ત્રણ મહાસત્તાઓ વચ્ચે અંદરખાને ભાગબટાઈ ! યુદ્ધ વિરામ અગાઉનો ગોઠવાતો તખ્તો ! | Internal division among the three superpowers The arrangement of the throne before the ceasefire

![]()
– ઇરાન અમેરિકાનું : તાઈવાન ચીનનું : યુક્રેન રશિયાનું
– તાઇવાન અમારું, અમેરિકા વલણ નહીં બદલે તો તંગદિલી વધશેઃ જિનપિંગ
બૈજિંગ: અમેરિકાના સુપર પાવર તરીકેના દહાડા પૂરા થઈ ગયા લાગે છે. એકબાજુએ ઇરાન જેવા દેશ પાસેથી તે હોર્મુઝની ખાડી ખોલાવી શકતું નથી. અફઘાનિસ્તાનમાંથી ઊભી પૂંછડિયે ભાગી જાય છે. આટલું ઓછું હોય તેમ ચીનની ત્રણ દિવસની મુલાકાતે ગયેલા અમેરિકન પ્રમુખ ટ્રમ્પને ચીનના સુપ્રીમો જિનપિંગે તાઇવાન મુદ્દે લગભગ ખખડાવી જ નાખ્યા છે અને તેમની આ આક્રમકતાથી અમેરિકા જ નહીં વિશ્વ સ્તબ્ધ થઈ ગયું છે. જિનપિંગે ટ્રમ્પ આગળ સોઈ ઝાટકીને તાઇવાન ચીનનો હિસ્સો હોવાનું સ્પષ્ટ જણાવી દીધું છે.
પ્રમુખ તરીકે ટ્રમ્પ ચીન જઈને અમેરિકાની ઇજ્જતનો ધુમાડો કર્યો છે. ૅચીનના પ્રમુખ જિનપિંગે અમેરિકન પ્રમુખ ટ્રમ્પને સ્પષ્ટ જણાવી દીધું છે કે અમેરિકા તાઇવાનના મુદ્દાને યોગ્ય રીતે હેન્ડલ કરી રહ્યું નથી. આ બાબત બંને દેશો વચ્ચેના સંબંધને બગાડવાનું અને બંને વચ્ચેના ખટરાગનું મુખ્ય કારણ બની શકે છે. તેથી અમેરિકા તાઇવાન અંગેના તેના વલણને ઠીક કરે તે અમેરિકા અને ચીન વચ્ચેના સંબંધોને મજબૂત બનાવવાની દિશાનું મહત્ત્વનું પગલું હશે.
જિનપિંગે શરૂઆતથી જ તાઈવાનનો મુદ્દો ઉઠાવ્યો.સંપૂર્ણતઃ લોકશાહી રીતે ચાલી રહેલા આ ટાપુ રાષ્ટ્ર તાઈવાનને ચીન પોતાનો જ ગણે છે. તેને પોતાનો એક પ્રાંત હોવાનું તેના નકશાઓમાં પણ દર્શાવી રહ્યું છે. ચીનની સરકારી ચેનલ સી.સી.ટીવી જણાવે છે કે, પ્રીમિયર જિનપિંગે કહ્યું હતું કે ઃ તાઈવાનનો પ્રશ્ન ચીન-અમેરિકા સંબંધોમાં સૌથી મહત્વનો મુદ્દો છે. તેની સાથે ચેતવણી આપતાં કહ્યું કે, આ મુદ્દાને ખોટી રીતે હાથમાં લેવામાં આવશે તો તેથી ચીન-અમેરિકા સંબંધો બેહદ ખતરનાક સ્થિતિમાં પહોંચી જશે.
