મ્યાંમારમાં સાઈબર ગુનેગારોના સકંજામાંથી ચીની સૈનિક ફિલ્મી સ્ટાઈલમાં ભાગ્યો | Chinese soldier escapes from cybercriminals in Myanmar in movie style

![]()
લશ્કરી તાલીમ લીધી હોવાથી 19 ફૂટ દીવાલ કૂદીને જીવ બચાવ્યો
એક મહિનાથી બદબૂદાર મકાનમાં બંધ પૂર્વ સૈનિકેગંધ છુપાવવા શરીરમાં છાણ લગાવ્યું, કલાકો સુધી ભાગીને ચીનમાં આવ્યો
બેઈજિંગ: મ્યાંમારમાં સાઈબર ગુનેગારો બેફામ બન્યા છે. અમેરિકા-ચીન જેવા કેટલાય દેશોએ મ્યાંમારની સરકાર પર ભારે દબાણ કર્યું એ પછી અમુક સ્થળોએ રેડ પડી, તેમ છતાં હજુય સાઈબર ક્રાઈમ બેરોકટોક ચાલે છે. એવા જ એક સાઈબર ક્રાઈમના અડ્ડામાં ફસાયેલા ચીનના પૂર્વ સૈનિકની સ્ટોરી ચર્ચામાં છે. યાંગ લેઈ નામનો પૂર્વ સૈનિક લશ્કરી તાલીમના કારણે બચી ગયો હતો અને દેશમાં પાછો ફર્યો હતો.
યાંગ લેઈ નામના ચીનના આ પૂર્વ સૈનિકના કહેવા પ્રમાણે તે એક મહિના પહેલાં થાઈલેન્ડમાં એક ૧૦ લોકોના ગુ્રપનું નેતૃત્વ કરતો હતો. તેણે જે ટૂર ઓપરેટરને રોક્યો હતો તેની પાસે કાયદેસર પરવાનગી ન હતી. તેના કારણે બોર્ડર પર સાઈબર ગુનેગારોના સકંજામાં એનું આખું ગુ્રપ આવી ગયું. તેના સહિત ૧૧ લોકોને એક ગુ્રપે ક્રિપ્ટોકરન્સી લઈને બીજા ગુ્રપને વેચી નાખ્યા હતા.
સાઈબર ગુનેગારોએ તેમને એક મોટા મકાનમાં એક મહિના સુધી બંધ રાખ્યા. બદબૂદાર સ્થળે તેમની પાસે સાઈબર ક્રાઈમનું કામ કરાવાયું. ખૂબ માર મારવામાં આવતો હતો. ત્યાં બીજા પણ ઘણાં આ રીતે કામ કરે છે અને તેમને વર્ષમાં એક જ વખતમાં ફોનમાં વાત કરવા દેવાય છે તેણે હિંમત કરીને ભાગવાની કોશિશ કરી. મકાનની લગભગ ૧૮-૧૯ ફૂટ દીવાલ તેણે લશ્કરની આકરી તાલીમના કારણે ઓળંગી લીધી, પરંતુ જો તે ભાગી ગયો છે એવી જાણ થાય તો તેની શોધખોળ શરૂ થાય. ડોગ્સની મદદથી ભાળ મેળવવામાં સફળ થાય તો ફરી યાતના આપે. શરીરની ગંધ છુપાવવા માટે તેણે શરીર પર છાણ લગાવ્યું. કલાકો સુધી ભાગતો રહ્યો અને ચીનની સરહદે પહોંચ્યા પછી પણ એક ગાર્ડ સાથે લડીને સરહદમાં પ્રવેશી શક્યો. ફિલ્મની સ્ટોરી જેવું આ એસ્કેપ સાહસ અત્યારે ચીનમાં ચર્ચામાં છે.



