राष्ट्रीय

કાનપુરમાં પોલીસ સ્ટેશનથી માત્ર 200 મીટર દૂર રોડ રેજની ઘટનામાં પિતા-પુત્રની હત્યા, સોનીપતમાં ફ્લેટમાં ઘૂસીને ટ્રિપલ મર્ડર | Kanpur Road Rage & Three died Shocks Sonipat



UP and Haryana Crime Thriller news : યુપીના કાનપુર અને હરિયાણાના સોનીપતમાંથી રવિવારે મોડી રાત્રે કાળજું કંપાવી દેનારી ક્રાઈમની બે મોટી ઘટનાઓ સામે આવી છે. કાનપુરમાં રસ્તા પર બાઇક અથડાવાની સામાન્ય બાબતમાં ત્રણ બદમાશોએ પિતા-પુત્રની ચપ્પુના ઘા ઝીંકીને હત્યા કરી નાખી છે. જ્યારે સોનીપતમાં એક માથાભારે શખ્સે ફ્લેટમાં ઘૂસીને પતિ-પત્ની સહિત ત્રણ લોકોની તીક્ષ્ણ હથિયારથી ઘાતકી હત્યા કરતાં સનસનાટી મચી ગઈ છે.

ઉત્તર પ્રદેશના કાનપુરમાં રોડ રેજમાં પિતા અને દીકરાની હત્યા

ઉત્તર પ્રદેશના કાનપુરના કિદવઈ નગર બાયપાસ પાસે રવિવારે રાત્રે આશરે 9 વાગ્યે રોડ રેજ (માર્ગ પરનો ઝઘડો) ની એક ભયાનક ઘટના સામે આવી છે. સનિગવા વિસ્તારના રહેવાસી શિવનારાયણ ત્રિવેદી પોતાના બે પુત્રો શિવમ અને સત્યમ સાથે માર્બલની દુકાનેથી કામ પતાવીને બાઇક પર ઘર તરફ જઈ રહ્યા હતા. આ દરમિયાન વૃંદાવન લોન પાસે તેમની બાઇક આગળ ચાલી રહેલી એક અન્ય બાઇક સાથે સહેજ અથડાઈ ગઈ હતી.

પોલીસ ચોકી નજીક જ ખેલાયો લોહિયાળ ખેલ

આ સામાન્ય વાત પર બાઇક પર સવાર ત્રણ યુવકોએ ગાળાગાળી શરૂ કરી દીધી અને હેલ્મેટ વડે પિતા-પુત્રો પર તૂટી પડ્યા. ઝઘડો એટલો વધ્યો કે તેમાંથી કરન વર્મા નામના એક બદમાશે કમરમાંથી ચપ્પુ કાઢીને પિતા શિવનારાયણની છાતીમાં, શિવમના પેટમાં અને સત્યમની પીઠમાં હુલાવી દીધું હતું. આ હુમલામાં ગંભીર રીતે ઘાયલ શિવનારાયણ અને તેમના પુત્ર શિવમને હોસ્પિટલમાં ડોક્ટરોએ મૃત જાહેર કર્યા હતા, જ્યારે સત્યમ સારવાર હેઠળ છે.

આશ્ચર્યની વાત એ છે કે આ સમગ્ર ઘટના વિરાટનગર પોલીસ ચોકીથી માત્ર 200 મીટરના અંતરે બની હતી, પરંતુ પોલીસને તેની ભણક પણ ન લાગી. સ્થાનિક લોકોએ એક આરોપી શિવા વર્માને પકડીને પોલીસને સોંપ્યો છે, જ્યારે મુખ્ય આરોપી કરન વર્મા અને ઉત્સવ અવસ્થી ફરાર છે.

હરિયાણાના સોનીપતમાં ફ્લેટની અંદર ટ્રિપલ મર્ડર

બીજી તરફ, હરિયાણાના સોનીપત જિલ્લાના કુંડલી થાણા વિસ્તારમાંથી ટ્રિપલ મર્ડરની હચમચાવી દે તેવી ઘટના સામે આવી છે. અહીં આવેલા ટીડીઆઈ બીપીએલ ફ્લેટ્સમાં (TDI BPL Flats) રવિવારે મોડી રાત્રે એક માથાભારે શખ્સે ઘરમાં ઘૂસીને પતિ-પત્ની અને અન્ય એક મહિલા સહિત ત્રણ લોકોની તીક્ષ્ણ હથિયાર અને ભારે વસ્તુ વડે ક્રૂરતાપૂર્વક હત્યા કરી નાખી છે.

પારિવારિક વિવાદ કે રંજિશની આશંકા

મૃતકોની ઓળખ વિજય અને તેની પત્ની સુનિતા (રહે. કોટ મોહલ્લા, સોનીપત) તેમજ સ્વાતિ (રહે. બડોલી) તરીકે થઈ છે. પ્રાથમિક તપાસમાં બહાર આવ્યું છે કે આ ભયાનક હત્યાકાંડને બ્રહ્મપ્રકાશ નામના વ્યક્તિએ અંજામ આપ્યો છે, જોકે હત્યા પાછળનું અસલી કારણ હજુ સ્પષ્ટ થયું નથી. સ્થાનિક લોકોએ મોડી રાત્રે ઘરમાંથી ચીસો સાંભળી હતી, પણ તેઓ પહોંચ્યા ત્યાં સુધીમાં ત્રણેય દમ તોડી ચૂક્યા હતા. ઘટનાની માહિતી મળતા જ ઉચ્ચ પોલીસ અધિકારીઓ અને એફએસએલ (FSL) ની ટીમ ઘટનાસ્થળે પહોંચી હતી અને પુરાવા એકત્ર કરી ફ્લેટ સીલ કરી દીધો છે. આરોપીને પકડવા માટે પોલીસની અલગ-અલગ ટીમો સીસીટીવી (CCTV) ફૂટેજ ખંખાડી રહી છે.



Source link

Related Articles

Back to top button