અહીં યાદ રાખવું જોઈએ કે જિનપિંગ પહેલા કોઈપણ ચાઇનીઝ પ્રીમિયરે અમેરિકન પ્રમુખ સાથે તાઇવાનને લઈને આ પ્રકારે વાત કરવાનો પ્રયત્ન કર્યો નથી, ઉપરથી તેઓ અમેરિકા સાથે આ મુદ્દા પર ઉલ્લેખ કરવાનું જ ટાળતા આવ્યા છે. તેના બદલે જિનપિંગે તો અહીં લાંબા સમયથી અમેરિકાનું વલણ જાણતા હોવા છતાં પણ ચેતવણી આપીને એક વૈશ્વિક સત્તા તરીકે અમેરિકાની સમકક્ષ જાણે સ્થાન બનાવવાનો પ્રયત્ન કયો છે. આ બતાવે છે કે એક સુપર પાવર તરીકે અમેરિકાના જાણે અંતિમ દિવસો ચાલી રહ્યા છે.
આ સિવાય બંનેએ વૈશ્વિક પરિસ્થિતિ પર ચર્ચા કરી હતી. તેમા ખાસ કરીને ઇરાન અને રશિયા-યુક્રેન યુદ્ધનો મહત્ત્વના રહ્યા હતા. ટ્રમ્પ અને જિનપિંગ બંને તે વાત પર સંમત હતા કે વૈશ્વિક જરૂરિયાત સંતોષવા હોર્મુઝની ખાડી ઇરાને ખોલવી જ જોઈએ. જિનપિંગે પણ હોર્મુઝની ખાડીમાં લેવામાં આવનારા કોઈપણ પ્રકારના ટોલનો વિરોધ કર્યો હતો. આ સિવાય બંને દેશોએ ઇરાન પરમાણુ શસ્ત્રો ન બનાવે તે બાબતને લઈને સંમતિ સાધી હતી. ચીન ઇરાને પરમાણુ શસ્ત્રો ન બનાવવા જોઈએ તે મુદ્દે અમેરિકા સાથે સંમત થયુ હતું. આ ઉપરાંત ચીને અમેરિકાને સંદેશ આપ્યો કે વિશ્વના બે મોટા અર્થતંત્રોએ એકબીજા સાથે સંઘર્ષનો નહીં પણ સહયોગનો એટલે કે ભાગીદારીનો માર્ગ અપનાવવો જોઈએ.
ટ્રમ્પ અને જિનપિંગ વચ્ચેની આ મુલાકાત એવા સમયે થઈ રહી છે જ્યારે બંને દેશ વચ્ચેના સંબંધો છેલ્લા કેટલાક વર્ષોમાં ટ્રેડ વોર, ટેકનોલોજી પ્રતિબંધ, નિકાસ અંકુશ, તાઇવાનને અમેરિકાનો શસ્ત્ર પુરવઠો પૂરો પાડવો, દુર્લભ ખનીજોની સપ્લાય ચેઇન અને વૈશ્વિક પ્રભાવની લડાઈને લઈને વણસેલા છે. જિનપિંગે જણાવ્યું હતું કે અમેરિકા અને ચીન ફક્ત બે દેશો સાથે જોડાયેલો સવાલ નથી, પરતુ ઇતિહાસ અને સમગ્ર માનવતા સાથે જોડાયેલો સવાલ છે. તેનો જવાબ બંને નેતાઓએ મળીને આપવો પડશે. ચીન અને અમેરિકા વચ્ચેના મતભેદો કરતાં બંનેના સંયુક્ત હિત ઘણા મોટા છે. એક દેશની સફળતા બીજા દેશ માટે તક છે. ચીન-અમેરિકા વચ્ચેના સંબંધોમાં સ્થિરતા આખા વિશ્વ માટે સારી વાત છે.
ચીન અને અમેરિકા બંને રચનાત્મક દ્વિપક્ષીય સંબંધના નવા વિઝન પર સંમત થયા હતા. આ નવુ વિઝન આગામી ત્રણ વર્ષ માટે બંનેના દ્વિપક્ષીય સંબંધો માટે માર્ગદર્શન આપનારું બની રહેશે.



