ઓમાનની ખાડીમાં વારંવાર ચેતવણી છતાં નાકાબંધી અવગણતા જહાજને અમેરિકાએ મિસાઇલથી ઉડાવ્યું | US Military Action in Gulf of Oman: Hellfire Missile Strikes Vessel Engine Room

![]()
US Military Action in Gulf of Oman: ઓમાનની ખાડીમાં અમેરિકન સેનાએ મોટી સૈન્ય કાર્યવાહી કરતા ઈરાની બંદર તરફ આગળ વધી રહેલા ગાંભિયાના ધ્વજવાળા એક વ્યાવસાયિક (કોમર્શિયલ) જહાજને અધવચ્ચે જ રોકીને નિષ્ક્રિય કરી દીધું છે. અમેરિકન સેન્ટ્રલ કમાન્ડ (CENTCOM) દ્વારા આપવામાં આવેલી સત્તાવાર માહિતી અનુસાર, આંતરરાષ્ટ્રીય જળસીમામાં ‘M/V Lian Star’ (એમ/વી લિયાન સ્ટાર) નામનું આ જહાજ ઓમાનની ખાડી થઈને ઈરાનના બંદર તરફ જઈ રહ્યું હતું.
20 થી વધુ વખત ચેતવણી છતાં આદેશ ન માન્યો
સેન્ટકોમના જણાવ્યા મુજબ, જહાજની શંકાસ્પદ હિલચાલ જોયા બાદ અમેરિકન સુરક્ષા દળોએ રેડિયો સંદેશા દ્વારા તેને રોકાઈ જવા માટે 20 થી વધુ વખત કડક ચેતવણીઓ આપી હતી. જહાજના ક્રૂ (ચાલક દળ) ને સ્પષ્ટપણે જણાવાયું હતું કે તેમનું આ પગલું અમેરિકા દ્વારા ઈરાન પર લાદવામાં આવેલી દરિયાઈ નાકાબંધીનું સીધું ઉલ્લંઘન છે. જોકે, આ તમામ ચેતવણીઓને નજરઅંદાજ કરીને જહાજના ક્રૂએ તેને રોકવાનો ઇનકાર કર્યો હતો અને સતત ઈરાન તરફ આગળ વધારતા રહ્યા હતા.
હેલફાયર મિસાઈલથી એન્જિન રૂમ ઠપ કર્યો
જહાજે આદેશોનું પાલન ન કરતા આખરે અમેરિકન સેનાએ જવાબી આક્રમક કદમ ઉઠાવ્યું હતું. અમેરિકન વાયુસેનાના (US Air Force) એક ફાઇટર વિમાન દ્વારા જહાજના એન્જિન રૂમને નિશાન બનાવીને અત્યંત ઘાતક ‘હેલફાયર મિસાઈલ’ (Hellfire Missile) દાગવામાં આવી હતી. આ મિસાઈલ હુમલામાં જહાજનું એન્જિન રૂમ સંપૂર્ણપણે નાશ પામ્યું છે અને જહાજ હવે દરિયાની અધવચ્ચે જ સંપૂર્ણપણે નિષ્ક્રિય (ખોરવાઈ) થઈ ગયું છે.
સીઝફાયર વચ્ચે પણ કડક સિક્યોરિટી અને દેખરેખ
અમેરિકન અધિકારીઓએ સ્પષ્ટતા કરી છે કે હાલમાં ઈરાન સાથે યુદ્ધવિરામ (સીઝફાયર) લાગુ હોવા છતાં, નાકાબંધીના નિયમોનું કડક પાલન કરાવવા માટે અમેરિકન સેના સમુદ્રમાં ચોતરફ કડક નજર રાખી રહી છે. આ મિશન અંતર્ગત અમેરિકન સેના અત્યાર સુધીમાં નિયમો તોડનારા કુલ 5 કોમર્શિયલ જહાજોને આ જ શૈલીમાં મિસાઈલ કે અન્ય એક્શન દ્વારા નિષ્ક્રિય કરી ચૂકી છે. આ ઉપરાંત, નાકાબંધી તોડવાનો પ્રયાસ કરી રહેલા અન્ય 116 જેટલા જહાજોને અટકાવીને તેમનો દરિયાઈ રસ્તો બદલવાની ફરજ પાડવામાં આવી છે.



