दुनिया

ગ્રીન કાર્ડની રાહ જોતાં ભારતીયોને મોટો ઝટકો, નિયમ બદલીને ટ્રમ્પ સરકારે કર્યો મોટો ખેલ | Trump Admin New Rule Foreigners Must Leave US to Apply for Green Cards




Trump Green Card rule: અમેરિકામાં સ્થાયી થવાનું અને ગ્રીન કાર્ડ મેળવવાનું સપનું જોતા હજારો ભારતીયોને ડોનાલ્ડ ટ્રમ્પ સરકાર તરફથી એક મોટો ઝટકો લાગ્યો છે. અમેરિકન સરકારે ઇમિગ્રેશન નિયમોમાં મોટો ફેરફાર કર્યો છે, જેના કારણે હવે ભારતીયો માટે ગ્રીન કાર્ડ મેળવવાનો રસ્તો ઘણો મુશ્કેલ બની જશે.

ગ્રીન કાર્ડ માટે હવે અમેરિકા છોડવું પડશે

યુએસ સિટીઝનશિપ એન્ડ ઇમિગ્રેશન સર્વિસીઝ (USCIS) દ્વારા શુક્રવારે આ નવા અને કડક નિયમની જાહેરાત કરવામાં આવી છે. નવા નિયમ અનુસાર, હવે ગ્રીન કાર્ડ મેળવવા ઈચ્છતા વિદેશી નાગરિકોએ સમગ્ર પ્રક્રિયા દરમિયાન અમેરિકાની બહાર રહેવું પડશે. અત્યાર સુધી એવું થતું હતું કે લોકો અસ્થાઈ વિઝા પર અમેરિકામાં રહેતા હોય અને ત્યાં જ રોકાઈને ગ્રીન કાર્ડ મળે ત્યાં સુધી પ્રક્રિયા પૂરી કરતા હતા. પરંતુ, હવે આ સુવિધા બંધ કરી દેવામાં આવી છે. અરજદારોએ ફરજિયાતપણે અમેરિકા છોડીને પોતાના વતન પરત ફરવું પડશે અને ત્યાંથી જ ઇમિગ્રન્ટ વિઝા માટે એપ્લાય કરવું પડશે.

માત્ર ‘અસાધારણ સંજોગો’માં જ અમેરિકામાં રહેવાની છૂટ

USCISના પ્રવક્તા જેક કાહલરે આ અંગે સ્પષ્ટતા કરતા જણાવ્યું છે કે, જે વિદેશી નાગરિકો અસ્થાઈ વિઝા પર અમેરિકામાં છે અને ગ્રીન કાર્ડ મેળવવા માંગે છે, તેમણે પોતાના દેશ પાછા જવું જ પડશે, સિવાય કે કોઈ ખૂબ જ અસાધારણ પરિસ્થિતિ હોય. નવા પોલિસી મેમો અનુસાર, અમેરિકામાં રહીને જ સ્ટેટસ બદલવાની પ્રક્રિયાને હવે સામાન્ય બાબત ગણવામાં નહીં આવે, પણ તેને એક ‘અસાધારણ રાહત’ તરીકે જોવામાં આવશે. ઇમિગ્રેશન અધિકારીઓને આદેશ અપાયા છે કે તેઓ દરેક કેસની ખૂબ જ ઝીણવટપૂર્વક અને અલગથી તપાસ કરે.

વિદ્યાર્થીઓ અને H-1B વિઝા ધારકો મુશ્કેલીમાં

અમેરિકાના આ આકરા નિર્ણયની સૌથી મોટી અને સીધી અસર ત્યાં ભણતા આંતરરાષ્ટ્રીય વિદ્યાર્થીઓ, એચ-વનબી (H-1B) વર્ક વિઝા ધારકો અને પ્રવાસીઓ (ટૂરિસ્ટ) પર પડવાની છે. આ એવા લોકો છે જેઓ અમેરિકા છોડ્યા વિના જ પોતાના કાનૂની સ્ટેટસને ગ્રીન કાર્ડમાં બદલવાની આશા રાખીને બેઠા હતા. પ્રવક્તાના જણાવ્યા અનુસાર, સરકાર કાયદાના અસલી હેતુ તરફ પાછી ફરી રહી છે અને તેઓ ઈચ્છે છે કે વિદેશી નાગરિકો ઇમિગ્રેશન સિસ્ટમનું સાચી રીતે પાલન કરે.

આ પણ વાંચો: કાસિમ સુલેમાનીના મોતનો બદલો લેવા પ્લાનિંગ! ઇવાન્કા ટ્રમ્પની હત્યાના કાવતરાથી અમેરિકામાં ખળભળાટ

‘ખોટી રીતે ફાયદો ઉઠાવવાનો દોર હવે ખતમ’

અમેરિકન ગૃહ સુરક્ષા વિભાગે સોશિયલ મીડિયા પર આ કડક નિર્ણય અંગે પ્રતિક્રિયા આપતા લખ્યું છે કે, ગ્રીન કાર્ડ ઈચ્છતા લોકોએ વતન પાછા ફરવું જ પડશે. આ નવી નીતિ ઇમિગ્રેશન પ્રણાલીને કાયદા મુજબ ચલાવવામાં મદદ કરશે અને નિયમોની છટકબારીઓનો ખોટો ફાયદો ઉઠાવવાની પ્રવૃત્તિને રોકશે. વિભાગે સ્પષ્ટ શબ્દોમાં કહ્યું છે કે દેશની ઇમિગ્રેશન વ્યવસ્થાનો ખોટો ઉપયોગ કરવાનો દોર હવે પૂરી રીતે ખતમ થઈ ચૂક્યો છે.

ભારતીયો માટે આ આંચકો શા માટે મોટો છે?

આ નવો નિયમ ભારતીય પ્રવાસીઓ માટે સૌથી વધુ ચિંતાજનક છે કારણ કે અમેરિકામાં ગ્રીન કાર્ડ મેળવનારાઓમાં ભારતીયોની સંખ્યા ખૂબ મોટી છે. સત્તાવાર આંકડા દર્શાવે છે કે નાણાકીય વર્ષ 2024માં, 49,700 ભારતીય મૂળના લોકો ગ્રીન કાર્ડ પ્રક્રિયા દ્વારા અમેરિકાના નાગરિક બન્યા હતા. અમેરિકન નાગરિકતા (નેચુરલાઈઝેશન) મેળવનારા વિદેશીઓમાં મેક્સિકો પછી ભારતીયો બીજા ક્રમે સૌથી મોટો સમૂહ ધરાવે છે અને કુલ નાગરિકતા મેળવનારાઓમાં ભારતીયોનો હિસ્સો 6.1 ટકા જેટલો મોટો હતો. હવે આ નવા નિયમથી હજારો ભારતીયોના ભવિષ્ય પર સીધી અસર પડશે.



Source link

Related Articles

Back to top button