પુતિનના બે સિક્રેટ બાળકો હોવાનો દાવો, દુનિયાથી છુપાવીને સ્પેશિયલ ટ્રેનિંગ અપાઈ રહી છે | Vladimir Putin’s Secret Sons Protected by Air Defense

![]()
Vladimir Putin Secret Sons : રશિયાના રાષ્ટ્રપ્રમુખ વ્લાદિમીર પુતિનના પરિવાર અને બાળકો વિશે ઘણી બધી વાતો સાર્વજનિક નથી, ત્યારે તેમના પરિવાર વિશે ઘણી ચર્ચાઓ અને અફવાઓ ફેલાઈ છે. પુતિને પહેલા લગ્નથી તેમની બે પુત્રીઓ વિશે જાહેરમાં ચર્ચા કરી નથી. તેમની પુત્રીઓ ઉપરાંત તેમના બે સિક્રેટ બાળકો હોવાનો પણ દાવો કરવામાં આવે છે. આ બંને પુત્રો નાના છે અને તેમને દુનિયાથી છુપાવીને સ્પેશિયલ ટ્રેનિંગ અપાઈ રહી હોવાનું જણાય છે.
પુતિનના પહેલા લગ્ન લ્યુડમિલા એલેક્ઝાન્ડ્રોવના સાથે થયા હતા. આમ વર્ષ 2014માં તેઓના છૂટાછેડા થયા હતા. આ લગ્નથી તેમને બે પુત્રીઓ છે, જેમાં 41 વર્ષીય મારિયા વોરોન્ટસોવના અને 39 વર્ષીય કટેરીના તિખોનોવા. ક્રેમલિન સાથેના તેમના સંબંધો છુપાવવા માટે બંનેએ ખોટા નામો અને ઓળખથી પોતાની કારકિર્દી બનાવી હતી.
પુતિનના બે સિક્રેટ બાળકો
રેડિયો સ્વોબોડાના તપાસ પ્રોજેક્ટ સિસ્ટેમા દ્વારા કરવામાં આવેલી નવી તપાસ મુજબ, ઇઝરાયલી મીડિયાએ દાવો કર્યો છે કે પુતિન અને તેમના જીવનસાથી પૂર્વ ઓલિમ્પિક રિધમિક જિમ્નેસ્ટિક્સ ચેમ્પિયન એલિના કાબાએવાને બે પુત્રો છે. પુતિને 43 વર્ષીય કાબાએવા સાથેના તેમના સંબંધો જાહેર કર્યા નથી. કાબાએવા પુતિન કરતા લગભગ 30 વર્ષ નાના છે.
ગુપ્ત રીતે બંને બાળકોનો ઉછેર
એવો દાવો છે કે, પુતિનના આ બંને પુત્રો એકાંતમાં રહે છે. બંને બાળકોનો ઉછેર પશ્ચિમી વાતાવરણમાં થયો છે. જ્યારે પુતિન જાહેરમાં પશ્ચિમ પ્રત્યે સંઘર્ષાત્મક વલણ અપનાવે છે, ત્યારે તેઓ તેમના બે પુત્રો 11 વર્ષના ઇવાન અને 7 વર્ષના વોવાને પશ્ચિમી શૈક્ષણિક મૂલ્યોના આધારે ઘરે શિક્ષણ આપી રહ્યા છે. આમાં યુરોપિયન ભાષાઓ શીખવાનો પણ સમાવેશ થાય છે.
પુતિને ટ્યુટર્સની મોટી સેના રાખી
અહેવાલો અનુસાર, 2 વર્ષની ઉંમરથી આ છોકરાઓ ઓછામાં ઓછા 20 ખાનગી ટ્યુટર અને સંભાળ રાખનાર મહિલાઓથી દેખરેખ રખાઈ રહી છે. તેઓને બ્રિટન, જર્મની અને ઑસ્ટ્રિયા જેવા દેશોમાંથી લાવવામાં આવ્યા છે. તેઓ અંગ્રેજી અને જર્મન શીખે છે અને સાન્તાક્લોઝ સાથે પશ્ચિમી નાતાલની ઉજવણી પણ કરે છે.
આ બાળકો ન તો સ્કૂલે જાય છે અને ન તો તેમની ઉંમરના અન્ય બાળકો સાથે મળે છે. તેમને રાષ્ટ્રપ્રમુખ માટે બનાવેલા અલગ અલગ આવાસોમાં રાખવામાં આવે છે અને તેમની સુરક્ષા એર ડિફેન્સ તૈનાત છે. અહીં કામ કરતા વિદેશી શિક્ષકો પણ કડક પ્રતિબંધો હેઠળ રહે છે. તેમને શહેરોમાં મુસાફરી કરવા, ખરીદી કરવા અથવા સંગ્રહાલયોની મુલાકાત લેવાની પણ મનાઈ છે.
નિયમિત કરાય છે મેડિકલ તપાસ
રિપોર્ટમાં એમ પણ જણાવાયું છે કે, બાળકોના સ્વાસ્થ્ય અંગે ખૂબ કાળજી લેવામાં આવે છે. બંને છોકરાઓ તેમજ સ્ટાફ સભ્યોનું નિયમિત મેડિકલ તપાસ કરવામાં આવે છે. જેમાં સામાન્ય બેક્ટેરિયા માટે સકારાત્મક પરીક્ષણ બાદ ઘણા શિક્ષકોને કાઢી મૂકવામાં આવ્યા હતા.
જ્યારે સ્ટાફની ભરતી અને જાળવણી માટે, પુતિન પરિવાર તેમને દર મહિને $8,000 સુધીનો પગાર આપે છે. જેમાં કેટલાકને પગાર રોકડમાં ચૂકવવામાં આવે છે, જે યુરો અથવા યુએસ ડોલરમાં હોય છે.
કોન્ટ્રાક્ટમાં કડક શરતો
આ શિક્ષકોના કરારમાં કડક શરતો છે, જેમાં રાજકીય અથવા ધાર્મિક વિચારો વ્યક્ત કરવા પર પ્રતિબંધનો સમાવેશ થાય છે. તેમને LGBT વિષયો અથવા જાતીય શિક્ષણ પર ચર્ચા કરવાની મનાઈ છે. સ્ટાફને સૂચના આપવામાં આવે છે કે, રોલ-પ્લેઇંગ ગેમ્સ દરમિયાન બાળકોને ફક્ત પુરુષ પાત્રો જ સોંપવામાં આવે.
ઇઝરાયલી, પશ્ચિમી અને અમેરિકન મીડિયાએ પુતિનના પરિવાર વિશે સતત વિવિધ વાતો પ્રકાશિત કરી છે. આ દેશના મીડિયા દ્વારા ઘણીવાર પુતિન વિશે સનસનાટીભર્યા દાવા કર્યા છે, પરંતુ પુતિન કે રશિયન સરકારે આ અંગે જાહેરમાં કોઈ ટિપ્પણી કરી નથી.



