સરકારી શટડાઉનમાં હવે અમેરિકન સેનેટરોને વેતન ભથ્થાં નહીં મળે | US senators will no longer receive salary allowances during the government shutdown

![]()
સેનેટરો પોતાનો પગાર અટકાવવા સહમત : ભારતથી વિપરિત સ્થિતિ
અગાઉના સરકારી શટડાઉનોમાં કોંગ્રેસના સભ્યોના વેતન-ભથ્થાં ચાલુ રહેવાના કારણે ભારે ઉહાપોહ થયો
વોશિંગ્ટન: અમેરિકાના ભાવિ શટડાઉનમાં હવે સેનેટરોને પણ તેમના વેતન અને ભથ્થાં નહીં મળે. આ માટેની તૈયારી આદરવામાઁ આવી ચૂકી છે. સેનેટે પોતે જ સરકારી શટડાઉન દરમિયાન સેનેટરોના વેતન અને ભથ્થાં અટકાવતો વિથહોલ્ડ પેનો ઠરાવ ૯૯-૦થી પસાર કર્યો હતો. જ્યારે રિપબ્લિકન સેનેટર પીટ રિકેટ્સે હાજર રહ્યા ન હતો. આ ઠરાવ લુઇસિયાના રિપબ્લિકન સેનેટર જોન કેનેડીએ રજૂ કર્યો હતો.
આ ઠરાવ મંજૂર કે નામંજૂર કરવાની પ્રક્રિયામાં એક જણે એક જ મત આપવાનો હતો. આ ઠરાવ હવે કાયદો બનવાની અંતિમ પ્રક્રિયા તરફ આગળ ધપી રહ્યો છે. તે જબરદસ્ત સમર્થન સાથે પસાર થાય તેવી સંભાવના છે.
આ ઠરાવ કાયદો બન્યા બાદ નવેમ્બર ૨૦૨૬ની ચૂંટણી પછી તેનો અમલ શરુ થઈ શકે છે. તેમા હવે સ્પષ્ટપણે સુનિશ્ચિત થઈ ચૂક્યું છે કે ભવિષ્યમાં જ્યારે પણ ફેડરલ ગવર્નમેન્ટનું શટડાઉન થાય ત્યારે સેનેટરોને મળતાં વેતન અને ભથ્થાં પણ તેટલા સમયગાળા માટે અટકાવવા. આ અટકેલા વેતન અને ભથ્થા સરકારી શટડાઉન ખૂલે ત્યારે જારી કરવામાં આવશે.
હવે નીચલા ગૃહમાં આ ઠરાવ ક્યારે પાસ થશે તે નક્કી થયું નથી. આ ઠરાવની તરફેણમાં મતદાન કરતી વખતે સેનેટ ફ્લોર પર કેનેડીએ જણાવ્યું હતું કે આ નિયમ બીજું કશું જ નહીં પણ બધાને એક સમાન ધોરણે કાયદો લાગુ પાડવાની વાત છે.કેનેડીનો આ ઠરાવ ત્યારે આવ્યો છે જ્યારે ગયા વર્ષે એફોર્ડેબલ કેર એક્ટ સબસિડીઝના મુદ્દે ડેમોક્રેટ્સ અને રિપબ્લિકન વચ્ચે મડાગાંઠ સર્જાતા ૪૩ દિવસ શટડાઉન રહ્યુ હતુ.ં તે સમયે લગભગ ૬.૭૦ લાખ ફેડરલ વર્કરો ફર્લો પર હતા. ૬૦ હજાર કામદારોએ જોબ ગુમાવી હતી. પૂરક પોષણ સહાય કાર્યક્રમના પ્રતિસાદીઓએ તેમના ફાયદા ગુમાવ્યા હતા. આમ કોઈ સરકારી કર્મચારી કે વિભાગને સમખાવા પૂરતો ડોલર પણ મળી રહ્યો ન હતો. આ સંજોગોમાં યુએસ કોંગ્રેસના સભ્યોને ચૂકવણી ચાલુ હતી. આમ શટડાઉનની વિપરીત સ્થિતિમાં પણ યુએસ કોંગ્રેસના સભ્યોની નાણાકીય સવલતો ચાલુ રહી હતી, જ્યારે સામાન્ય લોકો તકલીફોમાં હતા.
આ વિસંગતિનો આખા દેશમાં મોટાપાયા પર વિરોધ થવાના લીધે છેવટે અમેરિકન સેનેટમાં આ બિલ લાવવામાં આવ્યું છે. અમેરિકનોમાં તે માનસિકતા મજબૂત બનતી જતી હતી કે આ બધા કિંગ છે અને અમે ગુલામ છીએ. તુમ્હારા ખૂન ખૂન, ઔર હમારા ખૂન પાની જેવો ઘાટ સર્જાતા અમેરિકનોમાં આક્રોશ હતો. આ સ્થિતિ દર શટડાઉન વખતે જોવા મળતી હતી. છેવટે અમેરિકનોના વધેલા જનદબામના કારણે શાસક પક્ષના સેનેટર કેનેડી જ આ દરખાસ્ત લાવ્યા હતા, જેને દરેક સેનેટરે મંજૂર કરી દીધી છે. અહીં તે યાદ રાખવું જરૂરી છે કે તેમને શટડાઉન દરમિયાન તેમને મળતા પેમેન્ટ અને ભથ્થા બંધ થયા નથી, ફક્ત અટક્યા છે અને શટડાઉન ખૂલવાની સાથે તે બીજા વર્કરોને મળે છે તેમ મળી પણ જશે.
કેટલી આશ્ચર્યની વાત છે અમેરિકામાં પોતાના જ વેતન અને ભથ્થાંને અટકાવવા માટે શાસક-વિપક્ષ બંનેેએ તેની તરફેણમાં મતદાન કર્યુ. જ્યારે ભારતીય સાંસદોમાં વિપરીત વલણ જોવા મળે છે. દરેક પ્રજાકીય કાર્ય માટે હંમેશા બાખડતા શાસક-વિપક્ષ જ્યારે તેમના વેતન અને ભથ્થામાં વધારાની વાત આવે ત્યારે એકમત હોય છે.



