दुनिया

ઇરાનમાં હાઈ એલર્ટ અમેરિકા હાઇપરસોનિક મિસાઇલ ગોઠવવાની તૈયારીમાં | High alert in Iran America preparing to deploy hypersonic missiles



– ઇરાનનો નવો સમજુતી પ્લાન અમેરિકાએ ફગાવી દેતા તંગદિલી વધી

– પહેલા અમેરિકા અને પછી ઇઝરાયેલ ફરી હુમલા કરશે તેવા સંકેતો મળી જતા ઇરાને પોતાની ડિફેન્સ સિસ્ટમ સક્રિય કરી

– ઓછા સમયમાં મોટું નુકસાન થાય તેવો ઇરાન પર હુમલો કરવા ટ્રમ્પ-સૈન્ય અધિકારીઓ વચ્ચે 45 મિનિટ ચર્ચા

વોશિંગ્ટન : અમેરિકા અને ઇરાન થોડા દિવસોના વિરામ બાદ ફરી યુદ્ધ તરફ ધકેલાઇ રહ્યા છે. એક તરફ અમેરિકાએ પોતાના સૌથી આધુનિક હથિયાર ડાર્ક ઇગલ હાઇપરસોનિક મિસાઇલને ઇરાન સામે તૈનાત કરવાની તૈયારી કરી લીધી છે જ્યારે બીજી તરફ ઇરાને પોતાની એર ડિફેન્સ સિસ્ટમને ફરી એક્ટિવ કરી લીધી છે. તેથી ગમે ત્યારે ઇરાન અને અમેરિકાની વચ્ચે ફરી યુદ્ધ ફાટી નીકળે તેવી શક્યતાઓ છે. જેને પગલે હોર્મુઝ ખાડીમાં પણ તંગદીલી વધી શકે છે જેની ભારત સહિત સમગ્ર વિશ્વ પર અસર પડશે. 

મિડલ ઇસ્ટમાં ફરી એક વખત તંગદીલીના સંકેતો મળી રહ્યા છે, અમેરિકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે યુએસ સેન્ટ્રલ કમાન્ડના અધિકારીઓની સાથે બેઠક યોજી હતી, ૪૫ મિનિટ સુધી ચાલેલી આ બેઠકમાં સેન્ટ્રલ કમાન્ડના અધિકારીઓએ ટ્રમ્પને ઇરાન સાથેની તંગદીલી સહિતની તમામ માહિતી આપી હતી. આ ઉપરાંત ઇરાન સામે નવી સૈન્ય રણનીતિ પર પણ વિસ્તારથી ચર્ચા કરવામાં આવી હતી. જો અમેરિકી સૈન્ય નાકાબંધી કરે તો તેવી સ્થિતિમાં ઇરાન તેની આસપાસના અમેરિકી સૈન્ય મથકો પર હુમલો કરી શકે છે તે મુદ્દા પર પણ ચર્ચા કરવામાં આવી હતી. 

એવામાં ઓછા સમયમાં મોટા હુમલાની યોજના અમેરિકા ઘડી રહ્યું છે. જેને શોર્ટ એન્ડ ઇંટેન્સ તરીકે ઓળખવામાં આવે છે. આ કાર્યવાહીમાં ઇરાનના મહત્વપૂર્ણ ઇન્સ્ફાસ્ટ્રક્ચર, સૈન્ય મથકો વગેરેને નિશાન બનાવવામાં આવી શકે છે. એટલુ જ નહીં અમેરિકા ઇરાન સામે હાઇપરસોનિક મિસાઇલ ડાર્ક ઇગલનો ઉપયોગ કરવા અંગે પણ વિચારી રહ્યું છે. આ મિસાઇલો ઇરાનના મિસાઇલ લોન્ચર્સનો ખાતમો બોલાવવા માટે છોડવામાં આવી શકે છે. ઇરાને આ મિસાઇલ લોન્ચર્સ એટલા અંતરિયાળ વિસ્તારમાં લગાવ્યા છે કે જ્યાં અમેરિકા હાલ પહોંચી શકે તેમ નથી.  બીજી તરફ ઇરાને પોતાની એર ડિફેન્સ સિસ્ટમને એક્ટિવ કરી દીધી છે. જો અમેરિકા અથવા ઇઝરાયેલ દ્વારા હુમલો કરવામાં આવે તો આક્રામક રીતે વળતો જવાબ આપવાની પણ ઇરાને યોજના ઘડી છે. 

