दुनिया

Explainer: પુતિનની સુરક્ષા માટે કરાઈ અભેદ્ય કિલ્લેબંધી, જાણો હત્યાનો ડર કે રશિયામાં સત્તા પલટાનો ખતરો | Vladimir Putin Bunker President 2026 Dramatic Security Hike Amid Russia Mutiny Fears


The Bunker President of Russia: રશિયાના પાવર કોરિડોરમાં હંમેશાં કડક સુરક્ષાનો માહોલ રહ્યો છે. રશિયન પ્રમુખ કે ત્યાંના બીજા કોઈ પણ હાઈ પ્રોફાઈલ નેતા કે લશ્કરી અધિકારીની ગતિવિધિ અંગે બહુ ઓછી વિગતો દુનિયા સામે આવતી હોય છે. હાલમાં રશિયન પ્રમુખ વ્લાદિમીર પુતિનની આસપાસ સુરક્ષાનું એવું જાળું ગૂંથવામાં આવ્યું છે, જે અત્યાર સુધી ક્યારેય જોવા મળ્યું નથી. યુક્રેન સામેનું લાંબુ ખેંચાયેલું યુદ્ધ, આંતરરાષ્ટ્રીય દબાણ અને હવે ઘરઆંગણે જ બળવાની સંભવિત ધમકીઓએ પુતિનની સુરક્ષાને ‘હાઈ એલર્ટ’ પર મૂકવાની ફરજ પડી છે. કહેવાય છે કે, હવે પુતિન બંકરમાં રહે છે અને બહાર બહુ દેખાતા નથી. એવું જ કહી શકાય કે, તેઓ અન્ડરગ્રાઉન્ડ થઈ ગયા છે. પુતિનના રસોઈયા, ફોટોગ્રાફરો અને અંગરક્ષકો સુદ્ધાં જાતભાતના પ્રતિબંધો હેઠળ કામ કરી રહ્યા છે. 

શું આ માત્ર સાવચેતી છે કે પછી રશિયાના નેતૃત્વમાં કોઈ મોટા પરિવર્તનના એંધાણ? ચાલો વિગતવાર વાત કરીએ. 

પુતિનની સુરક્ષામાં નાટ્યાત્મક વધારો કરાયો

માર્ચ, 2026થી રશિયામાં સુરક્ષા માળખું અત્યંત કડક બનાવાયું છે. પુતિનની નજીક ગણાતા લોકો જેમ કે રસોઈયા, ફોટોગ્રાફરો અને અંગરક્ષકો હવે માત્ર ડ્યુટી પર જ નહીં, પણ તેમના અંગત જીવનમાં પણ દેખરેખ હેઠળ છે. આ કર્મચારીઓને જાહેર પરિવહનનો ઉપયોગ કરવા પર પ્રતિબંધ છે. તેમના દરેક ગેજેટ્સ ઇન્ટરનેટ વિનાના હોવા જરૂરી છે, જેથી તેઓ પુતિનની જાસૂસી ન કરી શકે અને પુતિનને લગતી કોઈ માહિતી લીક ન કરી શકે. પુતિનને મળવા આવનારાએ પણ ઘણીબધી તપાસમાંથી પસાર થવું પડે છે.

આ પણ વાંચો: ‘ઈરાનના હવાઇ હુમલાઓમાં 228 અમેરિકન સૈન્ય ઉપકરણો નષ્ટ…’, સેટેલાઈટ તસવીરોએ પોલ ખોલી

હિલચાલ મર્યાદિત કરીને બંકર-નિવાસ કરી રહ્યા છે

અહેવાલ એવા છે કે પુતિનની અવરજવર ખૂબ જ મર્યાદિત કરી દેવાઈ છે. 

– રહેઠાણમાં ફેરફાર: મોસ્કો અને વાલ્ડાઈ જેવા પરિચિત સ્થળોને બદલે તેઓ હવે વધુ સુરક્ષિત અને કિલ્લેબંધી ધરાવતા સ્થળોએ રહે છે.

– લશ્કરી મુલાકાતોમાં ઘટાડો: વર્ષ 2026માં અત્યાર સુધી પુતિને એક પણ લશ્કરી થાણાની મુલાકાત લીધી નથી, જે તેમની અગાઉની કાર્યશૈલીથી વિપરીત છે.

– ભૂગર્ભ સુવિધાઓ: યુક્રેનના ડ્રોન હુમલાના જોખમને પગલે પુતિન મોટેભાગે કાળા સમુદ્ર નજીક ક્રાસ્નોદર પ્રદેશમાં આવેલા હાઈ-ટેક બંકરોમાં રહે છે. ત્યાંથી તેઓ યુદ્ધની કામગીરી પર નજર રાખે છે.

