राष्ट्रीय

ઈબોલા વાઈરસ અંગે ભારત સરકારનું ઍલર્ટ, 3 દેશોની બિનજરૂરી મુસાફરી ટાળવા આપી સલાહ | Ebola Virus India Issues Alert Advising To Avoid Non Essential Travel To Three African Countries



Ebola Virus Alert India : આફ્રિકાના કેટલાક ભાગોમાં ‘બુન્ડીબુગ્યો સ્ટ્રેન’ના કારણે ફેલાયેલા ઈબોલાના પ્રકોપને ધ્યાનમાં રાખીને ભારત સરકારે પોતાના નાગરિકો માટે એક મહત્વની ટ્રાવેલ એડવાઈઝરી જાહેર કરી છે. સરકારે ભારતીયોને કાંગો, યુગાન્ડા અને દક્ષિણ સુદાનની બિનજરૂરી મુસાફરી ટાળવાની સલાહ આપી છે. વિશ્વ સ્વાસ્થ્ય સંગઠન (WHO) દ્વારા 17 મેના રોજ આ સ્થિતિને આંતરરાષ્ટ્રીય ચિંતાની પબ્લિક હેલ્થ ઈમરજન્સી જાહેર કર્યા બાદ ભારત સરકાર દ્વારા આ પગલું ભરવામાં આવ્યું છે.

3 દેશોની બિનજરૂરી મુસાફરી ટાળવા ભારત સરકારની સલાહ

કેન્દ્ર સરકારે જણાવ્યું છે કે, જે ભારતીય નાગરિકો હાલ આ દેશોમાં રહી રહ્યા છે અથવા ત્યાં પ્રવાસ કરી રહ્યા છે, તેઓ સ્થાનિક સત્તાવાળાઓ દ્વારા જારી કરાયેલા જાહેર આરોગ્ય ગાઈડલાઈનનું ચુસ્તપણે પાલન કરે. આ ઉપરાંત, સ્વચ્છતા પ્રત્યે વિશેષ સાવધાની રાખવા, ઈબોલાના લક્ષણો ધરાવતી વ્યક્તિઓના સંપર્કથી બચવા અને તાવ અથવા સંબંધિત લક્ષણો જણાય તો તરત જ તબીબી સહાય લેવા માટે આગ્રહ કરવામાં આવ્યો છે.

વેક્સિન અથવા ચોક્કસ સારવાર નહીં

નિષ્ણાતોના જણાવ્યા અનુસાર, ઈબોલા તાવ ‘બુન્ડીબુગ્યો સ્ટ્રેન’ના સંક્રમણથી થાય છે અને તેમાં મૃત્યુદર ઘણો વધારે હોય છે. ચિંતાની બાબત એ છે કે આ સ્ટ્રેનથી થતા ઈબોલાને ફેલાતો અટકાવવા માટે કે સારવાર માટે હજી સુધી કોઈ વેક્સિન અથવા ચોક્કસ સારવાર ઉપલબ્ધ નથી.

ભારતે આફ્રિકામાં તબીબી સામગ્રી અને સુરક્ષા કીટ મોકલાવી

મહામારીના આ સમયમાં ભારતે આફ્રિકા તરફ મદદનો હાથ લંબાવ્યો છે. વિદેશ મંત્રી એસ. જયશંકરે આ જાહેર આરોગ્ય કટોકટીનો સામનો કરવા માટે આફ્રિકાને ભારતની સહાયની પ્રતિબદ્ધતા વ્યક્ત કરી છે. આ અંતર્ગત ભારતે આફ્રિકા સેન્ટર ફોર ડિસીઝ કંટ્રોલ એન્ડ પ્રિવેન્શન (CDC)ને તાત્કાલિક તબીબી સામગ્રી અને સુરક્ષા કીટની પ્રથમ ખેપ રવાના કરી દીધી છે.

આંધ્રપ્રદેશના એરપોર્ટ પર સખત ચેકિંગ

બીજી તરફ, ભારતમાં પણ આ વાયરસને લઈને તકેદારીના પગલાં શરૂ કરી દેવાયા છે. આંધ્રપ્રદેશના સ્વાસ્થ્ય મંત્રી સત્ય કુમાર યાદવે જણાવ્યું છે કે રાજ્ય સરકાર ‘હાઈ એલર્ટ’ પર છે. આફ્રિકામાં ઈબોલાના વધતા કેસો અને મોતના આંકડાને જોતા એરપોર્ટ પર બહારથી આવતા મુસાફરોનું સ્ક્રીનિંગ અને સખત ચેકિંગ શરૂ કરી દેવામાં આવ્યું છે.

