दुनिया

યુદ્ધ વચ્ચે ટ્રમ્પે શેરબજારમાં 90 દિવસમાં 3700થી વધુ સોદા કર્યા! હવે થઈ શકે છે તપાસ | Donald Trump Stock Trade Controversy US President Faces Investigation Over Wall Street Trading




Donald Trump Trade: એક તરફ જ્યાં અમેરિકન પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ સતત ઈરાનને ધમકી આપીને મિડલ ઈસ્ટમાં ટેન્શન વધારી રહ્યા છે, તો બીજી તરફ અમેરિકાનું શેરબજાર એટલે કે વૉલ સ્ટ્રીટ હવે તેમના માટે મોટી મુશ્કેલીનું કારણ બની ગયું છે. આ મામલે તેઓ અત્યારે એક મોટી તપાસનો સામનો કરી રહ્યા છે.

અહેવાલો અનુસાર, ટ્રમ્પ અથવા તેમના સહયોગીઓ દ્વારા વર્ષ 2026ના શરૂઆતના ત્રણ મહિનામાં જ 3700થી વધુ સ્ટોક ટ્રેડ (શેરની લે-વેચ) કરવામાં આવ્યા છે, જેને કારણે તેઓ તપાસના દાયરામાં આવ્યા છે. શેરબજારની આ પ્રવૃત્તિઓએ માર્કેટના દિગ્ગજોને પણ ચોંકાવી દીધા છે.

ટ્રમ્પે રોજ સરેરાશ 40થી વધુ સોદા કર્યા

બ્લૂમબર્ગના અહેવાલમાં આ નાણાકીય બાબતોનો ખુલાસો કરવામાં આવ્યો છે. આ વિગતો પરથી જાણવા મળે છે કે આ વર્ષના શરૂઆતના ત્રણ મહિનામાં અમેરિકાની કેટલીક સૌથી મોટી આઇટી-ટેક, ફાયનાન્સ, એરોસ્પેસ અને મીડિયા કંપનીઓમાં કરોડો ડૉલરની લે-વેચ થઈ છે. જાન્યુઆરીથી માર્ચ વચ્ચે થયેલા આ સોદાઓમાં ટ્રમ્પે સરેરાશ દરરોજ 40થી વધુ ટ્રેડ કર્યા હતા.

રિપોર્ટ મુજબ, અમેરિકન પ્રમુખ અથવા તેમના સલાહકારોએ આ ત્રણ મહિનામાં 3,700થી વધુ સ્ટોક ટ્રેડ કર્યા છે. અગાઉની ત્રિમાસિક સરખામણીએ આ આંકડો આશ્ચર્યજનક રીતે વધારે છે, કારણ કે વર્ષ 2025ના છેલ્લા ત્રણ મહિનામાં માત્ર 380 જેટલા જ સોદા થયા હતા.

બજારના નિષ્ણાતો બોલ્યા: ‘આ સામાન્ય નથી…’

શેરબજારના એક્સપર્ટ્સ માટે આટલા મોટા પાયે થયેલા ટ્રેડિંગનો આંકડો માન્યામાં ન આવે તેવો છે. તેમનું કહેવું છે કે આ સોદાઓની સંખ્યા અવિશ્વસનીય છે. આ કોઈ સામાન્ય ટ્રેડિંગ નથી પરંતુ મોટા પાયે અલ્ગોરિધમિક ટ્રેડિંગ કરતા હેજ ફંડ જેવું કામ છે.

આ મોટી કંપનીઓના શેરમાં થયો મોટો વ્યવહાર

અહેવાલમાં સામે આવ્યું છે કે વર્ષના શરૂઆતના ત્રણ મહિનામાં ડોનાલ્ડ ટ્રમ્પે NVIDIA, Oracle, Microsoft, Boeing અને Costco જેવી કંપનીઓમાં પ્રત્યેકમાં ઓછામાં ઓછા 1 મિલિયન ડૉલર (10 લાખ ડૉલર)ના શેર ખરીદ્યા હતા. આ ઉપરાંત એમેઝોન, મેટા, ઉબર, ઈબે, એબોટ લેબોરેટરીઝ, એટી એન્ડ ટી (AT&T) અને ડૉલર ટ્રી જેવી કંપનીઓના શેરમાં પણ મોટા વ્યવહારો થયા હતા.

આ યાદીમાં સૌથી મોટો સોદો 10 ફેબ્રુઆરીના રોજ સામે આવ્યો હતો, જ્યારે ટ્રમ્પે માઇક્રોસોફ્ટ, મેટા અને એમેઝોનમાં પોતાનો 5 મિલિયન ડૉલરથી લઈને 25 મિલિયન ડૉલર સુધીનો મોટો હિસ્સો વેચી દીધો હતો.

