ઈરાન પર હુમલો કરવાનો હતો, પણ માંડી વાળ્યું: ટ્રમ્પ | Was going to attack Iran but got sidetracked: Trump

![]()
– કતાર, યુએઈ સહિત ખાડી દેશોની વિનંતીથી ‘જગત જમાદાર’ હાલ પૂરતા ઠંડા પડયા!
– બરકાહ પરમાણુ પાવર પ્લાન્ટ પર ઈરાકની દિશામાંથી હુમલો થયો હતો, 48 કલાકમાં છ ડ્રોન તોડી પાડયા: યુએઈ
– વાતચીતનો અર્થ આત્મસમર્પણ કરવાનો નથી, અમે જીતીએ છીએ અથવા શહીદ થઈએ છીએ: ઈરાન
વોશિંગ્ટન : મધ્ય-પૂર્વમાં ભારેલા અગ્ની વચ્ચે ફરી એક વખત અમેરિકા, ઈઝરાયેલ અને ઈરાન વચ્ચે યુદ્ધ ભડકી ઉઠે તેવી આશંકા છે. અમેરિકન પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે મંગળવારે કહ્યું કે, અમેરિકા ગમે ત્યારે ઈરાન પર હુમલો કરવા માટે તૈયાર છે. તેઓ મંગળવારે ઈરાન પર સૈન્ય કાર્યવાહીનો નિર્ણય કરવાથી માત્ર એક કલાક દૂર હતા, પરંતુ અંતિમ સમયે ખાડી દેશોએ ઈનકાર કરતા ઈરાન પર હુમલો કરવાનું ટાળ્યું હતું. જોકે, જરૂર પડશે તો તેઓ ગમે ત્યારે ઈરાન પર હુમલા માટે તૈયાર છે. બીજીબાજુ યુએઈના પરમાણુ વીજ મથક પર ડ્રોન હુમલાના સંદર્ભમાં મંગળવારે યુએઈએ દાવો કર્યો કે, આ ડ્રોન ઈરાકની દિશામાંથી આવ્યા હતા. આ સાથે તેમણે છ ડ્રોન તોડી પાડયાનું પણ જણાવ્યું હતું.
અમેરિકન પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે વ્હાઈટ હાઉસમાં પત્રકારોને કહ્યું કે, હું આજે ઈરાન પર હુમલો કરવાનો નિર્ણય લેવાથી માત્ર એક કલાક દૂર હતો. જોકે, તેમણે આ હુમલો કેવા પ્રકારે થવાનો હતો તે અંગે કશું કહ્યું નહોતું, પરંતુ તેમણે દાવો કર્યો કે, કતાર અને યુએઈ સહિતના ખાડી દેશોએ તેમને બે-ત્રણ દિવસ માટે ઈરાન પર હુમલો નહીં કરવા માટે વિનંતી કરી હતી. ખાડી દેશોને લાગે છે કે ઈરાન શાંતિ વાટાઘાટો માટે સહમત થવાની તૈયારીમાં છે. આથી તેમણે હાલ હુમલો કરવાનું ટાળ્યું હતું.
ટ્રમ્પે ઉમેર્યું કે, ઈરાનના નેતા હવે અમારી સાથે સમજૂતી કરવા માટે કરગરી રહ્યા છે. જોકે, ઈરાન સાથે પરમાણુ મામલાનો ઉકેલ લાવવો ખૂબ જ જરૂરી છે અને તે સૌથી મહત્વની બાબત છે. ઈરાન સાથે ફરીથી વાટાઘાટો શરૂ થવા અંગે ટ્રમ્પે કહ્યું કે, અમે બે-ત્રણ દિવસમાં શુક્રવાર, શનિવાર અથવા રવિવારે ફરીથી વાતચીત શરૂ કરી શકીએ છીએ.
વાટાઘાટો ફરી શરૂ કરવાના દાવા વચ્ચે ટ્રમ્પે ઈરાનને ધમકી આપતા કહ્યું કે, અમે ઈરાનને વધુ એક મોટો ફટકો આપી શકીએ છીએ. જોકે, હજુ હું એ બાબતમાં નિશ્ચિત નથી. તમને ટૂંક સમયમાં આ અંગે ખબર પડી જશે. ઈરાન સાથે કોઈપણ ડીલ પરમાણુ શસ્ત્રોની મંજૂરી નહીં આપવાની શરતે જ થશે. જોકે, મેં યુદ્ધ મંત્રી પીટ હેગસેથ, જોઈન્ટ ચીફ ઓફ સ્ટાફ જનરલ ડેનિયલ કેઈન, અમેરિકન આર્મીને ઈરાન સાથે ડીલ ના થાય તો કોઈપણ સમયે હુમલા માટે તૈયાર રહેવાની સૂચના આપી છે.
અમેરિકન પ્રમુખ ટ્રમ્પની ધમકીઓના જવાબમાં ઈરાનના પ્રમુખ મસુદ પેઝેશકિયાને કહ્યું કે, વાતચીતનો અર્થ આત્મસમર્પણ કરવાનો નથી. ઈરાન સંપૂર્ણ ગરિમા, ઓથોરિટી અને દેશના અધિકારોની રક્ષા સાથે વાતચીતમાં જોડાયું છે. કોઈપણ સ્થિતિમાં ઈરાની લોકો અને દેશના કાયદાકીય અધિકારોથી પાછળ નહીં હટે. ઈરાનના નાયબ વિદેશ મંત્રી કાઝેમ ઘરીબાબાદીએ પણ કહ્યું કે, અમેરિકા કહે છે કે તેણે અસ્થાયીરૂપે ઈરાન પર હુમલો અટકાવી દીધો છે, જેથી વાતચીત થઈ શકે. પરંતુ એ જ સમયે તે કોઈપણ સમયે હુમલાની પણ વાત કરે છે. તેનો અર્થ એ છે કે હુમલાના જોખમને શાંતિની તક કહીને બોલાવાઈ રહ્યો છે. ઈરાન એક અને દૃઢ નિશ્ચયી છે કે કોઈપણ સૈન્ય આક્રમણનો સામનો કરવા માટે અમે તૈયાર છીએ. અમારા માટે આત્મસમર્પણનો કોઈ અર્થ નથી. અમે જીતીએ છીએ અથવા શહીદ થઈએ છીએ.
દરમિયાન સંયુક્ત આરબ અમિરાત (યુએઈ)ના સંરક્ષણ મંત્રાલયે જણાવ્યું કે, બરકાહ પરમાણુ પાવર પ્લાન્ટને નિશાન બનાવનારા બધા જ ડ્રોન ઈરાકમાંથી આવ્યા હતા. તેણે આશંકા વ્યક્ત કરી કે આ હુમલા પાછલ ઈરાન સમર્થિત શિયા મિલિશિયા હોઈ શકે છે. જોકે, હજુ સુધી આ હુમલાની જવાબદારી કોઈએ લીધી નથી. આ સાથે યુએઈએ દાવો કર્યો કે તેણે છેલ્લા ૪૮ કલાકમાં ૬ ડ્રોન તોડી પાડયા છે. બરકાહ પાવર પ્લાન્ટ પર હુમલો કરવા આવેલા ત્રણમાંથી બે ડ્રોન તોડી પડાયા પછી વધુ ડ્રોન યુએઈ પર હુમલા માટે આવ્યા હતા, જેને પણ તોડી પડાયા હતા.



