હોર્મુઝ ઉપર ટોલ ટેક્ષ નહીં લાગે : પરમાણુ શસ્ત્રો પણ ઇરાન નહીં બનાવે : યુ.એસ. સાથે સમજૂતી | No toll tax on Hormuz: Iran will not build nuclear weapons either: Agreement with US

![]()
– અમેરિકી અધિકારીએ કહ્યું : ઇરાન માટે પોતાનું અર્થતંત્ર સધ્ધર કરવાની આ તક છે : આ સમજૂતીમાં કોઈ ગુપ્ત શર્ત નથી
નવી દિલ્હી : ઇરાન અમેરિકા યુદ્ધમાં એક મહત્ત્વના ખુશખબર આવ્યા છે. જાણકારો જણાવે છે કે બંને દેશો વચ્ચે એક સમજૂતી પર સહમતી સધાઈ ગઈ છે. આ સમજૂતી ઉપર અમેરિકાના પ્રમુખ ડૉનાલ્ડ ટ્રમ્પની સહી થવાની જ બાકી છે.
આ પૂર્વે અમેરિકી અને ઇરાની અધિકારીઓ ૬૦ દિવસના યુદ્ધ વિરામ માટે પણ સહમત થયા હતા. આ સહમતિને અમેરિકાના અધિકારીઓએ પુષ્ટિ પણ આપી છે. જો તેને ટ્રમ્પની મંજૂરી મળી જાય તો સ્ટેઇટ્સ ઓફ હોર્મુઝમાં તંગદિલી પણ ખત્મ થઇ જશે.
એક્ઝીઓસના એક રીપોર્ટ પ્રમાણે : સ્ટ્રેઇટ્સ ઓફ હોર્મુઝ ફરી ખોલવી તે સમજૂતીના મુખ્ય મુદ્દાઓ પૈકીનો એક મુદ્દો છે.
ભારત માટે આ અતિમહત્ત્વના સમાચાર છે. કારણ કે મુખ્ય સમુદ્રી જળમાર્ગ બંધ થવાને લીધે ભારતમાં ઊર્જા સંકટ ચરમસીમાએ પહોંચ્યું છે. ક્રૂડના ભાવ આસમાને છે તેથી ભારતમાં પેટ્રોલ ડીઝલના ભાવ વધી ગયા છે. તેવામાં હોર્મુઝમાંથી જહાજોની આવ-જા ફરી શરૂ થતાં ભારત ઉપર એનર્જી પ્રેશર ઘટી જશે.
યુદ્ધ શરૂ થયું તે પહેલાં વૈશ્વિક તેલ પૂરવઠાનો ૨૦ ટકા હિસ્સો હોર્મુઝમાંથી જ પસાર થતો હતો. પરંતુ અમેરિકાના હુમલા શરૂ થયા પછી ઇરાને ત્યાંથી જહાજોની આવન જાવન ઉપર પ્રતિબંધ મુક્યો તે સામે અમેરિકાએ હોર્મુઝ ઉપરાંત ઇરાનનાં દરેક બંદરો ઉપર નાકાબંધી કરી દીધી.
અમેરિકી અધિકારીઓ જણાવે છે કે હવે હોર્મુઝમાંથી જહાજો કોઈ પણ રોક ટોક વિના પસાર થઇ શકશે, અને આગામી ૩૦ દિવસમાં જ ઇરાન ત્યાંથી તમામ બારૂદી સુરંગો હઠાવી લેશે. અમેરિકા તેણે ઇરાનનાં બંદરો ઉપર મુકેલી નાકાબંધી પણ હઠાવી લેશે.
અધિકારીઓએ જણાવ્યું હતું કે આ સમજૂતીના ડ્રાફ્ટમાં ઇરાને પરમાણુ શસ્ત્રો પણ નહીં બનાવવાની શર્ત પણ સામેલ છે. આ ડ્રાફ્ટ તૈયાર થયા પછી ૬૦ દિવસ સુધી બંને પક્ષો વચ્ચે મંત્રણા ચાલશે. પહેલાં ચરણની મંત્રણામાં ઇરાનનાં સંવર્ધિત યુરેનિયમ ભંડારનાં ભાવિ ઉપર ધ્યાન કેન્દ્રિત કરાશે. બીજી તરફ અમેરિકા પણ તેણે મુકેલા પ્રતિબંધોમાં ઇરાનને રાહત આપવા તથા ઇરાનની જપ્ત કરેલી મિલકતો પરત આપવા અને માનવીય સહાયતા તથા જરૂરી ઉત્પાદનો ઇરાન સુધી પહોંચાડવાની એક યોજના તૈયાર કરવા બંને પક્ષો સહમત થયા છે.
આમ છતાં ડીલના ફાયનલ ખબરો ઉપર વાદળ રહેલાં છે. બુધવારે કેબિનેટ મીટીંગ દરમિયાન પત્રકારો સાથે વાતચીત કરતાં ટ્રમ્પે કહ્યું હતું કે જો ઇરાન સાથે સમજૂતી નહીં સધાય તો ઇરાન પર ફરી હુમલો કરાશે. બીજી તરફ એક અમેરિકી અધિકારીએ કહ્યું હતું કે ઇરાન માટે પોતાનું અર્થતંત્ર સદ્ધર કરવાની આ તક છે. આ સમજૂતીમાં કોઈ ગુપ્ત શર્ત નથી.



