કેરેબિયન ક્રૂઝમાં નોરો વાઇરસ ફેલાયો, 3000થી વધુ મુસાફરોમાંથી 115 સંક્રમિત થયા | Norovirus Outbreak on Caribbean Princess Cruise 115 Passengers and Crew Infected

![]()
અમેરિકાના ફોર્ટ લૉડરડેલથી પોર્ટ કેનાવેરલ જઈ રહેલા ‘કેરેબિયન પ્રિન્સેસ’ ક્રૂઝ શિપમાં નોરો વાઇરસના વ્યાપક કેસ સામે આવ્યા છે. આ જહાજમાં કુલ 3116 મુસાફરો સવાર હતા, જેમાંથી 102 પ્રવાસીઓ અને 13 ક્રૂ મેમ્બર્સ સહિત કુલ 115 લોકો આ બીમારીની ઝપેટમાં આવ્યા છે. 28 એપ્રિલથી શરૂ થયેલી આ ઇતિહાસ સમાન લક્ઝરી મુસાફરી દરમિયાન જહાજ અરુબા, બોનેર અને પ્યુર્ટો રિકો જેવા સુંદર સ્થળોએ રોકાયું હતું. સેન્ટર ફોર ડિસીઝ કંટ્રોલ એન્ડ પ્રિવેન્શન (CDC)ના જણાવ્યા અનુસાર, સંક્રમિત લોકોમાં મુખ્યત્વે ઉલ્ટી અને ઝાડા જેવા લક્ષણો જોવા મળ્યા છે.
શું છે નોરો વાઇરસ અને કેવી રીતે ફેલાય છે?
નોરો વાઇરસ એ અત્યંત ચેપી વાઇરસ છે જે સીધો પેટ અને આંતરડા પર હુમલો કરે છે. આ વાઇરસ ખાસ કરીને ક્રૂઝ શિપ જેવી ભીડભાડવાળી અને બંધ જગ્યાઓ પર ઝડપથી ફેલાય છે, કારણ કે ત્યાં હજારો લોકો લાંબા સમય સુધી એકસાથે રહે છે અને એક જ પ્રકારના ખોરાક કે સુવિધાઓનો ઉપયોગ કરે છે. આ સંક્રમણ કોઈ બીમાર વ્યક્તિના સંપર્કમાં આવવાથી, દૂષિત ખોરાક કે પાણી લેવાથી અથવા વાઇરસવાળી સપાટીને અડવાથી ફેલાય છે. આ પ્રવાસમાં કેસ ધીમે-ધીમે વધતા ગયા અને જ્યારે બીમાર લોકોની સંખ્યા મુસાફરોના 3 ટકાથી વધી ગઈ, ત્યારે CDCએ આ બાબતને ગંભીરતાથી લઈ સત્તાવાર સૂચના જાહેર કરી છે.
નોરો વાઇરસના લક્ષણો અને સાવચેતી
આ બીમારીના મુખ્ય લક્ષણોમાં અચાનક ઉલ્ટી થવી, પાણી જેવા ઝાડા, પેટમાં દુખાવો, તાવ અને માથાનો દુખાવો શામેલ છે. સામાન્ય રીતે આ લક્ષણો 1થી 3 દિવસ સુધી રહે છે અને મોટાભાગના લોકો સારવાર વિના ઠીક થઈ જાય છે, પરંતુ નાના બાળકો અને વૃદ્ધોમાં ડિહાઇડ્રેશનની સમસ્યા વધી શકે છે. હાલમાં જહાજ પર સખત સફાઈ અને ડિસઇન્ફેક્શનની પ્રક્રિયા હાથ ધરવામાં આવી છે. બીમાર મુસાફરોને અલગ રાખવામાં આવ્યા છે અને તેમના સેમ્પલ લઈને તપાસ કરવામાં આવી રહી છે. પ્રિન્સેસ ક્રૂઝ કંપનીએ તમામ મુસાફરોને હાથ ધોવા અને સેનિટાઈઝરનો ઉપયોગ કરવા પર ભાર મૂક્યો છે.
કેટલો ખતરનાક છે આ વાઇરસ?
નોરો વાઇરસ સામાન્ય રીતે જીવલેણ હોતો નથી, પરંતુ તે ઝડપથી ફેલાવાની ક્ષમતા ધરાવે છે જેના કારણે લોકોમાં ચિંતા અને તણાવ વધી જાય છે. ક્રૂઝ શિપ પર જ્યારે કોઈ એક મુસાફર પણ સંક્રમિત હોય, ત્યારે લિફ્ટ, બુફે ખાવાનું કે સ્વિમિંગ પૂલ જેવી સહિયારી સુવિધાઓ દ્વારા તે આખા જહાજમાં પ્રસરી શકે છે. જોકે, આ કિસ્સામાં પ્રભાવિત લોકોમાં બીમારીના લક્ષણો હળવા જોવા મળ્યા છે. હાલમાં આરોગ્ય અધિકારીઓ ‘વેસલ સેનિટાઈઝેશન પ્રોગ્રામ’ હેઠળ જહાજની ઝીણવટભરી તપાસ કરી રહ્યા છે.