આ પણ વાંચો : જયશંકરે રૂબિયો સામે ઉઠાવ્યો US વિઝાનો મુદ્દો! અમેરિકાના વિદેશમંત્રીનો જવાબ-અમારું નિશાન ભારત નથી!

ઍરપૉર્ટ, બંદરો અને એન્ટ્રી પૉઇન્ટ્સ પર કડક ચેકિંગ

આ પહેલા વર્લ્ડ હેલ્થ ઑર્ગેનાઇઝેશન (WHO) દ્વારા ઇબોલાના પ્રકોપને ‘વૈશ્વિક સ્વાસ્થ્ય કટોકટી’ (ગ્લોબલ હેલ્થ ઇમરજન્સી) જાહેર કરાયા બાદ, ભારતના કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલયે દેશના તમામ ઍરપૉર્ટ, બંદરો અને એન્ટ્રી પૉઇન્ટ્સ પર કડક હેલ્થ એડવાઈઝરી જાહેર કરી છે. જોકે, રાહતની વાત એ છે કે હાલમાં ભારતમાં ઇબોલાનો એક પણ કેસ નોંધાયો નથી અને આ તમામ પગલાં માત્ર સાવચેતીના ભાગરૂપે લેવામાં આવી રહ્યા છે.

શું છે ઇબોલા વાઇરસ અને તેના મુખ્ય લક્ષણો?

ઇબોલા એ ઓર્થોઇબોલા વાઇરસ પરિવારનો એક અત્યંત ઘાતક અને જીવલેણ જૂનોટિક (પ્રાણીઓમાંથી માણસોમાં ફેલાતો) ચેપ છે. શરૂઆતના તબક્કામાં તેના લક્ષણો સામાન્ય ફ્લૂ જેવા જ હોય છે, જેમાં દર્દીને તીવ્ર તાવ આવવો, શરીરમાં નબળાઈ અને થાક લાગવો, માથાનો દુખાવો, ગળામાં ખરાશ તેમજ સ્નાયુઓ અને સાંધામાં અસહ્ય દુખાવો થવો સામેલ છે. સ્થિતિ વધુ બગડે ત્યારે દર્દીને ઉલટી અને ઝાડાની સમસ્યા થાય છે. આ બીમારીનું સૌથી મુખ્ય અને વિશિષ્ટ લક્ષણ એ છે કે તેમાં કોઈ પણ દેખીતા કારણ વગર દર્દીના શરીરના આંતરિક અને બાહ્ય અંગોમાંથી લોહી વહેવા લાગે છે.

આ પણ વાંચો : થોડા જ કલાકોમાં દુનિયાને મળશે સૌથી મોટી ગુડ ન્યૂઝ: દિલ્હીમાં અમેરિકાના વિદેશમંત્રી રૂબિયોનું નિવેદન

આ ઘાતક સંક્રમણ કેવી રીતે ફેલાય છે?

ઇબોલા વાઇરસ હવામાંથી ફેલાતો નથી, પરંતુ તે સંક્રમિત વ્યક્તિના સીધા સંપર્કમાં આવવાથી ખૂબ જ ઝડપથી ફેલાય છે:

શારીરિક પ્રવાહી દ્વારા: સંક્રમિત દર્દીના લોહી, લાળ, પરસેવો, આંસુ, ઉલટી, મળ અથવા માતાના દૂધના સીધા સંપર્કમાં આવવાથી આ ચેપ લાગે છે.

દૂષિત વસ્તુઓ દ્વારા: વાઇરસથી દૂષિત થયેલા કપડાં, પથારી, ધાબળા કે અન્ય કોઈ સપાટીને અડવાથી પણ સંક્રમણ ફેલાઈ શકે છે.

મૃતદેહના સંપર્કથી: ઇબોલાના કારણે મૃત્યુ પામેલી વ્યક્તિના શવના સીધા સંપર્કમાં આવવાથી પણ આ વાઇરસ અન્ય લોકોમાં ઝડપથી ટ્રાન્સફર થાય છે.



Source link

Related Articles

Back to top button