મધ્ય પૂર્વમાં ફરી યુદ્ધ ? : હોર્મુઝ પર ગોળીબાર સીઝ ફાયર સંકટમાં : ઇરાનના મંત્રી ભભૂકી ઉઠયા | War in the Middle East again : Firing on Hormuz puts ceasefire in crisis: Iranian minister furious

![]()
– યુદ્ધનો ખતરો વધતાં ક્રૂડની કિંમત 90 ડૉલરને પાર કરી ગઈ, શેરબજારમાં નરમી : વૈશ્વિક ઊર્જા સંકટ ગંભીર બન્યું
નવી દિલ્હી : મધ્ય પૂર્વમાં ફરી યુદ્ધનાં વાદળો ઘેરાઈ રહ્યાં છે. સ્ટ્રેઇટ્સ હોર્મુઝમાં અમેરિકી, અને ઇરાની નૌકાદળો વચ્ચે સોમવારે સાંજે ફરી એકવાર સામ સામા ગોળીબાર શરૂ થઇ ગયા છે. આથી તે વિસ્તારમાં અશાંત વ્યાપવાની ચિંતા ફેલાઈ રહી છે, સાથે યુદ્ધવિરામ તૂટવાની ભીતિ વધી ગઇ છે.
અમેરિકી સેનાના અધિકારીઓ જણાવે છે કે હોર્મુઝમાંથી પસાર થતાં, અમેરિકનો ધ્વજ ફરકાવતાં જહાજોને ઇરાની હુમલાથી બચાવવાની એ જવાબી કાર્યવાહી કરવી પડી હતી. પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે એવો દાવો કર્યો છે કે આ મારામારીમાં અમેરિકાએ ઇરાનની સાત યુદ્ધ નૌકાઓ ડૂબાડી દીધી છે. અમેરિકાને તેનાં જહાજોનાં રક્ષણ માટે આમ કરવું અનિવાર્ય હતું.
અમેરિકાના આ દાવા વચ્ચે ઇરાને પણ વળતા પ્રહારો ચાલુ રાખ્યા છે. તેણે જવાબી કાર્યવાહી તરીકે યુએઇની ફૂજેરા સ્થિત ઓઇલ રીફાઈનરી ઉપર હુમલો કર્યો છે. યુએઇનાં વિદેશ મંત્રાલયે જણાવ્યું હતું કે ઇરાને ૧૨ બેલાસ્ટિક મિસાઇલ્સ ૩ ક્રીઝ મિસાઇલ્સ અને ૪ ડ્રોન અમારી ઉપર છોડવામાં આવ્યાં હતાં. જો કે અમારી એર ડીફેન્સ સીસ્ટમે તેનો હવામાં જ નાશ કર્યો હતો. આ સાથે યુએઇનાં વિદેશ મંત્રાલયે વધુમાં કહ્યું હતું કે આ યુદ્ધ ફરી વકરવાની ભીતિ છે. પરંતુ હવે અમે અમારી રીતે વળતાં પગલાં લેવા સ્વતંત્ર છીએ.
આ ટક્કરની સીધી અસર વૈશ્વિક બજાર પર પડી છે. ઇરાનના અખાતમાં વધતી તંગદિલીને લીધે બ્રેન્ટ ક્રૂડના ભાવમાં ૫ ટકાનો વધારો થયો છે, તેમ એક બેચ બ્રેન્ટ ક્રૂડ ૯૦ ડૉલર પાર કરી ગયું છે. વિશેષજ્ઞાોનું કહેવું છે કે આ પરિસ્થિતિ ચાલુ રહે તો વૈશ્વિક ઊર્જા આપૂર્તિ ઠપ્પ થઇ રહેવા સંભવ છે.
ઇરાન ઉપર થયેલા આ આક્ષેપોથી ઇરાનના વિદેશમંત્રી અબ્બાસ અરાઘચી ભભુકી ઉઠયા હતા અને ઇરાને તે હુમલા કર્યા હોવાનો સ્પષ્ટ ઇનકાર કર્યો હતો. સાથે તેમણે અમેરિકાના પ્રોજેક્ટ ફ્રીડમને ઉશ્કેરણીજનક કાર્યવાહી તરીકે જણાવ્યો હતો. સાથે તેમણે ચેતવણી આપી હતી કે હોર્મુઝ સંકટનું કોઈ સૈન્ય સમાધાન હોઈ શકે નહીં અને તેમાં કોઈ પણ હસ્તક્ષેપનાં પરિણામ બેહદ વિનાશકારી બની રહેશે. તેમણે કહ્યું હતું કે અમેરિકા અને યુએઇએ આ કલહમાંથી બચવું જોઇએ.
આ તબક્કે મધ્યપૂર્વમાં તંગદિલી વધી રહેતાં વૈશ્વિક શેરબજારમાં પણ નરમાઇ આવી ગઇ છે. વૈશ્વિક ઊર્જા સંકટ ગંભીર બન્યું છે.



