दुनिया

દરેક દેશમાં બેવકૂફો હોય છે…!, ભારત આવેલા અમેરિકાના વિદેશ મંત્રીના એક નિવેદનથી કેમ મચ્યો હોબાળો? | Marco Rubio Stupid People Row US Sec of State Clarifies India Remarks After Online Storm




Marco Rubio ‘Stupid People’ Row: અમેરિકાના વિદેશ મંત્રી માર્કો રુબિયોનો ભારત પ્રવાસ રાજદ્વારી દ્રષ્ટિએ ખૂબ જ મહત્ત્વનો છે. આ પ્રવાસ દરમિયાન તેમણે ભારત અને અમેરિકા વચ્ચેના મજબૂત સંબંધો પર ભાર મૂકતા જણાવ્યું કે ડોનાલ્ડ ટ્રમ્પ ભારતને ખૂબ જ પસંદ કરે છે. જોકે, દિલ્હીમાં યોજાયેલી એક પ્રેસ કોન્ફરન્સમાં તેમણે આપેલા એક નિવેદને ભારત અને અમેરિકા બંને દેશોના સોશિયલ મીડિયા પર મોટો વિવાદ ઊભો કરી દીધો છે. માર્કો રુબિયોએ કહ્યું હતું કે દુનિયાના દરેક દેશમાં ‘સ્ટુપિડ પીપલ’ એટલે કે મૂર્ખ લોકો હોય છે. તેમના આ નિવેદનની ભારતમાં તો વ્યાપક ચર્ચા થઈ જ રહી છે, પરંતુ સાથે જ અમેરિકાના સ્થાનિક રાજકારણમાં પણ આ મુદ્દે ગરમાવો આવી ગયો છે.

કોલકાતાથી દિલ્હી અને જયશંકર સાથે બેઠક

માર્કો રુબિયો અમેરિકાના વિદેશ મંત્રી બન્યા બાદ પહેલીવાર ભારત આવ્યા છે. તેઓ પહેલા કોલકાતા પહોંચ્યા, જ્યાં તેમણે મિશનરીઝ ઓફ ચેરિટીની મુલાકાત લીધી હતી. ત્યારબાદ તેઓ દિલ્હી આવ્યા અને ભારતના વિદેશ મંત્રી એસ. જયશંકર સાથે દ્વિપક્ષીય બેઠક યોજી. આ હાઈપ્રોફાઈલ બેઠકમાં ભારત અને અમેરિકા વચ્ચે વ્યાપાર, ઊર્જા, સંરક્ષણ અને ક્વાડ (QUAD) સહયોગ જેવા મહત્ત્વના મુદ્દાઓ પર ગંભીર ચર્ચા થઈ હતી. ભારતે અમેરિકાથી ઊર્જાની આયાત વધારવા અને 500 અબજ ડોલરની વસ્તુઓ ખરીદવાની પ્રતિબદ્ધતા પણ દર્શાવી હતી.

વિવાદની શરૂઆત: જ્યારે ભારતીય પત્રકારે પૂછ્યો સવાલ

અસલી વિવાદ ત્યારે શરૂ થયો જ્યારે માર્કો રુબિયો અને એસ. જયશંકર દિલ્હીમાં સંયુક્ત પ્રેસ કોન્ફરન્સ કરી રહ્યા હતા. આ દરમિયાન એક ભારતીય પત્રકારે અમેરિકામાં ભારતીયો અને ભારતીય-અમેરિકનો વિરુદ્ધ વધી રહેલી નસ્લીય (નસલવાદી) ટિપ્પણીઓનો મુદ્દો ઉઠાવ્યો હતો. અહીં એ ઉલ્લેખ કરવો જરૂરી છે કે થોડા દિવસો પહેલા જ ડોનાલ્ડ ટ્રમ્પે ભારત અને ચીનની સરખામણી ‘નરક’ સાથે કરી હતી, જેને ભારતીય અધિકારીઓએ રાજદ્વારી મર્યાદાઓની વિરુદ્ધ ગણાવી હતી.

પત્રકારના આ સવાલનો જવાબ આપતા માર્કો રુબિયોએ કહ્યું, ‘દુનિયાના દરેક દેશમાં બેવકૂફ લોકો હોય છે. નસલવાદ કે ભેદભાવની આવી એકાદ-બે ઘટનાઓને અમેરિકામાં ભારતીય મૂળના સમુદાયની સફળતા અને તેમના વિકાસની સચ્ચાઈ પર હાવી થવા દેવી જોઈએ નહીં.’

આ પણ વાંચો: ‘વચ્ચે ના પડશો, આ અમારો મામલો છે….’, અચાનક જ ચીને ભારતને કયા મામલે આંખો બતાવી?

