2026 દુનિયાનું સૌથી ગરમ વર્ષ સાબિત થશે… સૌથી મોટા વિજ્ઞાનીની ડરામણી ભવિષ્યવાણી | year 2026 could be hottest year on record james hansen prediction el nino

![]()
Year 2026 Hottest Year: વિશ્વના જાણીતા હવામાન વૈજ્ઞાનિક ડૉ. જેમ્સ હાનસેને એક અત્યંત ચિંતાજનક આગાહી કરી છે. તેમના મતે, વર્ષ 2026 પૃથ્વીના ઇતિહાસનું અત્યાર સુધીનું સૌથી ગરમ વર્ષ સાબિત થઈ શકે છે. વધતી જતી ગ્લોબલ વોર્મિંગ અને શક્તિશાળી સુપર અલ-નીનોનું મિશ્રણ વર્ષ 2024ના ગરમીના તમામ રેકોર્ડને પણ પાછળ છોડી દેશે તેવી આશંકા છે.
વર્ષ 2024નો રેકોર્ડ જોખમમાં
આપણે સૌ જાણીએ છીએ કે, 2024 અત્યાર સુધીનું સૌથી ગરમ વર્ષ રહ્યું છે. ઔદ્યોગિક ક્રાંતિ પહેલાના સ્તર કરતા પૃથ્વીનું તાપમાન 1.5 ડિગ્રી સેલ્સિયસ સુધી વધી ગયું હતું. જોકે, 2025માં પણ ગરમીનો પ્રકોપ ચાલુ રહ્યો છે, પરંતુ વૈજ્ઞાનિકો માને છે કે, 2026માં સ્થિતિ વધુ ગંભીર બનશે. કોલંબિયા યુનિવર્સિટીના વૈજ્ઞાનિક હાનસેને જણાવ્યું છે કે, આ માત્ર એક અનુમાન નથી, પરંતુ ગાણિતિક મોડલ્સ અને વૈજ્ઞાનિક તથ્યો પર આધારિત ગંભીર ચેતવણી છે.
શું છે આ અલ-નીનો અને સુપર અલ-નીનો?
અલ-નીનો એ પ્રશાંત મહાસાગરમાં સર્જાતી એક કુદરતી ઘટના છે. સામાન્ય રીતે દક્ષિણ અમેરિકા પાસેના દરિયાનું પાણી ઠંડું હોય છે, પરંતુ અલ-નીનો દરમિયાન આ પાણી ગરમ થવા લાગે છે. જ્યારે આ ગરમી સામાન્ય કરતા ઘણી વધી જાય, ત્યારે તેને સુપર અલ-નીનો કહેવામાં આવે છે. આના કારણે પૃથ્વીની હવાનું વહેણ બદલાય છે. જેની સીધી અસર વૈશ્વિક હવામાન પર પડે છે. વૈજ્ઞાનિકોના મતે 2025ના બીજા ભાગમાં અલ-નીનો શરૂ થશે, જેની વિનાશક અસર 2026માં પૂર્ણરૂપે જોવા મળશે.
ડૉ. જેમ્સ હાનસેનની આગાહી કેમ મહત્વની છે?
જેમ્સ હાનસેને જ વૈજ્ઞાનિક છે જેમણે 1988માં પહેલીવાર અમેરિકી કોંગ્રેસને ચેતવણી આપી હતી કે, માનવીય પ્રવૃત્તિઓને કારણે પૃથ્વી ગરમ થઈ રહી છે. તેમની નવી રિપોર્ટ મુજબ માર્ચ 2026 સુધીમાં મહાસાગરના ઉપરના 300 મીટર પાણીનું તાપમાન સામાન્ય કરતા 1 ડિગ્રી વધુ હતું, જે એપ્રિલ સુધીમાં 1.6 ડિગ્રી સુધી પહોંચી ગયું છે. વર્ષ 2026નું તાપમાન 2024 કરતા પણ 0.06 ડિગ્રી સેલ્સિયસ વધુ રહેવાની શક્યતા છે. આ આગાહી મુજબ, 2026 બાદ 2027નું વર્ષ કદાચ આનાથી પણ વધુ ગરમ હોઈ શકે છે.
