સીઝફાયર વચ્ચે અમેરિકાનો ઈરાન પર હુમલો: સ્ટ્રેટ ઓફ હોર્મુઝ અને બંદર અબ્બાસમાં એરસ્ટ્રાઈક | us military strikes iran irgc boats strait of hormuz trump

![]()
US Strikes Iran Missile Sites Amid Ceasefire: મિડલ ઈસ્ટમાં જ્યારે પણ એવું લાગે કે હવે શાંતિ સ્થપાશે, ત્યારે જ કંઈક એવું બને છે જે આખી દુનિયાને ચોંકાવી દે છે. અમેરિકા અને ઈરાન વચ્ચે અત્યારે સીઝફાયર ચાલી રહ્યો છે અને પડદા પાછળ શાંતિ વાટાઘાટોના પ્રયાસો થઈ રહ્યા છે. પરંતુ, આ દરમિયાન જ હોર્મુઝની ખાડી નજીક થયેલા જોરદાર વિસ્ફોટોએ સાબિત કરી દીધું છે કે આ શાંતિ માત્ર કાચની દીવાલ જેવી છે, જે ગમે ત્યારે તૂટી શકે છે.
હોર્મુઝની ખાડીમાં ઈરાનની બે બોટ નષ્ટ
અમેરિકાના સૈન્યની સેન્ટ્રલ કમાન્ડ દ્વારા સોમવારે દક્ષિણ ઈરાનમાં હવાઈ હુમલા કર્યા છે. આંતરરાષ્ટ્રીય મીડિયા અહેવાલ અનુસાર ઈરાનની ઈસ્લામિક રિવોલ્યુશનરી ગાર્ડ કોર્પ્સની બે બોટ્સ ‘સ્ટ્રેટ ઓફ હોર્મુઝ’માં દરિયાઈ માઈન્સ બિછાવી રહી હતી. અમેરિકાને જેવી આ વાતની જાણ થઈ, તેમણે તુરંત જ જવાબી કાર્યવાહી કરી અને બંને બોટ્સને પાણીમાં જ ગરકાવ કરી દીધી.
બંદર અબ્બાસમાં પણ ભયાનક હુમલા
બીજી તરફ, ઈરાનના બંદર અબ્બાસ ખાતે આવેલી સરફેસ-ટુ-એર મિસાઈલ સાઈટ પરથી અમેરિકી ફાઈટર જેટ્સને ટાર્ગેટ બનાવવાનો પ્રયાસ કરાયો હતો. અમેરિકાએ બિલકુલ મોડું કર્યા વિના આખી મિસાઈલ લોન્ચ સાઈટને બોમ્બમારો કરીને નષ્ટ કરી દીધી છે.
સીઝફાયર નથી તોડ્યો, માત્ર આત્મરક્ષામાં હુમલો કર્યો: અમેરિકા
અમેરિકાનો દાવો છે કે આ હુમલા આત્મરક્ષામાં કરવામાં આવ્યા છે. સોમવારે દક્ષિણ ઈરાનના તટીય વિસ્તારોમાં એકપછી એક અનેક પ્રચંડ ધડાકા સંભળાયા હતા, જેનાથી સ્થાનિક લોકોમાં ભારે ગભરાટ ફેલાઈ ગયો હતો. અમેરિકાના અધિકારીઓએ સ્પષ્ટ કર્યું છે કે હાલ પૂરતી આ લશ્કરી કાર્યવાહી પૂર્ણ થઈ ગઈ છે અને તેનો હેતુ માત્ર પોતાના સૈનિકોનું રક્ષણ કરવાનો હતો, સીઝફાયર તોડવાનો નહીં.
ઈરાને ન્યૂક્લિયર ડસ્ટનો નાશ કરવો જ પડશે: ટ્રમ્પનું અલ્ટિમેટમ
આ સૈન્ય હુમલા પાછળ માત્ર લશ્કરી કારણો નથી, તેની પાછળ ડોનાલ્ડ ટ્રમ્પની કડક વિદેશ નીતિ અને રાજદ્વારી દબાણ પણ કામ કરી રહ્યું છે. એકતરફ અમેરિકા હુમલા કરી રહ્યું છે, તો બીજી તરફ ડોનાલ્ડ ટ્રમ્પે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ‘ટ્રુથ સોશિયલ’ પર ઈરાન સામે એક કડક શરત મૂકી દીધી છે. ટ્રમ્પે ઈરાનના સંવર્ધિત યુરેનિયમને “ન્યૂક્લિયર ડસ્ટ” ગણાવીને અલ્ટીમેટમ આપ્યું છે કે ઈરાને તેનો તમામ જથ્થો કાં તો અમેરિકાને સોંપી દેવો પડશે અથવા આંતરરાષ્ટ્રીય દેખરેખ હેઠળ તેનો નાશ કરવો પડશે.
ટ્રમ્પનો પ્લાન માત્ર ઈરાનને દબાવવાનો નથી, પરંતુ તેઓ ‘અબ્રાહમ એકોર્ડ્સ’નો પણ મોટો વિસ્તાર કરવા માંગે છે. તેઓ ઈચ્છે છે કે ભવિષ્યના પ્રાદેશિક શાંતિ માળખામાં ઈરાન પોતે પણ સામેલ થાય, પરંતુ તે પહેલાં ઈરાને પોતાના પરમાણુ હથિયારો બનાવવાનો મોહ છોડવો પડશે.



