હોર્મુઝ ખૂલશે, ઇરાન પરમાણુ બોમ્બ નહીં રાખી શકે: ટ્રમ્પ | Hormuz will open Iran will not be able to have a nuclear bomb: Trump

![]()
– ડીલ પર સહી કરવામાં કોણ પહેલ કરે તે મુદ્દે મડાગાંઠ
– અમેરિકા-ઇરાન 60 દિવસના યુદ્ધવિરામ માટે સંમત અને તે દરમિયાન પરમાણુ કાર્યક્રમ પર ચર્ચા કરાશે
– આ કરારમાં વિજેતા તે જ હશે જે ડીલ પર સહી કર્યા પછી પણ યુદ્ધ માટે તૈયાર હોય: ઇરાનનો દાવો
વોશિંગ્ટન : અમેરિકન પ્રમુખ ટ્રમ્પે જણાવ્યું છે કે હોર્મુઝ ખૂલશે અને અમેરિકા એકબાજુએ ઘેરાબંધી ખતમ કરશે અને બીજી બાજુએ ઇરાન હોર્મુઝ ખોલશે. પણ ઇરાન પરમાણુ બોમ્બ નહીં જ બનાવી શકે અને રાખી શકે. આ માટે ઇરાને હોર્મુઝની અંદર બીછાવેલી માઇન્સ દૂર કરવી પડશે. અમે પણ કેટલીક માઇન્સ દૂર કરી છે. આ વણકલ્પી ઘેરાબંધીના લીધે અટવાયેલા જહાજોનો બહાર નીકળવાનો માર્ગ મોકળો થશે.
ટ્રમ્પે જણાવ્યું હતું કે હાલમાં હું સિચ્યુએશન રૂમમાં છું. આ ડીલ પર અંતિમ નિર્ણય કરવા માટે ટોચના અધિકારીઓની સાથે બેઠક કરી રહ્યો છું. ટ્રમ્પે તે વાતને સમર્થન આપ્યું હતું કે અમેરિકા અને ઇરાનના વાટાઘાટકારો કામચલાઉ કરાર પર પહોંચવામાં સંમત થયા છે. આ ડીલ મુજબ આગામી ૬૦ દિવસનો યુદ્ધવિરામ થશે અને ઇરાનના પરમાણુ કાર્યક્રમ અંગે મંત્રણા થશે. અમેરિકાના વાઇસ પ્રેસિડેન્ટ જેડી વાન્સે જણાવ્યું હતું કે બંને પક્ષોએ ડીલની ભાષાના મુદ્દે ચર્ચા ચાલુ રાખી છે અને આ દરખાસ્ત પર પ્રમુખ ટ્રમ્પ સહી કરશે કે નહી તેના અંગે તે કશું ન કહી શકે.
આ સપ્તાહે આ મંત્રણામાં સંકળાયેલા ઇરાનના વાટાઘાટકાર અને ઇરાનની સંસદના સ્પીકર મોહમ્મદ બાઘેર કાલિબાફે જણાવ્યું હતું કે તેમના દેશને ગેરંટી કે શબ્દા પર નહીં પણ પગલાં પર વિશ્વાસ છે. તેમણે જણાવ્યું હતું કે આ કરારમાં વિજેતા તે જ હશે જે કરાર પર સહી કર્યા પછી પણ યુદ્ધ માટે તૈયાર હોય.
કેટલાય દિવસોથી સમાચાર હતા કે ઇરાન અને અમેરિકા ૬૦ દિવસના યુદ્ધવિરામ માટે રાજી થઈ ગયા છે. યુદ્ધવિરામની શરતો અને સ્થાયી સમજૂતીની શરતોની વિગતો પણ સામે આવી ચૂકી છે. ટ્રમ્પથી લઈને રૂબિયો સુધીના દાવા કરી ચૂક્યા છે કે ડીલ થવાની તૈયારીમાં છે. પણ ડીલ થઈ રહી નથી. આખું વિશ્વ પરેશાન છે. તેનું કારણ એ છે કે હોર્મુઝ ઇરાને બંધ કરેલું છે. તેના લીધે તેલ-ગેસનો પુરવઠો રોકાઈ ગયો છે. કેટલાય દેશોમાં મોંઘવારી વધી ગઈ છે. પ્રજાનો પોતાની સરકારો સામેનો ગુસ્સો વધી રહ્યો છે.
થોડા સમય પહેલા જ સમાચાર પણ આપવામાં આવ્યા હતા કે સ્થાયી સમજૂતીવાળી ડીલવાળી ફાઇલ ટ્રમ્પ અને મોજતબાના ટેબલ પર છે. ટ્રમ્પે ડીલ પર સહી કરવા માટે તેના અધિકારીઓ પાસે થોડો સમય માંગ્યો છે. તેનું કહેવું છે કે આ મુદ્દે ઉતાવળ કરવી યોગ્ય નથી. ટ્રમ્પ કહે છે કે ઉતાવળ કરવી યોગ્ય નથી. ઇરાન સાથે ડીલ થશે તો સારી ડીલ થશે નહીં તો નહીં થાય. હવે ડીલ ટેબલ પર જ છે પછી સારી ડીલનો અર્થ શું. હવે ખેલ અહીં જ શરૂ થાય છે. આ ડીલમાં હોર્મુઝ ખોલવા, ઇરાનના ફ્રીઝ કરેલા ખાતાઓને બહાલ કરવામાં અને પ્રતિબંધોને દૂર કરવામાં સંમતિ બની છે, પરંતુ તેમા અમેરિકાનો કોઈ ફાયદો નથી. અમેરિકાએ ઇરાન પર હુમલો તો પરમાણુ શસ્ત્રો ધારણ કરતાં રોકવા કર્યો હતો. ટ્રમ્પ આ યુદ્ધને આ જ વાતને લઈને યોગ્ય ઠેરવતા આવ્યા છે. ઇરાનમાં સત્તા પરિવર્તનનો વિચાર પણ હવે ટ્રમ્પ ભૂલી ગયા છે. હવે જો પરમાણુ શસ્ત્રોની ડીલ ન થઈ તો ટ્રમ્પ આખા વિશ્વને કયુ મોઢું બતાવશે. ઇરાન પણ મૌખિક રીતે જણાવી રહ્યું છે કે તે ડીલ માટે તૈયાર છે એને ૬૦ દિવસની અંદર પરમાણુ શસ્ત્રોથી લઈને યુરેનિયમની ચર્ચા કરીશું. બસ ટ્રમ્પ ત્યાં જ રોકાઈ ગયા છે. તેમને લાગે છે કે જો તે ડ્રિલ પર સહી કરી લે છે અને ઇરાન પોતાની વાત પરથી ફરી જાય છે તો તે મજાકને પાત્ર બનશે. તેથી તે ઇચ્છે છે કે ઇરાન પહેલા ડીલ કરે.
બીજી બાજુ ઇરાનને ડર છે કે જો તેણે પહેલા સહી કરી દીધી અને હોર્મુઝ ખોલી દીધું તથા અમેરિકા પછી પલટી ગયું તો તેની બધી બાજુએ હાર થશે. હોર્મુઝ ખોલ્યા પછી તની સાથે અમેરિકા સાથે સોદાબાજી કરવા જેવું કશું રહેશે જ નહી.



