કૂકડા લડાવવાનો અમેરિકાનો ખેલ ઠપ ફિલિપાઈન્સમાં થતી નિકાસ અટકી પડી | US cockfighting game stalled exports to the Philippines halted

![]()
– કૂકડા ટ્રાન્સપોર્ટ કરવાની એરલાઇને ના પાડી દીધી
– અમેરિકાના એક કૂકડાની કિંમત આશરે રૂ. દોઢ લાખ ફિલિપાઈન્સમાં કૂકડાનો વાર્ષિક રૂ. 8300 કરોડનો બિઝનેસ
– ફિલિપાઈન્સમાં પ્રખ્યાત કૂકડા ફાઇટ માટે અમેરિકાથી દર વર્ષે 40 હજારથી વધુ કૂકડા મોકલાય છે, કરોડોનું નુકસાન થશે
વોશિંગ્ટન: ફિલિપાઈન્સમાં કૂકડા લડાવવાનો ખેલ બહુ જ પ્રખ્યાત છે, જોકે આ ખુંખાર કૂકડા અમેરિકાથી ફિલિપાઈન્સ મોકલવામાં આવે છે, જેને પગલે અમેરિકાને દર વર્ષે લાખો ડોલરની કમાણી થાય છે.
હવે આ કૂકડાને અમેરિકાથી ફિલિપાઈન્સમાં ટ્રાન્સપોર્ટ કરતી કોરિયન એરલાઇન્સે મોટો નિર્ણય લીધો છે, એરલાઇને કહ્યું છે કે તે હવેથી અમેરિકાથી ફિલિપાઈન્સ આ કૂકડા નહીં લઇ જાય. આ નિર્ણયને પગલે અમેરિકાએ મોટું નુકસાન થશે.
ફિલિપાઈન્સમાં કૂકડા લડાવવાનો ખતરનાક ક્રેઝ જોવા મળે છે, જેને સ્થાનિક ભાષામાં સબોંગ તરીકે ઓળખવામાં આવે છે. કૂકડા લડાવવાનો આશરે વાર્ષિક એક બિલિયન ડોલર એટલે કે આશરે ૮૩૦૦ કરોડનો બિઝનેસ છે.
ફિલિપાઈન્સમાં અનેક સ્થળે તેનું આયોજન થતું હોય છે, કૂકડા લડાવવા માટે વિશેષ સ્ટેડિયમો અને ફાઇટ રિંગ પણ તૈયાર કરવામાં આવેલા છે. કૂકડા ફાઇટને જોવા માટે હજારો લોકો આવતા હોય છે.
આ ખેલને ખુની કે વધુ ઘાતકી બનાવવા માટે કૂકડાને ચાકુ બાંધીને પણ લડાવવામાં આવે છે. જેને પગલે પશુઓના અધિકારો માટે કામ કરતી સંસ્થાઓ તેનો વિરોધ કરી રહી છે.
એક અનુમાન મુજબ અમેરિકા દર વર્ષે આશરે ૪૦ હજારથી વધુ લડાકુ કૂકડા ફિલિપાઈન્સમાં નિકાસ કરે છે સારી ક્વોલિટીના એક કૂકડાની કિંમત બે હજાર ડોલર એટલે કે આશરે રૂ. ૧.૫ લાખ સુધી હોય છે, વાર્ષિક ૯૦૦ કરોડ રૂપિયાનો નિકાસ બિઝનેસ છે. જે હવે ઠપ થવાની શક્યતાઓ છે. કેમ કે અમેરિકાથી ફિલિપાઈન્સ આ કૂકડા લઇ જવાનું કામ સંભાળી રહેલી કોરિયન એરલાઇને મોટો નિર્ણય લીધો છે. પશુઓ પર અત્યાચારને ધ્યાનમાં રાખીને એરલાઇને કહ્યું છે કે તે હવેથી અમેરિકાથી ફિલિપાઈન્સ કૂકડા લઇ જવાનું કામ નહીં કરે. હાલ પુરતા મુરઘા ટ્રાન્સપોર્ટ કરવાનું કામ અટકાવી દેવામાં આવ્યું છે.


