‘ઊંટના મોંમાં જીરું’! પાકિસ્તાનમાં પેટ્રોલ-ડીઝલમાં પ્રતિ લિટર રૂ.22નો ઘટાડો, મોંઘવારીએ માઝા મૂકી હતી | Pakistan Fuel Price Cut: Petrol and Diesel Prices Reduced

![]()
Pakistan Fuel Price Cut: પાકિસ્તાન સરકારે ઈંધણના ભાવમાં સતત બીજા સપ્તાહે મોટો ઘટાડો કરવાની જાહેરાત કરી છે. આંતરરાષ્ટ્રીય બજારમાં ક્રૂડ ઓઇલના ભાવમાં આવેલા કડાકાને પગલે પાકિસ્તાન સરકારે પેટ્રોલ અને હાઇ-સ્પીડ ડીઝલ (HSD) બંનેના ભાવમાં પ્રતિ લિટર 22 રૂપિયાનો ઘટાડો કર્યો છે. અગાઉ ગયા સપ્તાહે પણ સરકારે ભાવમાં 6 થી 7 રૂપિયાનો ઘટાડો કર્યો હતો.
નવા ભાવ આજથી જ અમલી
પાકિસ્તાનના પેટ્રોલિયમ વિભાગના જણાવ્યા અનુસાર, નવી કિંમતો 30 મેથી શરૂ થતાં સપ્તાહ માટે અમલી બની રહેશે. આ ઘટાડા બાદ હવે પાકિસ્તાનમાં એક લિટર પેટ્રોલની કિંમત 380 પાકિસ્તાની રૂપિયા અને હાઇ-સ્પીડ ડીઝલની કિંમત 381 પાકિસ્તાની રૂપિયા થઈ ગઈ છે. આ ઉપરાંત ઓઇલ એન્ડ ગેસ રેગ્યુલેટરી ઓથોરિટી (OGRA) દ્વારા જાહેર કરાયેલા નોટિફિકેશન મુજબ, કેરોસીનના ભાવમાં પણ મોટો ઘટાડો કરાયો છે. કેરોસીનનો ભાવ પ્રતિ લિટર 313.44 રૂપિયાથી ઘટાડીને 272 રૂપિયા કરવામાં આવ્યો છે.
વૈશ્વિક બજારમાં ક્રૂડના ભાવ ગગડ્યા
નિષ્ણાતોના મતે, વૈશ્વિક સ્તરે બ્રેન્ટ ક્રૂડ ઓઇલના ભાવમાં એક જ સપ્તાહમાં 11 ટકાનો મોટો ઘટાડો નોંધાયો છે. ઈરાન અને અમેરિકા વચ્ચે શાંતિ સમજૂતી માટેની હિલચાલ શરૂ થતાં અને અમેરિકા આ પ્રસ્તાવ પર વિચાર કરી રહ્યું હોવાના અહેવાલોને પગલે વૈશ્વિક બજાર શાંત પડ્યું છે. જોકે, હોર્મોઝની ખાડી મામલે હજુ પણ બંને દેશો વચ્ચે તણાવ યથાવત છે.
ભૂતકાળમાં કરાયેલા તોતિંગ વધારા સામે આ ઘટાડો તો ‘ઊંટના મોંમાં જીરું’ સમાન
પાકિસ્તાન સરકારે ભલે છેલ્લા બે સપ્તાહમાં આ આંશિક રાહત આપી હોય, પરંતુ ગત માર્ચ અને એપ્રિલ મહિનામાં જનતા પર મોંઘવારીનો માર ઝીંકવામાં આવ્યો હતો. ઈરાન-ઈઝરાયલ સંઘર્ષ શરૂ થતાં ગત 6 માર્ચે પાકિસ્તાન સરકારે એક ઝાટકે પેટ્રોલ-ડીઝલમાં રૂ.55નો તોતિંગ વધારો કર્યો હતો. ત્યારબાદ 2 એપ્રિલે ફરી પેટ્રોલમાં 43 ટકા અને ડીઝલમાં 55 ટકાનો અસહ્ય ભાવવધારો ઝીંકી દેવાયો હતો.