– જૂના ફૂટેજનો ઉપયોગઃ પુતિન ખરેખર કયા સમયે ક્યાં હશે, એની જાણ બહુ ઓછા લોકોને હોય છે. સરકારી મીડિયા બધું બરાબર હોવાનું દર્શાવવા માટે પુતિનના જૂના ફૂટેજનો ઉપયોગ કરી રહ્યું હોવાનું કહેવાય છે.

હત્યાના કાવતરા અને આંતરિક વિખવાદ

પુતિનની સુરક્ષા કડક કરવા પાછળનું મુખ્ય કારણ રશિયન સૈન્યના ઉચ્ચ અધિકારીઓ પર થતા હુમલા છે. 22 ડિસેમ્બર, 2025ના રોજ મોસ્કોમાં લેફ્ટનન્ટ જનરલ ફેનિલ સર્વરોવની હત્યાએ રશિયાની સુરક્ષા એજન્સીઓની ઊંઘ હરામ કરી દીધી છે. એ ઘટના બાદ યોજાયેલી બેઠકમાં ચીફ ઓફ જનરલ સ્ટાફ ગેરાસિમોવે FSB (Federal Security Service, રશિયાની મુખ્ય સુરક્ષા એજન્સી)ના ચીફ બોર્ટનિકોવને ‘દૂરંદેશીનો અભાવ’ ધરાવનાર ગણાવ્યા. જવાબમાં બોર્ટનિકોવે સ્પષ્ટ કહ્યું કે ‘અમારી સંસ્થા સૈન્ય અધિકારીઓની સુરક્ષા માટે જવાબદાર નથી. ના તો અમારી પાસે તે માટેના સંસાધનો છે.’ રશિયાના બે ઉચ્ચ અધિકારી વચ્ચે જાહેરમાં થયેલી આ રકઝક બાદ પુતિને રશિયન સેનાના ટોચના 10 સૈન્ય કમાન્ડરોની સુરક્ષા FSO (Federal Protective Service)ને સોંપી દીધી હતી. આ રશિયન પ્રમુખની અંગત સુરક્ષા એજન્સી હોય છે. 

બળવાની આશંકા અને શોઇગુ પર નજર

રશિયાની બહારના દુશ્મનો કરતાં પુતિનને અત્યારે અંદરના લોકોનો ભય વધુ સતાવી રહ્યો છે. જૂન 2023માં વેગનર જૂથના વડા પ્રિગોઝિનનો બળવો એક મોટો સંકેત હતો. પુતિન નથી ચાહતા કે ફરી એવું થાય. હાલમાં સુરક્ષા પરિષદના સચિવ સર્ગેઈ શોઇગુ લશ્કરમાં ઘણો પ્રભાવ ધરાવે છે, જેના કારણે તેમની હિલચાલ પર પણ નજર રખાઈ રહી છે. 5 માર્ચ, 2026ના રોજ શોઈગુના નજીકના સહયોગી રુસલાન ત્સાલિકોવની ધરપકડ પણ આ વાતને બળ આપે છે. 

આ પણ વાંચો: ઈરાન યુદ્ધ ખતમ કરવા તૈયાર! પેઝેશ્કિયનની ટ્રમ્પ સામે શરત- અમારા અધિકારો સુરક્ષિત રહેવા જોઈએ

સામાન્ય જનતામાં અસંતોષ અને બદલાતી સ્થિતિ

યુક્રેન યુદ્ધે રશિયાની અંદરનું વાતાવરણ બદલી નાખ્યું છે. મોબાઇલ ડેટા સેવાઓ છીનવાઇ રહી છે, વધતી મોંઘવારી અને ઇન્ટરનેટ બંધથી રશિયન જનતામાં નારાજગી વધી રહી છે. પુતિનની લોકપ્રિયતા નીચે જઈ રહી છે. આ સ્થિતિની અસર આગામી 9 મેની ‘વિજય દિવસ’ પરેડ પર પણ જોવા મળશે, જ્યાં આતંકવાદી જોખમને ટાંકીને લશ્કરી સાધનોનું પ્રદર્શન ટાળવામાં આવ્યું છે.

‘બંકર પ્રમુખ’નો વ્યૂહ કેટલો સફળ રહેશે?

વ્લાદિમીર પુતિનની આસપાસ રચાયેલી આ સુરક્ષા દીવાલ દર્શાવે છે કે રશિયા અત્યારે એક અત્યંત અસ્થિર તબક્કામાંથી પસાર થઈ રહ્યું છે. રાજકીય પ્રચાર માધ્યમો દ્વારા ભલે બધું સામાન્ય હોવાનો દેખાડો કરવામાં આવે, પણ હાઈ-એલર્ટ અને બંકરવાસ કંઈક અલગ જ દિશામાં ઈશારો કરી રહ્યા છે.


Explainer: પુતિનની સુરક્ષા માટે કરાઈ અભેદ્ય કિલ્લેબંધી, જાણો હત્યાનો ડર કે રશિયામાં સત્તા પલટાનો ખતરો 2 - image



Source link

Related Articles

Back to top button