ટ્રમ્પની ઇરાન શાંતિ કરારની વાતો વચ્ચે અમેરિકાનો હોર્મુઝ નજીક સૈન્ય પોર્ટ પર હુમલો | US attacks military port near Hormuz amid Trump’s Iran peace deal talk

![]()
– અમેરિકાના મિસાઈલ એટેકમાં ઇરાનના ચાર સૈનિકોના મોત
– ઇરાનનું લશ્કર અરબની ખાડીમાં માઇન્સ ગોઠવી રહ્યું હોવાથી ‘સ્વબચાવ’માં હુમલો કર્યો હોવાનો અમેરિકન લશ્કરનો દાવો
વોશિંગ્ટન : અમેરિકન પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ એકબાજુ ઇરાન સાથે શાંતિ કરાર હાથવેંતમાં હોવાની વાત કરી રહ્યા છે ત્યારે બીજી બાજુએ અમેરિકન લશ્કરે ઇરાનના અબ્બાસ બંદર પર હુમલા કર્યા છે. તેની સાથે હોર્મુઝમાં માઇન્સ બીછાવતી બોટો પર હુમલા કર્યા છે. અમેરિકન લશ્કરે આ હુમલાને સ્વબચાવમાં કરેલો હુમલો જણાવ્યો છે. તેમા ઇરાનના ચાર સૈનિકો માર્યા ગયાનો દાવો ઇરાનની વેબસાઇટે કર્યો છે.
અમેરિકન લશ્કરે કરેલા હુમલામાં ઇરાનની મિસાઇલ લોન્ચિંગ સાઇટ્સ અને સમુદ્રમાં માઇન્સ બીછાવતી બોટને નિશાન બનાવી છે. આ સિવાય ઇરાનની મિસાઇલ બોટ્સને પણ નિશાન બનાવી હોવાનો દાવો કરવામાં આવી રહ્યો છે. આ ઘટના પછી ઇરાને પોતાની મિસાઇલ ડિફેન્સ સિસ્ટમ એલર્ટ કરી દીધી છે.
અમેરિકન લશ્કરે આ હુમલો તેવા સમયે કર્યો છે જ્યારે અમેરિકન પ્રમુખ ટ્રમ્પ સોશિયલ મીડિયા પર વારંવાર પોસ્ટ કરીને જણાવી રહ્યા છે કે ઇરાન સાથે વાતચીત સારી રીતે ચાલી રહી છે. અમેરિકન સેન્ટ્રલ કમાન્ડના પ્રવકતા ટીમ હોકિન્સે જણાવ્યું હતું કે અમેરિકન લશ્કરે દક્ષિણ ઇરાનમાં આ હુમલો એટલા માટે કર્યો કેમકે ઇરાની લશ્કરથી પોતાના સૈનિકોને સંભવિત ભયથી બચાવી શકાય. તેની સાથે તેણે એમ પણ જણાવ્યું હતું કે અમેરિકન લશ્કર હાલમાં ચાલતા સંઘર્ષવિરામને ધ્યાનમાં રાખીને મર્યાદાની અંદર રહીને કાર્યવાહી કરી રહ્યું છે.
અમેરિકન અધિકારીઓએ જણાવ્યું હતું કે ઇરાનના સર્વોચ્ચ નેતા ખામેનેઈ અજાણ્યા સ્થળેથી કામ કરી રહ્યા છે. તેમનો બહારના વિશ્વ સાથેનો સંપર્ક મર્યાદિત છે. તેમણે જણાવ્યું હતું કે ખામેનેઈનો સંપર્ક ફક્ત સંદેશવાહકોના જટિલ માધ્યમથી કરી શકાય છે. તેથી અમેરિકા જ્યારે પોતાની પ્રસ્તાવિત શરતોની વિગત મોકલે છે તો ઇરાની અધિકારીઓને તે વિગતો તેમના સર્વોચ્ચ નેતા સુધી પહોંચાડવામાં સમય લાગે છે. તેના કારણે પ્રતિક્રિયામાં વાર લાગે છે.
ટ્રમ્પ વહીવટીતંત્રના વરિષ્ઠ અધિકારીએ રવિવારે જણાવ્યું હતું કે ઇરાનના સર્વોચ્ચ નેતા મુસદ્દાની સમજૂતીની વર્તમાન રૂપરેખા પર સંમત થઈ ગયા છે. તેના પછી ટ્રમ્પેે ટ્રુથ સોશ્યલ પર જણાવ્યું હતું કે આગામી કેટલાક દિવસોમાં અંતિમ નિર્ણય થશે તેવી આશા છે. ઇરાન સાથેના સંઘર્ષવિરામ વચ્ચે ઇઝરાયેલે ભારતને કૂટનીતિક અપીલ કરી છે કે ભારત ઇરાનના ઇસ્લામિક રિવોલ્યુશનરી ગાર્ડ કોર્પ્સ (આઇઆરજીસી)ને આતંકવાદી સંગઠન જાહેર કરે. તેનો દાવો છે કે આઇઆરજીસીનો પ્રભાવ મધ્યપૂર્વથી બહાર વૈશ્વિક સુરક્ષા માટે પણ એક ચિંતાનો વિષય બની ચૂક્યો છે. તેની સાથે ભારતને આ સંગઠન પ્રત્યે આકરું વલણ અપનાવવા જણાવ્યું છે. આમ ઇઝરાયેલની અપીલના લીધે ઇરાન અને ઇઝરાયેલ બંને સાથે સારા સંબંધ ધરાવતા ભારતની સ્થિતિ અસમંજસભરી બની ગઈ છે. ઇરાને અમેરિકાના હુમલાની આકરી ઝાટકણી કાઢી હતી. તેમણે જણાવ્યું હતું કે યુદ્ધ પૂરુ કરવા અને ડીલ કરવા તરફ વાત આગળ વધી રહી છે ત્યારે આ પ્રકારનો હુમલો ડીલને ઘોંચમાં મૂકી શકે છે. તેમણે આ હુમલાને યુદ્ધવિરામનો ભંગ ગણાવ્યો હતો અને તેનો ઇરાન યોગ્ય જવાબ આપશે તેમ જણાવ્યું હતું. આઇઆરજીસીએ જણાવ્યું હતું કે તેઓએ તેમના એરસ્પેસમાં આવેલા કેટલાક ડ્રોન્સ તોડી પાડયા હતા અને ફાઇટર જેટ પર હુમલો કર્યો હતો. ઇઝરાયેલે દક્ષિણ લેબનોનમાં કરેલા હુમલામાં ૧૨ના મોત થયા હતા. ઇઝરાયેલે દક્ષિણ લેબનોનમાં લિતાની નદી સુધીનો પ્રદેશ તેના કબ્જામાં જ લઈ લીધો છે. હવે તે આ પ્રદેશનો ઉપયોગ બફર ઝોન તરીકે કરવા માંગે છે. પાકિસ્તાને સ્પષ્ટ જણાવી દીધું છે કે તે અબ્રાહમ એકોર્ડ પર સહી નહી કરે. તે તેના મૂળભૂત સિદ્ધાંતોના વિરુદ્ધ છે.