ગ્લોબલ વોર્મિંગ અને અલ-નીનોનો ખતરનાક કોમ્બો
ગ્લોબલ વોર્મિંગ એ માનવસર્જિત સમસ્યા છે. કોલસો, પેટ્રોલ અને ગેસના વપરાશથી હવામાં કાર્બન ડાયોક્સાઈડ (CO2)નું પ્રમાણ વધ્યું છે. જે ગરમીને પૃથ્વીની બહાર જવા દેતું નથી. જ્યારે કુદરતી અલ-નીનો આ ગ્લોબલ વોર્મિંગ સાથે મળે છે, ત્યારે તે ‘બળતામાં ઘી’ હોમવાનું કામ કરે છે. હાનસેનના મતે, વાયુ પ્રદૂષણ (એરોસોલ) ઘટવાને કારણે પણ ગરમી વધી છે, કારણ કે પ્રદૂષણ અત્યાર સુધી સૂર્યના કિરણોને પરાવર્તિત કરી ઢાલ તરીકે કામ કરતું હતું.
ભારત પર શું અસર થશે?
ભારત જેવા ખેતીપ્રધાન દેશ માટે આ સ્થિતિ અત્યંત પડકારજનક રહેશે. રાજસ્થાન, ઉત્તર પ્રદેશ અને દિલ્હી જેવા વિસ્તારોમાં તાપમાન 45 થી 50 ડિગ્રીને પાર કરી શકે છે. અલ-નીનોને કારણે ભારતમાં વરસાદ ઓછો પડવાની અથવા વિલંબ થવાની શક્યતા રહે છે, જેની સીધી અસર કૃષિ ઉત્પાદન પર પડશે. ગરમીને કારણે જળાશયો સુકાઈ જશે અને પીવાના પાણીની સમસ્યા વિકટ બનશે.
વૈશ્વિક સ્તરે થનારી અસરો
ઓસ્ટ્રેલિયા અને ઈન્ડોનેશિયામાં ભયાનક દુષ્કાળની સ્થિતિ છે. દક્ષિણ અમેરિકામાં અતિવૃષ્ટિ અને પૂરનો પ્રકોપનો સામનો કરવો પડે છે. આર્કટિકમાં બરફ પીગળવાની ગતિ તેજ થશે, જેનાથી દરિયાઈ સ્તર વધશે. વાવાઝોડામાં ગરમ સમુદ્રને કારણે દરિયાઈ તોફાનો વધુ શક્તિશાળી અને વિનાશક બનશે.
શું આપણે તૈયાર છીએ?
વૈજ્ઞાનિકોની આ ચેતવણી આપણને સુધરવાની છેલ્લી તક આપી રહી છે. જો આપણે હમણાં પગલાં નહીં ભરીએ તો 2026 અને 2027 જેવા વર્ષો માત્ર શરૂઆત હશે. આપણે અશ્મિભૂત ઈંધણ (કોલસો, તેલ)નો વપરાશ ઘટાડી સૌર અને પવન ઉર્જા તરફ વળવું પડશે. વધુને વધુ વૃક્ષો વાવવા અને જંગલોને બચાવવા અનિવાર્ય છે. પાણીનો કરકસરભર્યો ઉપયોગ અને સંગ્રહ અત્યંત જરૂરી છે.
પૃથ્વીના અસ્તિત્વ પર જ ખતરો
વર્ષ 2026ની આ આગાહી માત્ર એક આંકડો નથી, પરંતુ પૃથ્વીના અસ્તિત્વ માટેની ચેતવણી છે. ડૉ. હાનસેન અને અન્ય વૈશ્વિક સંસ્થાઓ જેમ કે NOAA અને ECMWF પણ આ જોખમ તરફ ઈશારો કરી રહ્યા છે. જો આપણે પૃથ્વીના વધતા તાપમાનને અટકાવવામાં નિષ્ફળ રહીશું, તો આવનારી પેઢીઓ માટે કુદરતી આફતો એક સામાન્ય જીવનશૈલી બની જશે. સમય આવી ગયો છે કે સરકારો, મોટી કંપનીઓ અને સામાન્ય નાગરિકો સાથે મળીને આ હવામાન પરિવર્તન સામે લડત આપે. પૃથ્વી હવે તેની સહનશક્તિની મર્યાદા વટાવી રહી છે.



