ઈરાન પર ફરી મોટા હુમલાની તૈયારી? અમેરિકાએ 24 કલાકમાં ઈઝરાયલ મોકલ્યા 6500 ટન વિસ્ફોટક | US Sends 6500 Tons Of Ammo To Israel As Trump Weighs Strike Plan On Iran

![]()
America Attack Plan On Iran : અમેરિકા-ઈરાન વચ્ચે ફરી મહાયુદ્ધ થવાના ભણકારા વાગી રહ્યા છે. અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ ઈરાન પર હુમલા કરવાની તૈયારીમાં હોવાની વિગતો સામે આવી છે. રિપોર્ટ મુજબ, અમેરિકી સેન્ટ્રલ કમાન્ડના કમાન્ડર બ્રેડ કૂપર અને જોઇન્ટ ચીફના ચેરમેને ટ્રમ્પ સાથે લગભગ 45 મિનિટ સુધી વાતચીત કરી છે, જેમાં ઈરાન પર હુમલા માટે ત્રણ યોજના તૈયાર હોવાની ટ્રમ્પને માહિતી આપી છે, તેવો એક્સિઓસે દાવો કર્યો છે.
અમેરિકાએ ઈઝરાયલને સૈન્ય સાધનો મોકલ્યા
અમેરિકન સૈન્યના ટોચના અધિકારીઓ અને ટ્રમ્પ વચ્ચેની બેઠક બાદ ઈરાન પર ભયાનક હુમલાની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે. એટલું જ નહીં, ‘ધ ઈઝરાયલ ટાઇમ્સ’ અને ‘ધ જેરુસલેમ પોસ્ટે’ના રિપોર્ટના દાવા મુજબ અમેરિકાએ માત્ર 24 કલાકમાં ઈઝરાયેલને આશરે 6,500 ટન દારૂગોળો અને સૈન્ય સાધન-સામગ્રી મોકલી છે. આનાથી સ્પષ્ટ દેખાઈ રહ્યું છે કે, ટ્રમ્પ ગંભીર યોજના બનાવીને ઈરાન સાથેનો વિવાદ ખતમ કરવા મથી રહ્યા છે. જ્યારથી યુદ્ધ શરૂ થયું, ત્યારથી અમેરિકન સેન્ટ્રલ કમાન્ડને મધ્ય-પૂર્વમાં સૈન્ય અભિયાનો પુરા કરવાની કામગીરી સોંપાઈ છે અને તેઓએ જ ઈરાનના પોર્ટ પર નાકાબંધી કરીને રાખી છે.
વિમાનો-જહાજો દ્વારા અનેક ટન હથિયારો મોકલાયા
દાવામાં ઈઝરાયલી સંરક્ષણ મંત્રાલયને ટાંકીને કહેવાયું છે કે, અમેરિકાના બે કાર્ગો શીપ અને અનેક વિમાનો ઈઝરાયલ પહોંચ્યા છે. તેમાં હવાઈ અને જમીની હુમલામાં ઉપયોગ થતો 6500 ટન દારુગોળો, સૈન્ય ટ્રક, જોઈન્ટ લાઈટ ટેક્ટિકલ વ્હીકલ્સ અને અન્ય સૈન્ય સાધનો સામેલ હતા. ઉલ્લેખનીય છે કે, યુદ્ધ શરૂ થયા બાદ અમેરિકાએ ઈઝરાયલને લગભગ 1,15,600 ટન સૈન્ય સામગ્રી મોકલી દીધી છે. મંત્રાલયના જણાવ્યા મુજબ, ઈરાન વિરુદ્ધ ઓપરેશન રોરિંગ લાયન શરૂ કર્યા બાદ અમેરિકાએ 403 વિમાનો દ્વારા અને 10 દરિયાઈ જહાજો દ્વારા 1,15,600 સૈન્ય સાધનો ઈઝરાયલને મોકલાવ્યા છે.
ઈરાન પર બોંબની વર્ષા કરવાનો પ્લાન
એક્સિઓસના રિપોર્ટ મુજબ, અમેરિકી સેન્ટ્રલ કમાન્ડે ઈરાન પર હુમલો કરવા માટે નવી યોજના બનાવી છે. સૂત્રો મુજબ, અમેરિકા ઈરાન પર નાનો પણ જોરદાર હુમલો કરીને ઈન્ફ્રાસ્ટ્રક્ચરને નષ્ટ કરવાની યોજના વિચારી રહ્યું છે. તેઓને આશા છે કે, આમ કરીને ઈરાન પર દબાણ વધશે અને તે વાતચીત કરવા માટે માની જશે. અમેરિકન સેનાને આશા છે કે, બોંબનો વરસાદ થશે તો ઈરાન પરમાણુ મુદ્દે અમારી શરતો પર વાતચીત કરવા ઢીલું પડી જશે.
આ પણ વાંચો : મ્યાનમારના નેતા આંગ સાન સૂ કી જેલમુક્ત, ઘરમાં જ નજરકેદ રહેશે! સત્તા પર હજુ સૈન્યનો કબજો