અમેરિકામાં ગેસના ઊંચા ભાવથી કન્ઝ્યુમર ઇન્ડેક્સ ઘટયો
વોશિંગ્ટન : અમેરિકામાં ગેસના ભાવ મેમાં પ્રતિ ગેલન ૪.૫૦ ડોલરની સરેરાશથી ઉપર રહેતા ફુગાવો પણ ઊંચે રહ્યો છે અને યુએસ કન્ઝ્યુમર કોન્ફિડન્સમાં ઘટાડો થયો છે. આમ એકબાજુએ શેરબજાર ઉચકાયુ છે તો બીજી બાજુએ વિપરીત સ્થિતિ જોવા મળી રહી છે. કન્ઝ્યુમર કોન્ફિડન્સ ઇન્ડેક્સ ૦.૭ ટકા ઘટીને ૯૩.૧ થયો છે. સળંગ ત્રણ મહિનાની વૃદ્ધિ પછી આ પ્રથમ ઘટાડો છે. કન્ઝ્યુમર કોન્ફિડન્સ ઇન્ડેક્સ આ મહિને વિક્રમજનક સ્તરે નીચે છે. ગેસ ભાવ વધતા ફૂડના પણ વધેલા ભાવે ફુગાવાના મોરચે સ્થિતિ વધુ વસમી બનાવી દીધી છે. તેના લીધે મોટાભાગના અમેરિકનોની ખરીદશક્તિમાં ઘટાડો થયો છે. સરવેમાં જણાવાયું છે કે મોટાભાગના અમેરિકનો ટ્રમ્પની આર્થિક નીતિથી કંટાળી ગયા છે, જેની સીધી અસર મિડ ટર્મ ઇલેકશન પર પડી શકે છે.
હૈદરાબાદથી ઇરાનના રાજદૂતાવાસનો કટાક્ષ
યુદ્ધથી યુરેનિયમ લેવાતું હોત તો અમેરિકાએ ક્યારનું ઝૂંટવી લીધું હોત
– ઇરાનનું યુરેનિયમ હવે અમેરિકન પ્રમુખ ટ્રમ્પ માટે એક તૂટેલું સપનું બની ગયું છે
તહેરાન : અમેરિકા અને ઇરાન વચ્ચેનું યુદ્ધ ખતમ થવાનું નામ લઈ રહ્યુ નથી. બંને વચ્ચે જબરદસ્ત રાજકીય અને લશ્કરી હુંસાતુંસી ચાલી રહી છે. ટ્રમ્પે સંવર્ધિત યુરેનિયમ સોંપવાની કે ખતમ કરવાની વાત કહી તેનો ઇરાને આકરો જવાબ આપ્યો છે.
ભારતમાં હૈદરાબાદ સ્થિત ઇરાનના રાજદૂતાવાસે ટ્રમ્પની યુરેનિયમની માંગને તૂટેલું સપનું ગણાવ્યું છે. ટ્રમ્પે સોશિયલ મીડિયા ટ્રુથ સોશિયલ પર એક પોસ્ટમાં જણાવ્યું હતું કે સંવર્ધિત યુરેનિયમ ક્યાં તો અમેરિકાને સોંપવામાં આવશે અથવા તો નષ્ટ કરવામાં આવશે અથવા તો ઇર્સાલમી ગણરાજ્ય મળીને યુરેનિયમને છે ત્યાં જ નષ્ટ કરવામાં આવે.
હૈદરાબાદ સ્થિત ઇરાનના દૂતાવાસે ટ્રમ્પની વાતનો આકરો જવાબ આપતા જણાવ્યું હતું કે ઇરાન જો ટ્રમ્પને યુરેનિયમ આપવા ઇચ્છતું હોત તો યુદ્ધ જ શું કામ કરત, તમે જો યુદ્ધથી યુરેનિયમ છીનવી શકતાં હોત તો અત્યાર સુધીમાં છીનવી લીધું હોત. હવે તમે બસ તૂટેલા સપનાને ફક્ત વાગોળી શકો છો.
એક ભ્રમિત અને યુદ્ધ અપરાધી મિત્ર પર વિશ્વાસ મૂકવાની આ કિંમત ચૂકવવી પડી છે.



