दुनिया

ડીલ કરો, નહીંતર બીજા ઘણાં રસ્તા છે…: ભારત આવેલા માર્કો રૂબિયોની ઈરાનને ચેતવણી | US Iran Peace Talks Marco Rubio Warns Iran of Another Way if Nuclear Agreement Fails




US-Iran Peace Talks: અમેરિકા અને ઈરાન વચ્ચે ચાલી રહેલા સૈન્ય સંઘર્ષને સમાપ્ત કરવા માટે આંતરરાષ્ટ્રીય સ્તરે રાજદ્વારી પ્રયાસો ખૂબ જ તેજ થઈ ગયા છે. ભારતની સત્તાવાર મુલાકાતે આવેલા અમેરિકાના વિદેશ મંત્રી માર્કો રુબિયોએ સોમવારે નવી દિલ્હીમાં પત્રકારો સાથે વાતચીત કરતા સ્પષ્ટ કર્યું છે કે, અમેરિકા કાં તો ઈરાન સાથે એક મજબૂત અને નક્કર કરાર કરશે અથવા તો આ દેશ સામે સામનો કરવા માટે બીજો રસ્તો અપનાવશે. ડોનાલ્ડ ટ્રમ્પ દ્વારા યુદ્ધવિરામ અને સંભવિત શાંતિ કરાર અંગેની અપેક્ષાઓ પર થોડો સંયમ રાખ્યા બાદ વિદેશ મંત્રીનું આ મહત્ત્વનું નિવેદન સામે આવ્યું છે.

માર્કો રુબિયોએ નવી દિલ્હીમાં જણાવ્યું કે, ‘અમને આશા હતી કે રવિવારની રાત્રે અથવા આજે સોમવારે કોઈ સારા સમાચાર મળી શકે છે, પરંતુ આપણે આ બાબતને બહુ ગંભીરતાથી ન લેવી જોઈએ. સ્ટ્રેટ ઓફ હોર્મુઝ ફરીથી ખોલવા અને શિપિંગ સેવાઓ શરૂ કરવા માટે અમારી પાસે ટેબલ પર એક ખૂબ જ મજબૂત પ્રસ્તાવ છે.’ ઉલ્લેખનીય છે કે 28 ફેબ્રુઆરીથી ઈરાન પર શરૂ થયેલા અમેરિકન અને ઈઝરાયલના આ યુદ્ધ બાદ, બંને પક્ષોએ 8 એપ્રિલથી કામચલાઉ યુદ્ધવિરામ રાખ્યો છે. જોકે, હજુ પણ ઈરાને મોટાભાગના જહાજો માટે સ્ટ્રેટ ઓફ હોર્મુઝ બ્લોક કરી રાખ્યું છે, જ્યારે અમેરિકાએ ઈરાનના બંદરોની નાકાબંધી ચાલુ રાખી છે.

ડોનાલ્ડ ટ્રમ્પ અને ઈરાનનું વલણ: કરારમાં ઉતાવળ નહીં

રવિવારે અમેરિકન પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ‘ટ્રુથ સોશિયલ’ પર લખ્યું હતું કે, જ્યાં સુધી કોઈ સત્તાવાર કરાર પર હસ્તાક્ષર અને પ્રમાણપત્ર ન થઈ જાય, ત્યાં સુધી અમેરિકાની નૌકાસેના દ્વારા ઈરાનની નાકાબંધી સંપૂર્ણ શક્તિ સાથે ચાલુ રહેશે. બંને પક્ષોએ પૂરતો સમય લેવો જોઈએ અને બધું બરાબર કરવું જોઈએ.

બીજી તરફ, સોમવારે તેહરાનમાં પત્રકાર પરિષદને સંબોધતા ઈરાનના વિદેશ મંત્રાલયના પ્રવક્તા ઇસ્માઇલ બઘાઇએ જણાવ્યું હતું કે, ઈરાન અને અમેરિકા ચર્ચાના મોટાભાગના મુદ્દાઓ પર એક નિષ્કર્ષ પર પહોંચી ગયા છે, પરંતુ આનો અર્થ એ નથી કે કરાર પર હસ્તાક્ષર થવાના જ છે. અમેરિકાના વિદેશ મંત્રી રુબિયોની બીજા રસ્તાવાળી ધમકી પર પલટવાર કરતા પ્રવક્તાએ કહ્યું કે, અમેરિકા તેના વચનો પાળશે તેની કોઈ ગેરંટી નથી અને ઈરાન આવી ધમકીઓની પરવા કરતું નથી.

પાકિસ્તાન અને ચીનની મધ્યસ્થી: શાંતિ માટે બેઠકોનો દોર

આ વૈશ્વિક તણાવને શાંત કરવા માટે પાકિસ્તાન અને ચીન પણ સક્રિય બન્યા છે. પાકિસ્તાનના પીએમ શાહબાઝ શરીફ અને સૈન્ય પ્રમુખ અસીમ મુનીર સોમવારે બેજિંગમાં ચીનના ટોચના નેતાઓ સાથે મુલાકાત કરવા પહોંચ્યા હતા. ચીને જણાવ્યું છે કે તે મધ્ય પૂર્વમાં વહેલી તકે શાંતિ અને સ્થિરતા લાવવા માટે પાકિસ્તાન સાથે મળીને હકારાત્મક યોગદાન આપશે. આ પહેલા સૈન્ય પ્રમુખ અસીમ મુનીર ગયા અઠવાડિયે તેહરાનમાં ઈરાની નેતાઓ સાથે પણ મુલાકાત કરી ચૂક્યા છે.

આ પણ વાંચો: દરેક દેશમાં બેવકૂફો હોય છે…!, ભારત આવેલા અમેરિકાના વિદેશ મંત્રીના એક નિવેદનથી કેમ મચ્યો હોબાળો?

કરારના મુખ્ય મુદ્દાઓ: યુરેનિયમ અને દરિયાઈ માર્ગો

રોયટર્સના અહેવાલ મુજબ, અમેરિકન પ્રશાસનના એક વરિષ્ઠ અધિકારીએ નામ ન આપવાની શરતે જણાવ્યું કે, ઈરાન સૈદ્ધાંતિક રીતે તેના હાઈ-એનરિચ્ડ યુરેનિયમનો નિકાલ કરવા અને સ્ટ્રેટ ઓફ હોર્મુઝ ખોલવા માટે સંમત થયું છે. તેના બદલામાં અમેરિકા તેની નૌકાસેનાની નાકાબંધી હટાવી લેશે. એવું પણ જાણવા મળ્યું છે કે ઈરાનના સર્વોચ્ચ નેતા આયતુલ્લા અલી ખામેનેઈના પુત્ર મોજતબા ખામેનેઈએ આ ડીલના વ્યાપક માળખાને સમર્થન આપ્યું છે. અમેરિકા પહેલા દરિયાઈ માર્ગ ખોલવા અને નાકાબંધી હટાવવા માંગે છે, જ્યારે પરમાણુ કરારની વિગતો નક્કી કરવામાં થોડો વધુ સમય લાગશે.

જોકે, વૈશ્વિક બાબતોના નિષ્ણાતો માને છે કે ડોનાલ્ડ ટ્રમ્પ પ્રશાસનની અણધારી વ્યૂહનીતિ અને વારંવાર બદલાતા વલણને કારણે આ કરાર નજીકના ભવિષ્યમાં એટલો સરળતાથી સાકાર થાય તેમ લાગતું નથી.



Source link

Related Articles

Back to top button