दुनिया

મેટાએ સવારે ચાર વાગે આઠ હજાર કર્મચારીઓને પાણીચું આપ્યું | Meta layoffs 8 000 employees at 4 am



– મેટાનું એઆઈમાં 125થી 145 અબજ ડોલરના રોકાણનું આયોજન

– ટેક સેક્ટરમાં હકાલપટ્ટીનું નવું કલ્ચર: પહેલાં વર્ક ફ્રોમ હોમ આપો અને પછી કાયમ માટે ઘરભેગા !

વોશિંગ્ટન : ફેસબૂસની માલિક અને સોશિયલ મીડિયા કંપની મેટામાં વહેલી સવારે ચાર વાગે આઠ હજાર કર્મચારીઓને પાણીચુ પકડાવી દેવાયું છે. ટેક સેક્ટરમાં હવે કર્મચારીઓની હકાલપટ્ટીનું નવું જ કલ્ચર વિકસ્યુ છે. આ કલ્ચર મુજબ પહેલાં તો કર્મચારીઓને વર્ક ફ્રોમ હોમ આપવામાં આવે છે અને પછી તેમને કાયમ માટે ઘરભેગા કરી દેવામાં આવે છે. મેટા જ નહીં ઘણી બધી ટેક કંપનીઓ આવું કરી રહી છે.

બ્લૂમબર્ગના જણાવ્યા મુજબ સિંગાપોરમાં મેટાના કર્મચારીઓને સવારે ચાર વાગ્યાથી ઇ-મેઇલ મળવા લાગ્યા હતા. જાણે નોટિફિકેશન્સનું મોજું આવ્યું હોય તેમ કર્મચારીઓ પર ઇ-મેઇલ આવવા લાગ્યા હતા. તેના પછી અમેરિકા-બ્રિટન સુધી તેનો ફેલાવો થયો હતો. આ કવાયત થઈ તે પહેલા મેટામાં ૭૮ હજાર કર્મચારીઓ હતા, હવે તેની સંખ્યા સ્વાભાવિક રીતે ૭૦ હજાર થઈ ગઈ છે. તે હજી પણ છટણી કરે તે સંભાવના નકારી શકાય નહીં. 

આંતરિક મેમોમાં કંપનીના ચીફ પીપલ ઓફિસર જેનેલ ગેલે જણાવ્યું હતું કે સાત હજાર કર્મચારીઓને નવી એઆઈ-નેટિવ ટીમમાં રિએસાઇન કરવામાં આવશે. લગભગ છ હજાર ઓપન રોલ્સ બંધ કરી દેવાયા છે. હજારો લોકોને બીજા વિભાગોમાં ટ્રાન્સફર કરવામાં આવ્યા છે. ગેલે જણાવ્યું હતું કે અમે હવે તે તબક્કામાં છીએ જ્યાં ઘણા સંગઠનો સપાટ માળખા અને નાની ટીમની સાથે કામ કરે છે. 

મેટાએ જણાવ્યું હતું કે તે ચાલુ વર્ષે એઆઈમાં ૧૨૫થી ૧૪૫ અબજ ડોલરના રોકાણનું આયોજન ધરાવે છે. મેટાએ આ છટણી તો ગયા મહિને કરી હતી, પરંતુ તેની વિગતો હવે લીક થઈ છે. જ્યારે વર્ક ફ્રોમ હોમનો ઓર્ડર આવ્યો ત્યારે ઘણા કર્મચારીઓને અંદેશો આવી જ ગયો હતો કે તેમની હવે ગમે ત્યારે હકાલપટ્ટી થઈ શકે છે. આ પ્રકારની છટણીમાં કોઈપણ પ્રકારનું ગેધરિંગ થતું નથી, કોઈ બબાલ થતી નથી, ક્યાંય ઉકળાટ જેવું લાગતું નથી. બધુ જ જાણે શાંતિથી પૂરુ થઈ જાય છે.

જો કે મેટાએ કરેલી છટણીની પેટર્ન ટેક સેક્ટરમાં નવી નથી. સિસ્કો સિસ્ટમ્સે ગયા સપ્તાહે ચાર હજાર જોબ કટ કરી હતી. માઇક્રોસોફ્ટ, એમેઝોન, ડિઝની અને એએસએમએલે પણ છટણીન જાહેરાત કરી છે. એપ્રિલમાં ઓરેકલે ૨૦ હજારથી ૩૦,૦૦૦ કર્મચારીઓની હકાલપટ્ટી કરી હતી. 



Source link

Related Articles

Back to top button