શાંઘાઇ એરપોર્ટ પર વિમાન બોર્ડિંગ બ્રિજ સાથે ટકરાયું | Plane collides with boarding bridge at Shanghai airport

![]()
તમામ યાત્રીઓને સુરક્ષિત રીતે બહાર કઢાયા હતાં
એરલાઇન્સે અસુવિધા બદલ માફી માંગી દરેક યાત્રીને 44 ડોલરનું વળતર આપવાની જાહેરાત
નવી દિલ્હી: ચીન ઇસ્ટર્ન એરલાઇન્સનું એક વિમાન શાંઘાઇ હોંગકિયાઓ ઇન્ટરનેશનલ એરપોર્ટ પર બોર્ડિંગ બ્રિજ સાથે ટકરાઇ ગયું હતું. ત્યારબાદ એરલાઇન્સે જાહેરમાં માફી માંગી હતી.
શાંઘાઇ સ્થિત આ એરલાઇન્સે જણાવ્યું હતું કે આ ઘટના એ સમયે બની હતી જ્યારે ચેંગદુથી આવેલ ફલાઇટ પોતાના પાર્કિંગ સ્ટેન્ડ તરફ આગળ વધી રહી હતી. એરલાઇન્સે અસુવિધા બદલ યાત્રીઓને ૪૪ ડોલર વળતર આપવાની જાહેરાત કરી છે.એરલાઇને જણાવ્યું હતું કે વિમાનમાં સવાર તમામ યાત્રી સંપૂર્ણ રીતે સુરક્ષિત છે. એરલાઇનનાં સત્તાવાર નિવેદન અનુસાર જ્યારે વિમાન ધીમે ધીમે ગેટની તરફ આગળ વધી રહ્યું હતું ત્યારે તેમાં યાંત્રિક ખામી સર્જાઇ હતી. જેના કારણે વિમાન બ્રિજથી ટકરાઇ ગયું હતું.
ચીન ઇસ્ટર્ન એરલાઇન્સે જણાવ્યું છે કે ફલાઇટ ક્રૂએ સ્થાપિત પ્રક્રિયાઓ અનુસાર તરત જ સ્થિતિ સંભાળી લીધી હતી. વિમાનમાંથી યાત્રીઓને વ્યવસ્થિત રીતે ઉતારવામાં આવ્યા હતાં. એરલાઇન્સે આ ટક્કરને સામાન્ય ગણાવી છે.
એરલાઇન્સનાં ડેટા અનુસાર આ વિમાન એક એરબસ એ-૩૫૦-૯૦૦ વાઇડબોડી મોડેલ હતું. જે છેલ્લા ચાર વર્ષ અને ૩ મહિનાથી સેવામાં સક્રિય છે. આ ફલાઇટ શનિવાર સવારે ૯.૧૮ વાગ્યે ચેંગદુથી રવાના થઇ હતી.સવારે ૧૧.૩૩ વાગ્યે શાંઘાઇમાં સુરક્ષિત લેન્ડિંગ કર્યુ હતું. જો કે લેન્ડિંગ પછી ગેટની તરફ આગળ વધતી વખતે આ ઘટના સર્જાઇ હતી. એરલાઇન્સે જણાવ્યું છે કે ઘટનાનાં કારણોની ઉંડી તપાસ કરવામાં આવી રહી છે અને તે અધિકારીઓને સંપૂર્ણ સહકાર આપી રહ્યાં છે.



