કર્ણાટકમાં કંઈક મોટું થવાના સંકેત ! CM પદેથી રાજીનામા મામલે સિદ્ધારમૈયાના મૌનથી વધ્યું સસ્પેન્સ | Siddaramaiah Silence On Resignation Sparks Suspense Over Next Karnataka CM

![]()
Siddaramaiah Silence On Resignation : કર્ણાટકના રાજકારણમાં આગામી બે દિવસમાં સત્તા પરિવર્તનની અટકળો તેજ બની ગઈ છે. આ દરમિયાન કોંગ્રેસના વરિષ્ઠ ધારાસભ્ય આર. વી. દેશપાંડેએ એક મોટું નિવેદન આપીને હલચલ મચાવી દીધી છે. તેમણે દાવો કર્યો છે કે મુખ્યમંત્રી સિદ્ધારમૈયા આગામી 24 કલાકની અંદર પોતાના પદ પરથી રાજીનામું આપી શકે છે. કર્ણાટકના કોઈ કોંગ્રેસ નેતા તરફથી આ પ્રકારનું આ પહેલું ખુલ્લું નિવેદન છે. આર. વી. દેશપાંડેએ જણાવ્યું કે ‘મુખ્યમંત્રી સિદ્ધારમૈયાએ પહેલાથી જ રાજીનામું આપવાનો નિર્ણય કરી લીધો છે, અને તેઓ આવતીકાલે (28 મે 2026) ના રોજ રાજીનામું આપી શકે છે. તમામ ધારાસભ્યો ઈચ્છતા હતા કે સિદ્ધારમૈયા પોતાના પદ પર ચાલુ રહે, પરંતુ મુખ્યમંત્રીએ કહ્યું કે મેં હાઈકમાન્ડને વચન આપ્યું છે. હવે હાઈકમાન્ડ જ નક્કી કરશે કે આગામી મુખ્યમંત્રી કોણ બનશે’
ડી. કે. શિવકુમાર માટે રસ્તો સાફ?
રાજકીય વર્તુળોમાં ચાલી રહેલી ચર્ચા અને ન્યૂઝ એજન્સી પીટીઆઈ (PTI) ના અહેવાલ મુજબ, સિદ્ધારમૈયા ગુરુવારે (28 મે) રાજીનામું આપે તેવી પૂરેપૂરી સંભાવના છે. જો આવું થશે, તો વર્તમાન નાયબ મુખ્યમંત્રી ડી. કે. શિવકુમાર (D. K. Shivakumar) માટે કર્ણાટકના આગામી મુખ્યમંત્રી બનવાનો રસ્તો સાફ થઈ જશે. કોંગ્રેસના સૂત્રોના જણાવ્યા અનુસાર, સિદ્ધારમૈયાએ 28 મેના રોજ જ રાજ્યપાલ થાવરચંદ ગેહલોતને મળવા માટેનો સમય પણ માંગ્યો છે, જેથી તે પોતાનું રાજીનામું સોંપી શકે. આ પહેલા કોંગ્રેસ હાઈકમાન્ડ રાહુલ ગાંધી અને પાર્ટી અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેએ દિલ્હીમાં સિદ્ધારમૈયા અને શિવકુમાર સાથે કલાકો સુધી વન-ટુ-વન બેઠકો અને ચર્ચાઓ કરી હતી.
આગામી થોડા દિવસોમાં જ લેવાશે મોટા નિર્ણયો: નેતાઓનું શું કહેવું છે?
સાંસદ નાસીર હુસૈન, કોંગ્રેસ
‘દિલ્હીની બેઠકમાં ખૂબ જ વિગતવાર ચર્ચા થઈ છે. રાજ્યમાં રાજ્યસભાની ચૂંટણી અને કાઉન્સિલની ચૂંટણીઓ યોજાવાની છે. અમે રાજ્યપાલ દ્વારા કાઉન્સિલ માટે પાંચ લોકોના નામ પણ નોમિનેટ કરીએ છીએ. આ સાથે કેબિનેટમાં ફેરબદલ અંગે પણ ચર્ચા થઈ હતી. અમે આગામી થોડા દિવસોમાં મોટા નિર્ણયો લેવા જઈ રહ્યા છીએ. આ નિર્ણયો લેતી વખતે અમારે પ્રાદેશિક પ્રતિનિધિત્વ, જિલ્લા પ્રતિનિધિત્વ, જ્ઞાતિ અને સમુદાય, આ તમામ બાબતોનું ધ્યાન રાખવું પડશે. એક-બે દિવસમાં જેવા ફેરફારો થશે, તેની જાણ કરવામાં આવશે.’
સતીશ જારકીહોલી, PWD મંત્રી, કર્ણાટક
’28 મેએ મુખ્યમંત્રી સાથે યોજાનારી બ્રેકફાસ્ટ મીટિંગ (નાસ્તાની બેઠક) પછી બધું સ્પષ્ટ થઈ જશે. તેઓ પોતે જ જણાવશે કે, દિલ્હીમાં શું ચર્ચા થઈ અને તેમની આગળની યોજના શું છે. ત્યાં સુધી આપણે બસ રાહ જોવી પડશે, કારણ કે સત્તાવાર રીતે હજુ કોઈને કંઈ ખબર નથી.’
એચ. કે. પાટીલ, મંત્રી, કર્ણાટક
મુખ્યમંત્રી સિદ્ધારમૈયા સાથે મુલાકાત કર્યા બાદ તેમણે જણાવ્યું કે, ‘અમે અમારી ચિંતાઓ રજૂ કરી હતી, પરંતુ તેઓ (સિદ્ધારમૈયા) મૌન રહ્યા. અમે ટૂંક સમયમાં ફરીથી મળી શકીએ છીએ.’



