H-1B જટિલતા : IT પ્રોફેશનલ માતાને અંતિમ વિદાય ન આપી શક્યો | H 1B complication: IT professional unable to bid final farewell to mother

![]()
લિંક્ડઈન પર કડવો અનુભવ શેર કર્યો
માતા સ્ટેજ-4 ફેફસાંના કેન્સર સાથે 17 દિવસથી હોસ્પિટલમાં દાખલ હતી : એપોઈન્ટમેન્ટ માટે ૨૬ દિવસ સુધી પ્રયાસ કર્યો
ન્યૂયોર્ક: અમેરિકામાં વસતા હજારો ભારતીય આઈટી પ્રોફેશનલ્સ માટે વિઝા પ્રક્રિયાની જટિલતાને કારણે કરુણ ઘટના સામે આવતી હોય છે. તાજેતરમાં એચ-૧બી વિઝા પ્રક્રિયામાં વિલંબને કારણે અમેરિકામાં કામ કરતા એક ભારતીય ટેક પ્રોફેશનલ માતાને અંતિમ વખત મળી શક્યા નહોતા. આ અનુભવ તેમણે પ્રોફેશનલ સોશિયલ નેટવર્કિંગ સાઈટ લિંક્ડઈન પર શેર કર્યો હતો.
અમેરિકામાં ઘણા સમયથી કાર્યરત એન્જિનિયરે જણાવ્યું કે વીઝા સ્ટેમ્પિંગ માટે એપોઇન્ટમેન્ટ ન મળતા તેઓ ભારતમાં જઈ શક્યા નહોતા. તેમની માતા સ્ટેજ-૪ ફેફસાંના કેન્સરથી પીડાઈ રહી હતી અને ૧૭ દિવસ સુધી હોસ્પિટલમાં દાખલ હતી. તેમણે ઇમરજન્સી એપોઇન્ટમેન્ટ મેળવવા માટે સતત ૨૬ દિવસ સુધી પ્રયાસ કર્યો. તેમણે દૂતાવાસને હોસ્પિટલના દસ્તાવેજો મોકલ્યા અને વારંવાર સ્લોટ તપાસ્યા. તેમ છતાં સમયસર એપોઇન્ટમેન્ટ મળી નહોતી.
એચ-૧બી વિઝા નિયમોની જટિલતાને કારણે તેઓ મુશ્કેલીમાં મૂકાઈ ગયા હતા. જો તેઓ એપોઇન્ટમેન્ટ વગર ભારત જતા તો અમેરિકા પરત ફરવામાં મહિનાઓ લાગત.
આ સાથે જ તેમની નોકરી તથા કાનૂની સ્થિતિ જોખમમાં મુકાવવાની ભીતિ હતી. તેમની પાસે બે મુશ્કેલ વિકલ્પો હતા. જેમાંથી તેમણે એક પસંદ કરવો પડયો અને તેમણે ફોન પર જ માતા સાથે વાત કરી. આ ઘટનાને તેમણે જીવનની સૌથી દુઃખદ ઘટના ગણાવીને કહ્યું કે, આ પીડા તેઓ જીવનભર સાથે લઈને જીવશે.


