મૂર્ખ લોકો દરેક દેશમાં હોય છે!’, અમેરિકામાં ભારતીયો પર થતી રંગભેદની ટિપ્પણીઓ પર માર્કો રુબિયોનો જવાબ | us secretary of state marco rubio delhi visit racist remarks indians

![]()
Marco Rubio on Racist Remarks Against Indians: ભારતની મુલાકાતે આવેલા અમેરિકાના વિદેશ મંત્રી માર્કો રૂબિયો અને ભારતના વિદેશ મંત્રી એસ. જયશંકર વચ્ચે નવી દિલ્હીમાં એક મહત્વની બેઠક યોજાઈ. આ દરમિયાન અમેરિકામાં ભારતીયો વિરૂદ્ધ થઈ રહેલી રંગભેદી ટિપ્પણીઓ અંગે પૂછવામાં આવેલા સવાલ પર અમેરિકાના વિદેશ મંત્રીએ ચોંકાવનારુ નિવેદન આપ્યું હતું.
મૂર્ખ લોકો અમેરિકામાં પણ છે અને ભારતમાં પણ હશે
અમેરિકામાં ભારતીય સમુદાય વિરૂદ્ધ વધી રહેલી રંગભેદી ટિપ્પણીઓ પર અમેરિકાના વિદેશ મંત્રી માર્કો રૂબિયોએ રવિવારે સ્પષ્ટ શબ્દોમાં પ્રતિક્રિયા આપી છે. નવી દિલ્હીમાં ભારતના વિદેશ મંત્રી એસ. જયશંકર સાથે યોજાયેલી સંયુક્ત પત્રકાર પરિષદ દરમિયાન રૂબિયોએ જણાવ્યું કે, “દુનિયાના દરેક દેશમાં મૂર્ખ લોકો હોય છે. મને ખાતરી છે કે આવા મૂર્ખ લોકો ભારતમાં પણ છે અને અમેરિકામાં પણ છે, જેઓ સતત આવી વાહિયાત ટિપ્પણીઓ કરતા રહે છે.” તેમણે ઉમેર્યું કે તેઓ આ મુદ્દાને ગંભીરતાથી લે છે, પરંતુ ઓનલાઈન કરવામાં આવતી આવી વાંધાજનક ટિપ્પણીઓ સમગ્ર અમેરિકન સમાજની માનસિકતા નથી દર્શાવતી.
અમેરિકા દરેકનું સ્વાગત કરનારો દેશ છે
માર્કો રૂબિયોએ અમેરિકાના વિકાસમાં ભારતીય પ્રવાસીઓના યોગદાનની ખુલ્લા મને પ્રશંસા કરી હતી. તેમણે કહ્યું કે, અમેરિકા ખૂબ જ આવકારદાયક દેશ છે, જે દુનિયાભરમાંથી આવેલા લોકોના કારણે વધુ મજબૂત બન્યો છે. અમેરિકાની અર્થવ્યવસ્થામાં ભારતીય સમુદાયના આશરે $20 બિલિયનથી (અંદાજે 20 અબજ ડોલર) વધુના આર્થિક યોગદાનનો સ્વીકાર કરતા તેમણે કહ્યું કે, અમે ઈચ્છીએ છીએ કે આ આંકડો ભવિષ્યમાં હજુ પણ વધારે વધે.
વિઝા અને ઈમિગ્રેશનના નિયમો માત્ર ભારત માટે નથી
તાજેતરમાં અમેરિકા દ્વારા J-1, F-1 અને H-1B વિઝા શ્રેણીઓમાં કરવામાં આવેલા ફેરફારો અંગે પૂછવામાં આવેલા સવાલ પર વિદેશ મંત્રી રૂબિયોએ સ્પષ્ટતા કરી હતી. રૂબિયોએ જણાવ્યું કે, વોશિંગ્ટન દ્વારા ઈમિગ્રેશન સિસ્ટમમાં કરવામાં આવી રહેલો સુધારો માત્ર ભારતને કેન્દ્રમાં રાખીને કરવામાં આવ્યો નથી. આ એક વૈશ્વિક સમીક્ષા પ્રક્રિયા છે જે સમગ્ર વિશ્વમાં એકસમાન રીતે લાગુ કરવામાં આવી રહી છે. અમેરિકાએ તાજેતરના વર્ષોમાં મોટી ઈમિગ્રેશન કટોકટીનો સામનો કર્યો છે, જેમાં 20 મિલિયન (2 કરોડ) થી વધુ લોકોએ ગેરકાયદેસર રીતે અમેરિકામાં પ્રવેશ કર્યો છે. તેથી, ઈમિગ્રેશન નીતિઓ દેશના રાષ્ટ્રીય હિતોને અનુરૂપ હોવી જરૂરી છે. તેમણે આશ્વાસન આપ્યું કે આ ફેરફારોનો અંતિમ હેતુ સિસ્ટમને વધુ સારી બનાવવાનો છે.
ભારત-અમેરિકા સંબંધો પર ખાસ મેસેજ
આ દરમિયાન ભારતમાં અમેરિકાના રાજદૂત સેર્ગીઓ ગોરે પણ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર ભારત સાથેની વ્યૂહાત્મક ભાગીદારીને અતિ મહત્વની ગણાવી છે. તેમણે લખ્યું, “સેક્રેટરી રૂબિયોનો સંદેશ એકદમ સ્પષ્ટ છે. ભારત સાથેના આપણા સંબંધો ખૂબ જ મહત્વપૂર્ણ છે. ભારત સાથેની આપણી વ્યૂહાત્મક ભાગીદારી વાસ્તવિક છે અને આપણી સામે અદ્ભુત સંભાવનાઓ રહેલી છે.” નોંધનીય છે કે, વિદેશ મંત્રી માર્કો રૂબિયોએ તેમની ભારત મુલાકાત દરમિયાન હૈદરાબાદ હાઉસ ખાતે એસ. જયશંકર સાથે પ્રતિનિધિમંડળ સ્તરની મંત્રણા કરી હતી અને PM નરેન્દ્ર મોદી સાથે પણ ખાસ મુલાકાત કરી હતી.



