીસ સ્ટેશનમાં પણ તે મહિલાએ પૈસા આપવાની ઓફર કરી હતી. જાપાની પોલીસ આનાથી બિલકુલ પ્રભાવિત ન થઈ. તેમણે સમજાવ્યું કે ચોરીની સજા કેટલી ગંભીર હોઈ શકે છે અને એમ પણ કહ્યું કે તમારે જેલમાં જવું પડી શકે છે.’

આ પણ વાંચો: નેપાળ સરકાર ‘ડેમેજ-કન્ટ્રોલ’ મોડમાં: ભારત અંગે PM બાલેન્દ્ર શાહના વિવાદાસ્પદ નિવેદન બાદ સ્પષ્ટતા

જો કે, ધંડાપાનીનો દાવો છે કે, આખરે પોલીસે મહિલાને કડક ચેતવણી આપીને છોડી દીધી. તેમણે લખ્યું કે, ‘પરંતુ તે ભારતીય હતી અને તેઓ ભારતનું ખૂબ સન્માન કરે છે, તેથી તેને કડક ચેતવણી આપીને છોડી દીધી.’

આ પોસ્ટ સોશિયલ મીડિયા પર વાયુ વેગે વાઈરલ થઈ રહી છે. ઘણા લોકોએ આ કથિત ઘટના પર શરમ વ્યક્ત કરી, જ્યારે કેટલાક લોકોનું કહેવું છે કે વિદેશમાં કોઈ એક પ્રવાસીનું આવું વર્તન આખા દેશની છબીને ખરડી શકે છે .



Source link

Related Articles

Back to top button