ઇરાનને એવા સંકેતો મળી ગયા છે કે ગમે ત્યારે અમેરિકા દ્વારા નાનો અથવા ઘાતક હુમલો થઇ શકે છે. જે બાદ ઇઝરાયેલ પણ હુમલો કરી શકે છે. આ તમામ પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને ઇરાન પણ હવે સ્વરક્ષા માટે અને જવાબી હુમલા માટે તૈયાર થઇ ગયું છે. જેને પગલે મિડલ ઇસ્ટમાં ફરી તંગદીલી વધી શકે છે. અત્યાર સુધી થયેલા ઘર્ષણને પગલે ઇરાન અને અમેરિકા બન્નેએ હોર્મુઝની ખાડીને બંધ કરી દીધી હતી. જેને પગલે હાલમાં સમુદ્રમાં આશરે ૪૧ ઓઇલ ટેન્કરો ફસાયેલા છે. અમેરિકાનું સૈન્ય હાલ હોર્મુઝ ખાડી આસપાસ તૈનાત છે જે ઇરાનના ઓઇલ ટેન્કરોને અટકાવી રહ્યું છે. જેને પગલે કેટલાક જહાજોએ પોતાની ટ્રેકિંગ સિસ્ટમ જ બંધ કરી દીધી છે. ઇરાન પાસેથી ચીન સૌથી વધુ ક્રૂડ ઓઇલની ખરીદી કરે છે. ઇરાનની કુલ નિકાસનો ૮૦ ટકા હિસ્સો ચીન જાય છે. એવામાં અમેરિકાએ ઇરાનના ઓઇલ ટેન્કરો અટકાવીને ચીનને પણ ભીસમાં લઇ લીધું છે. એવા અહેવાલો છે કે ઇરાને સમજુતી માટે અમેરિકાને નવો પ્લાન આપ્યો હતો જોકે અમેરિકાએ આ પ્લાન નકારી દીધો છે જેને પગલે હાલ વાટાઘાટો ફરી ટળી ગઇ છે તેથી તંગદીલી વધી શકે છે.  

યુએઇએ પોતાના નાગરિકોને ઇરાન, ઇરાક, લેબનોન છોડવા કહ્યું

તહેરાન : ઇરાન અને અમેરિકા-ઇઝરાયેલ વચ્ચે ફરી તંગદીલીના સંકેતો વચ્ચે સંયુક્ત અરબ અમીરાત યુએઇએ પોતાના નાગરિકોને તાત્કાલીક ઇરાન, ઇરાક અને લેબનોન છોડી દેવાની સલાહ આપી છે. એટલુ જ નહીં હાલની પરિસ્થિતિને જોતા આ ત્રણેય દેશોમાં જવા પર પ્રતિબંધ પણ મુકી દીધો છે. ઇઝરાયેલના સંરક્ષણ મંત્રી કાટ્ઝે કહ્યું હતું કે હાલ સ્થિતિ એવી છે કે ઇરાન સામે અમારે ફરી કાર્યવાહી કરવી પડી શકે છે. 

અમેરિકાથી બે મોટા જહાજ અને યુદ્ધ વિમાનો ઇઝરાયેલ પહોંચ્યા છે. બીજી તરફ ઇરાન પર હુમલો કરવા માટે અમેરિકા અને ઇઝરાયેલ આસપાસના જે દેશોનો ઉપયોગ કરી રહ્યા છે તેના પર ઇરાન વળતા હુમલાની તૈયારીમાં છે. એવામાં ઇઝરાયેલે યુએઇમાં પોતાનુ આયર્ન બીમ તૈનાત કરી દીધુ છે. આ હથિયાર લેઝર સંચાલીત છે અને ઇરાનના ડ્રોનને હવામાં તોડી પાડવાની ક્ષમતા ધરાવે છે.  



Source link

Related Articles

Back to top button