दुनिया

અમેરિકા સાથેના યુદ્ધના કારણે ઇરાનમાં કમરતોડ મોંઘવારી | War with America causes skyrocketing inflation in Iran



– ઇરાનના ચલણનું મૂલ્ય એક ડોલર સામે 19 લાખ રિયાલ

– ચાર-ચાર દાયકાથી આર્થિક પ્રતિબંધોનો સામનો કરતા ઇરાનીયનોની સ્થિતિ યુદ્ધના કારણે વધુ બેહાલ થઈ

– ઉદ્યોગો, ફેક્ટરીઓ, સ્ટાર્ટઅપ અને ઔદ્યોગિક એકમો બધામાં મોટાપાયા પર છટણીથી અસ્તિત્વ ટકાવવું અઘરું બન્યું

– એપ્રિલમાં ઇરાનનો ફુગાવો 53 ટકા, ખાદ્યાન્ન ફુગાવો 115 ટકા થતાં ઇરાનીયનોને બે ટંક પૂરું કરવાના પણ ફાંફા 

તેહરાન: ઇરાનનું અમેરિકા સાથેનું યુદ્ધ અને હોર્મુઝ ખાડી પરનો કબ્જો આખા વિશ્વને તો ભારે પડી જ રહ્યો છે, પરંતુ તેની સાથે-સાથે ઇરાનને પણ ભારે પડી રહ્યો છે. અમેરિકા સાથેનું યુદ્ધ ઇરાનની પ્રજા માટે કમરતોડ મોંઘવારીનો મારો લઈને આવ્યું છે. આર્થિક પ્રતિબંધોના લીધે ઇરાનના અર્થતંત્રની આમ પણ ખાનાખરાબી તો થયેલી જ હતી, આટલી ખાનાખરાબી ઓછી હોય તેમ બાકીનું બધું યુદ્ધે પૂરું કર્યુ. 

ઇરાનમાં મોંઘવારી આકાશને આંબી રહી છે અને રોજબરોજ વધતા ભાવો ઇરાનની પ્રજાની કમર તોડી રહ્યા છે. ઇરાનની પ્રજા માટે  રોજિંદુ જીવન જાણે દોહ્યલુ બની ગયું છે. ઇરાનમાં કોઈ વસ્તુ જાણે સસ્તી મળવુ દુર્લભ છે, ફક્ત મોત જ સસ્તુ છે જ્યારે જીવન સહિતનું બાકી બધું અત્યંત મોંઘુ થઈ ગયું છે. ખોરાકથી લઈને રોજિંદા ઉપયોગની ચીજવસ્તુઓ, દવા અને અન્ય સામગ્રીઓના આકાશને આંબતા જતા ભાવ જોઈને ઇરાનીઓના આંખે તમ્મર આવવા લાગે તેવી સ્થિતિ સર્જાઈ છે.

યુદ્ધના કારણે દેશમાં સામૂહિક ધોરણે નોકરીઓ ગાયબ થઈ રહી છે. ચાવીરુપ ઉદ્યોગોને મોટો ફટકો પડયો છે. સરકારે મહિના જેટલા લાંબા સમયથી ઇન્ટરનેટ બંધ કરતા જાણે બધા કારોબારો ઠપ થઈ ગયા છે.યુદ્ધ ઓછું પડતું હોય તેના પછી અમેરિકાની ઘેરાબંધીએ ઇરાનને મળતા ચીજવસ્તુઓના પુરવઠા પર જાણે કાપ મૂક્યો છે. 

ઇરાનના અર્થશાસ્ત્રી અને બ્રાન્ડીસ યુનિવર્સિટીના રિસર્ચ ફેલો હદી કહલઝાદેહે જણાવ્યું હતું કે ઇરાન આ પ્રકારના આર્થિક પ્રતિબંધો અને દબાણો સામે દાયકાઓથી ઊભું રહી શક્યું છે. આ પ્રતિબંધો સામે અનુકૂળતા સાધી લેવાની તેની ક્ષમતાના કારણે ઇરાન હજી  આર્થિક રીતે પડી ભાંગ્યું નથી. ઇરાન કદાચ સંપૂર્ણ આર્થિક ધબડકો ટાળી દે અથવા તેને ત્યાં વસ્તુઓની સંપૂર્ણ અછત ન પણ સર્જાય, પરંતુ તેણે આ માટે અત્યંત ઊંચી કિંમત ચૂકવવી પડશે તેમ માનવામાં આવે છે. 

આંતરરાષ્ટ્રીય નાણા ભંડોળ (આઇએમએફે) આગાહી કરી છે કે ઇરાનનું અર્થતંત્ર આગામી વર્ષે છ ટકા ઘટશે. એપ્રિલમાં ઇરાનનો ફુગાવાનો દર ૫૩.૭ ટકા હતો, જે અસહ્યનીય કહેવાય. જ્યારે ખાદ્યાન્ન ફુગાવો ૧૧૫ ટકાને આંબી ગયો હતો.ચીકન અને સસલાના ભાવમાં ૪૫ ટકા, ચોખાના ભાવમાં ૩૧ ટકા અને ઇંડાના ભાવમાં ૬૦ ટકા વધારો થયો છે. લોકો આવશ્યક વસ્તુઓનો સંગ્રહ કરવા લાગ્યા છે.  

