મૂળ ભારતીય બ્રિટિશ ગોલ્ફર એરોન રાયે યુએસ પીજીએ ચેમ્પિયનશિપ જીતીને રચ્યો ઈતિહાસ, 107 વર્ષ પછી મળી ઈંગ્લેન્ડને ટ્રોફી | Aaron Rai becomes first English golfer to win US PGA Championship since 1919

![]()
PGA Championship Title: ગોલ્ફની દુનિયામાં એક નવો ઇતિહાસ રચાયો છે. ઇંગ્લેન્ડના 31 વર્ષીય ગોલ્ફર એરોન રાયે (Aaron Rai) પ્રતિષ્ઠિત ‘યુએસ પીજીએ ચેમ્પિયનશિપ’ જીતી લીધી છે. આ સાથે જ તેણે 107 વર્ષ જૂનો એક મોટો રેકોર્ડ તોડ્યો છે. વર્ષ 1919માં જિમ બાર્ન્સ પછી આ ખિતાબ જીતનારા તેઓ પ્રથમ ઇંગ્લિશ ખેલાડી બન્યા છે.
દિગ્ગજોને પાછળ છોડી મેળવી જીત
એરોન રાય માટે આ જીત આસાન નહોતી. રવિવારે રમાયેલી ફાઇનલ મેચની શરૂઆતમાં 21 ખેલાડી રેસમાં હતા, જેમાં રોરી મેકઇલરાય અને જોન રહમ જેવા વિશ્વના 8 દિગ્ગજો સામે તેમણે બાથ ભીડવાની હતી. વિશ્વમાં 44મો રેન્ક ધરાવતા એરોન રાયે શરૂઆતની 8 હોલમાં કેટલીક ભૂલો કરી હતી, પરંતુ ત્યારપછી તેમણે અદભુત વાપસી કરી હતી.
ટર્નિંગ પોઇન્ટ અને અદભુત પ્રદર્શન
એરોન રાયે 9મી હોલ પર 40 ફૂટ દૂરથી શાનદાર ‘ઈગલ’ (ગોલ્ફમાં નિયત શૉટ્સ કરતાં બે શૉટ ઓછા રમીને બોલ હોલમાં નાખવો) ફટકારીને મેચમાં ધમાકેદાર પુનરાગમન કર્યું. ત્યાર પછી 17મા હોલમાં તેમણે 68 ફૂટ જેટલા લાંબા અંતરેથી અદભુત ‘બર્ડિ’ (નિયત શૉટ્સ કરતાં એક શૉટ ઓછો) ફટકારીને સ્ટેડિયમમાં હાજર હજારો ગોલ્ફ પ્રેમીઓને ચોંકાવી દીધા હતા. આ શૉટ સાથે જ તેમની જીત પાકી થઈ ગઈ હતી. તેમણે ફાઇનલ રાઉન્ડમાં 65 સ્કોર કરીને જોન રહમ અને એલેક્સ સ્મોલીને 3 શૉટ્સથી હરાવ્યા અને ગોલ્ફ જગતની સૌથી મજબૂત ગણાતી આ સ્પર્ધા પોતાના નામે કરી લીધી.
ગોલ્ફર ગૌરીકા બિશ્નોઈ એરોન રાયના પત્ની એરોન રાય (Aaron Rai) ભારતીય મૂળના બ્રિટિશ નાગરિક છે. તેમનો જન્મ અને ઉછેર વુલ્વરહેમ્પટન, ઇંગ્લેન્ડમાં થયો હતો. છેલ્લાં ઘણાં સમયથી તેઓ પ્રોફેશનલ ગોલ્ફમાં ગ્રેટ બ્રિટનનું પ્રતિનિધિત્વ કરે છે. તેમના દાદા-દાદી ભારતના હતા, જ્યારે પિતા અમરીક સિંહનો જન્મ ઇંગ્લેન્ડમાં ભારતીય ઇમિગ્રન્ટ્સ પરિવારમાં થયો હતો. તેમની માતા દલવીર શુક્લા કેન્યામાં ઉછર્યા હતા અને કિશોરાવસ્થામાં ઇંગ્લેન્ડ ગયા હતા. એરનો રાયે ભારતના પ્રોફેશનલ ગોલ્ફર ગૌરીકા બિશ્નોઈ સાથે લગ્ન કર્યા છે.
નોંધનીય છે કે, પીજીએ ચેમ્પિયનશિપ એ પ્રોફેશનલ ગોલ્ફની દુનિયાની ‘મેજર’ ગણાતી 4 સૌથી મોટી અને પ્રતિષ્ઠિત ટૂર્નામેન્ટ્સમાંની એક છે. આ ટુર્નામેન્ટ જીતનારા ખેલાડીને પ્રતિષ્ઠિત ‘વાનામેકર ટ્રોફી’ (Wanamaker Trophy) આપવામાં આવે છે.