સોશિયલ મીડિયા પર લોકો ગમે ત્યારે બકવાસ કરતા રહે છે: માર્કો રુબિયો

પોતાની વાત આગળ ધપાવતા રુબિયોએ કહ્યું, ‘દરેક દેશમાં કેટલાક સ્ટુપિડ લોકો હોય છે જેઓ ડંબ કમેન્ટ્સ (મૂર્ખામીભરી ટિપ્પણીઓ) કરે છે. સોશિયલ મીડિયા પર લોકો આખો સમય બકવાસ કરતા રહે છે. અમેરિકામાં પણ આવા મૂર્ખ લોકો છે અને અહીં (ભારતમાં) પણ છે.’ તેમણે ભારપૂર્વક જણાવ્યું કે આવી ટિપ્પણીઓ અમેરિકન સરકારની નીતિ દર્શાવતી નથી અને અમેરિકા હંમેશા ઇમિગ્રન્ટ્સ (સ્થળાંતર કરનારાઓ)નું સ્વાગત કરતો દેશ રહ્યો છે.

રુબિયોનું નિવેદન વાઇરલ થતાં જ સોશિયલ મીડિયા પર ટ્રમ્પ ટ્રોલ થયા

માર્કો રુબિયોનું આ નિવેદન ઇન્ટરનેટ પર આગની જેમ વાઇરલ થઈ ગયું. સોશિયલ મીડિયા યુઝર્સે તેને ડોનાલ્ડ ટ્રમ્પ પર આડકતરો હુમલો ગણાવ્યો. યુઝર્સે મીમ્સ બનાવવાનું શરૂ કરી દીધું અને કહ્યું કે રુબિયોએ અજાણતામાં પોતાના જ બોસ (રાષ્ટ્રપતિ ટ્રમ્પ)ને ‘સ્ટુપિડ’ કેટેગરીમાં મૂકી દીધા છે, કારણ કે ભારતના સંદર્ભમાં નકારાત્મક ટિપ્પણી ટ્રમ્પે જ કરી હતી. એક અમેરિકન યુઝરે લખ્યું, ‘શું રુબિયોને ખબર છે કે તેમણે ટ્રમ્પ વિશે શું કહી દીધું?’, જ્યારે બીજા યુઝરે લખ્યું, ‘માર્કો રુબિયોએ ભારત પર નસલવાદી ટિપ્પણી કરવા બદલ ડોનાલ્ડ ટ્રમ્પને જ મૂર્ખ કહી દીધા.’ વિવાદ એટલો વધ્યો કે પાછળથી અમેરિકાના વિદેશ વિભાગે પોતાના સત્તાવાર હેન્ડલ પરથી આ ટ્વીટ ડીલીટ કરવી પડી હતી.

આગ્રા પહોંચીને રુબિયોએ આપવી પડી સ્પષ્ટતા

25 મેના રોજ જ્યારે માર્કો રુબિયો તાજમહેલ જોવા આગ્રા પહોંચ્યા, ત્યારે પત્રકારોએ તેમને ફરીથી અમેરિકામાં ભારતીયો વિરુદ્ધ થતી નસલવાદી ટિપ્પણીઓ અને તેમના અગાઉના નિવેદન અંગે સવાલ પૂછ્યા. આ વખતે રુબિયોએ બચાવ મુદ્રામાં આવીને સ્પષ્ટતા કરી કે, તેઓ ઓનલાઈન ટ્રોલ્સ અને બોટ્સ (નકલી એકાઉન્ટ્સ) વિશે વાત કરી રહ્યા હતા. તેમણે સ્પષ્ટ કર્યું કે રાષ્ટ્રપતિ ટ્રમ્પ ભારતને ખૂબ માન આપે છે અને પીએમ મોદી સાથે તેમનું બહુ સારું ટ્યુનિંગ છે.

આ પણ વાંચો: બાંગ્લાદેશમાં મોટી દુર્ઘટના, ઈદની ઉજવણી કરતા શ્રમિકોની ટ્રક પલટી, 15ના મોત, 10થી વધુ ઈજાગ્રસ્ત

રુબિયોએ કહ્યું, ‘હું એમ માની રહ્યો હતો કે સવાલ ઓનલાઈન પ્રવૃત્તિઓ વિશે છે, જ્યાં લોકો કંઈપણ પોસ્ટ કરે છે. તેમાંથી કેટલાક ટ્રોલ કે બોટ હોઈ શકે છે. આ પ્રકારનું વર્તન કોઈ એક દેશ પૂરતું સીમિત નથી. કમનસીબે, દુનિયાના દરેક દેશમાં લોકો સોશિયલ મીડિયા પર ગમે ત્યારે મૂર્ખામીભરી વાતો લખતા રહે છે.’ તેમણે ફરી એકવાર ખાતરી આપી કે અમેરિકા આજે પણ બહારથી આવતા લોકો માટે એક પ્રેમાળ દેશ છે અને કોઈ થોડા લોકોના ખરાબ વર્તનને આખા અમેરિકાનો નજરિયો ન માનવો જોઈએ.



Source link

Related Articles

Back to top button