ટ્રમ્પને પ્રમુખ તરીકે નાપસંદ કરનારા શ્વેત મતદારોની ટકાવારી વધીને 54 ટકા | Percentage of white voters who disapprove of Trump as president rises to 54 percent

![]()
– મિડ ટર્મ ચૂંટણી પહેલા રિપબ્લિકનો માટે ખતરો
– અમેરિકન પ્રમુખ પરથી કટ્ટર સમર્થકોનો ભરોસો ઉઠયો અર્થતંત્રમાં વાળેલા છબરડા અને મોંઘવારીથી લોકો કંટાળ્યા
વોશિંગ્ટન : અમેરિકન પ્રમુખના કટ્ટર સમર્થકો મનાતા વ્હાઇટ વોટર્સ પણ હવે તેમનાથી નિરાશ છે.ટ્રમ્પ અર્થતંત્રમાં વાળેલા છબરડા અને વધતી જતી મોંઘવારી જોઈ ૨૦૨૪માં તેમને જંગી માર્જિનથી જીતાડનારા શ્વેત નોકરિયાત મતદારોમાં તેમનું એપ્રુવલ રેટિંગ ઘટયું છે, આમ ટ્રમ્પને નાપસંદ કરનારા શ્વેત અમેરિકનોની ટકાવારી ૫૪ ટકાએ પહોંચી ગઈ હોવાનું વોશિંગ્ટન પોસ્ટે જણાવ્યું હતું.
પોસ્ટ મુજબ સીબીએસ ન્યૂઝ પોલ આ મહિને કરવામાં આવ્યો હતો. તેમા ટ્રમ્પની કામગીરી અંગે કોલેજ ડિગ્રી વગરના શ્વેત મતદાતાઓનું ડિસએપ્રુવલ રેટિંગ વધીને ૫૪ ટકાએ પહોંચી ગયુ છે, જે અત્યાર સુધીનું સૌથી વધારે છે. ફેબુ્રઆરી ૨૦૨૫માં આ રેટિંગ ૩૨ ટકા હતુ અને આ વર્ષે માર્ચમાં તે ૪૫ ટકા થયું હતું.
આગામી નવેમ્બરમાં મિડ ટર્મ ઇલેકશન છે તે પહેલા આ પ્રકારનું રેટિંગ રિપબ્લિકનો માટે ચેતવણીનો સંકેત છે. ટ્રમ્પે ઓફશોરિંગના કારણે ગુમાવાયેલી જોબ્સને પરત લાવવાનું, વૈશ્વિકીકરણને નકારી દેવાનું અને ઇમિગ્રેશન પર ત્રાટકવાનું વચન આપીને ૨૦૧૬માં કોલેજ ડિગ્રી વગરના શ્વેત મતદારોનો બે તૃતિયાંશ ટેકો મેળવ્યો હતો. ટ્રમ્પ ૨૦૨૦ અને ૨૦૨૪ સુધી આ સમર્થન જાળવી રાખ્યું હતું. જો કે કોલેજ ડિગ્રી વગરના શ્વેત અમેરિકનો હજી પણ ટ્રમ્પ ઇમિગ્રેશનને લઈને જે વલણ દાખવી રહ્યા છે તેને યોગ્ય માને છે એમ આ વર્ષે સીબીએસ ન્યૂઝ-યુગવ પોલમાં જણાવાયું હતું, પરંતુ તેના માર્જિનમાં ઘટાડો થયો હતો. તેઓએ ટ્રમ્પના અર્થતંત્રના સંચાલનને ૨૨ પોઇન્ટનું ડિસએપ્રૂવલ રેટિંગ આપ્યું હતું. આ સિવાય મેના મધ્યમાં અન્ય મહત્વના નેશનલ સરવેમાં પ્રમુખનું એપ્રૂવલ રેટિંગ નવી સપાટીએ પહોંચ્યુ હતુ. નવા ઇકોનોમિસ્ટ-યુગવપોલ મુજબ ટ્રમ્પનું એપ્રિવલ રેટિંગ તેમની છેલ્લી બે ટર્મમાં ઘટીને ૩૪ ટકાના સ્તરે પહોંચી ગયુ છે. જ્યારે અમેરિકન રિસર્ચ ગુ્રપના નેશનલ સરવેના તારણ મુજબ ટ્રમ્પનું એપ્રિવલ રેટિંગ ૩૧ ટકા અને ડિસએપ્રૂવલ રેટિંગ ૬૪ ટકા છે, જે અત્યાર સુધીની બધી ટર્મમાં સૌથી ઓછું છે. ક્વિનિપિયાક યુનિવર્સિટીના નેશનલ પોલ મુજબ ટ્રમ્પનું એપ્રુવલ રેટિંગ ૩૪ ટકા અને ડિસએપ્રુવલ રેટિંગ ૫૮ ટકા હતુ, જે તેમની પ્રેસિડેન્સીમાં અત્યાર સુધીમાં સૌથી નીચું રેટિંગ છે.