ટ્રમ્પની થઈ રહી છે આકરી ટીકા

આ ખુલાસાઓએ પ્રમુખ તરીકે ટ્રમ્પના વ્યાપારિક વ્યવહારો સામે લાંબા સમયથી ચાલી આવતી ટીકાઓને ફરીથી વેગ આપ્યો છે. રિપોર્ટ અનુસાર, જે કંપનીઓના શેર ખરીદવામાં કે વેચવામાં આવ્યા છે, તેમાંથી મોટાભાગની કંપનીઓ એવા સેક્ટરમાં કામ કરે છે જે સીધી રીતે અમેરિકન સરકારની નીતિઓ, નિયમો અને ભૌગોલિક-રાજકીય નિર્ણયો સાથે જોડાયેલી છે.

ઉદાહરણ તરીકે, NVIDIA કંપનીએ ચીનને એઆઇ(AI) ચિપની નિકાસ કરવા માટે અમેરિકન સરકારની મંજૂરી લેવી પડે છે. તેવી જ રીતે બોઇંગ કંપની સંરક્ષણ અને એરોસ્પેસ કરારો માટે સંપૂર્ણપણે સરકારી નીતિઓ પર નિર્ભર છે. આ ઉપરાંત માઇક્રોસોફ્ટ, એમેઝોન અને મેટા જેવી મોટી ટેક કંપનીઓ સતત એન્ટિટ્રસ્ટ તપાસ અને એઆઇ રેગ્યુલેશન જેવા સરકારી નિર્ણયોથી પ્રભાવિત થાય છે.

આલોચકોનું કહેવું છે કે ભલે કોઈ કાયદો ન તૂટ્યો હોય, પરંતુ એક સત્તા પર બેઠેલા પ્રમુખની આવી વ્યાપારિક પ્રવૃત્તિઓ ગંભીર ચિંતા ઊભી કરે છે. અગાઉના પ્રમુખોની જેમ ટ્રમ્પે પોતાના બિઝનેસ હિતોને પુરા વેચ્યા નથી અથવા તેને ‘બ્લાઇન્ડ ટ્રસ્ટ'(જેમાં પરિવારની ભાગીદારી ન હોય)માં ટ્રાન્સફર કર્યા નથી. હાલમાં તેમના પુત્રો ‘ટ્રમ્પ ઑર્ગેનાઇઝેશન’ની દેખરેખ રાખે છે.

આ પણ વાંચો: નેધરલેન્ડ્સે ભારતમાં લઘુમતીઓના અધિકારો પર તરાપનો મુદ્દો ઉઠાવ્યો, કેન્દ્રએ આપ્યો જડબાતોડ જવાબ

ઓઇલની કિંમત અને સોદાબાજીનું જોડાણ

આ નાણાકીય ખુલાસા એવા સમયે સામે આવ્યા છે જ્યારે થોડા મહિના પહેલા ઓઇલ માર્કેટ અને સ્ટોક ફ્યુચર્સમાં પણ આવી જ અસામાન્ય પ્રવૃત્તિઓ જોવા મળી હતી. તે સમયે અમેરિકન વેપારીઓએ ઘટતી ઓઇલ કિંમતો અને વધતા અમેરિકન શેરબજાર પર મોટો દાવ લગાવ્યો હતો. બરાબર એ જ સમયે ટ્રમ્પે ઈરાન સાથે શાંતિ વાટાઘાટો અંગે નિવેદન આપ્યું હતું, જેના તુરંત બાદ ઓઇલના ભાવ ક્રેશ થઈ ગયા હતા અને યુએસ સ્ટોક માર્કેટમાં મોટો ઉછાળો આવ્યો હતો.

વ્હાઇટ હાઉસે આરોપો ફગાવ્યા

જોકે, આ વિવાદ સામે આવ્યા બાદ અમેરિકન વ્હાઇટ હાઉસે કોઈપણ પ્રકારની ગેરરીતિના આરોપોને સખત શબ્દોમાં ફગાવી દીધા છે. બીજી તરફ, ‘ટ્રમ્પ ઑર્ગેનાઇઝેશન’ના પ્રવક્તાએ સ્પષ્ટતા કરતા જણાવ્યું છે કે, તેમના તમામ રોકાણોનું સંચાલન બહારની નાણાકીય સંસ્થાઓ દ્વારા સ્વતંત્ર રીતે કરવામાં આવે છે અને આમાં ટ્રમ્પ કે તેમના પરિવારનો કોઈ વ્યક્તિગત હસ્તક્ષેપ હોતો નથી.



Source link

Related Articles

Back to top button