ઇરાનના ચલણ રિયાલનું મૂલ્ય ગયા વર્ષ કરતાં અડધુ થઈ ગયું છે અને હાલમાં એક ડોલર બરોબર ૧૯ લાખ રિયાલના તળિયે પહોંચી ગયું છે. 

આ આર્થિક ચિંતાના લીધે જાન્યુઆરીમાં આખા દેશમાં મોટાપાયા પર આંદોલનો થયા હતા. સરકારે સ્થિતિનો સામનો કરવા માટે લઘુત્તમ વેતનમાં ૬૦ ટકાનો નોંધપાત્ર વધારો કર્યો છે, પરંતુ આ વેતન ચૂકવી શકે તેવા ઉદ્યોગો તો હોવા જોઈએ. સરકારે બસ અને મેટ્રો મફત કરી દીધી તો પણ તેનાથી ખાસ ફાયદો થયો નથી. 

રાઇડ હેઇલિંગ કંપનીઓને તેમના ડ્રાઇવરોને ચૂકવણી કરવાના ફાંફા પડી ગયા છે, મહિનાઓના મહિનાઓ સુધી ચૂકવણી થતી નથી. 

યુદ્ધે એક સમયે ઇરાનના સમૃદ્ધ મનાતા મધ્યમ વર્ગને દારુણ ગરીબીમાં ધકેલી દીધો છે. ઇરાનનો મધ્યમ વર્ગ ૨૦૧૯થી સતત સંકોચાતો રહ્યો છે અને વસ્તીના ૫૫ ટકા જ રહી ગયો છે. હવે યુદ્ધ, ભ્રષ્ટાચાર અને આર્થિક મિસમેનેજમેન્ટ તેને ઉત્તરોતર અત્યંત ખરાબ સ્થિતિ તરફ લઈ જશે. ફેક્ટરીઓ,કંપનીઓ અને સ્ટાર્ટઅપ બધામાં છટણી જ ચાલી રહી છે. ઇરાનીયનો કામવિહોણા થઈ રહ્યા છે. આર્થિક તકલીફો લોકોની માનસિક તકલીફોમાં ઉત્તરોતર વધારો કરી રહી છે. કદાચ ઇરાનની વસ્તીનો મોટો હિસ્સો આર્થિકની સાથે માનસિક તકલીફો ભોગવતો બની જાય તો પણ આશ્ચર્ય નહી થાય, એમ મહિલાએ નામ ન આપવાની શરતે જણાવ્યું હતું. 

હાલમાં અમેરિકા-ઇરાન વચ્ચેની યુદ્ધવિરામ પરની મંત્રણા સ્થગિત છે ત્યારે અમેરિકાના સંરક્ષણપ્રધાન પીટ હેગસેથે દાવો કર્યો છે કે હોર્મુઝની ખાડી પર અમેરિકાનો અંકુશ છે. ઇરાનની ધમકીઓ અને હુમલા છતાં પણ અમેરિકા હોર્મુઝની ખાડી પર અંકુશ જાળવવામાં સફળ રહ્યુ હોવાનો દાવો તેમણે કર્યો હતો. આ ઉપરાંત અમેરિકા પાસે પૂરતા પ્રમાણમાં બોમ્બ અને મિસાઇલો હોવાનો દાવો પણ તેમણે કર્યો હતો. 

– ઇઝરાયેલના ડ્રોન હુમલાથી લેબનોનમાં 12ના મોત

બૈરૂત: ઇઝરાયેલે બુધવારે લેબનોન પર કરેલી એરસ્ટ્રાઇકમાં કુલ ૧૨ના મોત થયા હતા, તેમા એક મહિલા અને બે બાળકોનો સમાવેશ થાય છે, એમ લેબનીઝ આરોગ્ય મંત્રાલયે જણાવ્યું હતું. 

ઇઝરાયેલે જણાવ્યું હતું કે તેણે દક્ષિણ લેબનોના વિસ્તારમાં હીઝબુલ્લાહના કેટલાક ઇન્ફ્રાસ્ટ્રકચર પર હુમલો કર્યો હતો. તેણે દક્ષિણ લેબનોનના છ ગામોને ખાલી કરવાનો આદેશ જારી કર્યા પછીના ગણતરીના કલાકોમાં આ હવાઈ હુમલા કર્યા હતા. ઇઝરાયેલ અને લેબનોન વચ્ચે મંત્રણાનો વધુ એક રાઉન્ડ વોશિંગ્ટનમાં યોજાવવાનો છે. આરોગ્ય મંત્રાલયે જણાવ્યું હતું કે વાહનો પર સાત એરસ્ટ્રાઇક થઈ હતી. દક્ષિણ લેબનોનમાં વિવિધ ટાઉન્સ અને ગ્રામીણ વિસ્તારોમાં ઇઝરાયેલ હીઝબુલ્લાહના અનેક ઠેકાણા પર હુમલા કરી રહ્યુ છે અને હીઝબુલ્લા પણ ઇઝરાયેલ પર વળતા હુમલા કરી રહ્યું છે.



Source link

Related Articles

Back to top button