ટ્રમ્પના અલ્ટિમેટમ બાદ અમેરિકા-ઈરાન ડીલ પર સસ્પેન્સ! 48 કલાકમાં ત્રીજી વખત પાકિસ્તાન પહોંચ્યા અરાઘચી | iran foreign minister abbas araghchi pakistan visit us talks

![]()
Abbas Araghchi Pakistan visit 2026: અમેરિકા અને ઈરાન વચ્ચે અત્યારે સીઝફાયર તો અમલમાં છે, પરંતુ બંને દેશો વચ્ચે વાતચીત થશે કે નહીં તેને લઈને ભારે રહસ્ય સર્જાયું છે. શરતોના પુલિંદા એકબીજાને સોંપવાની પ્રક્રિયા વચ્ચે ઈરાનના વિદેશ મંત્રી અબ્બાસ અરાઘચી સુપર એક્ટિવ મોડમાં જોવા મળી રહ્યા છે. છેલ્લા 48 કલાકમાં અરાઘચીની આ ત્રીજી પાકિસ્તાન મુલાકાત છે, જેણે વૈશ્વિક રાજનીતિમાં હલચલ મચાવી દીધી છે.
રશિયાથી સીધા ઈસ્લામાબાદ પહોંચ્યા
અબ્બાસ અરાઘચીની આ મુલાકાત રશિયા અને ઓમાન સહિતના દેશોની હાઈ-પ્રોફાઈલ બેઠકો બાદ થઈ રહી છે. તેઓ રશિયાના પ્રવાસેથી પરત ફર્યા બાદ સીધા પાકિસ્તાનની રાજધાની ઈસ્લામાબાદ પહોંચ્યા છે. નિષ્ણાતો માને છે કે, પાકિસ્તાન આ વિવાદમાં મધ્યસ્થી તરીકે મોટી ભૂમિકા ભજવી રહ્યું હોય તેવું લાગી રહ્યું છે.
હોર્મુઝની શરત પર ટ્રમ્પની નારાજગી
અરાઘચીનો આ પ્રવાસ એવા સમયે થઈ રહ્યો છે જ્યારે અમેરિકી રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ ઈરાનની હોર્મુઝ વાળી શરતથી નાખુશ છે. ઈરાને પ્રસ્તાવ મૂક્યો છે કે જો અમેરિકા તેના પરના આર્થિક પ્રતિબંધો હટાવી લે, તો તે હોર્મુઝ સ્ટ્રેટથી જહાજોની અવરજવર સામાન્ય કરી દેશે. ટ્રમ્પ પ્રશાસને સ્પષ્ટ શબ્દોમાં કહી દીધું છે કે તેમને આ શરત મંજૂર નથી.
સંયુક્ત રાષ્ટ્રની પણ ટકોર
યુએન (UN) ના મહાસચિવ એન્ટોનિયો ગુટેરેસે પણ ઈરાનને હોર્મુઝ સ્ટ્રેટ ખોલવા અપીલ કરી છે. તેમણે ટકોર કરી છે કે, આ આંતરરાષ્ટ્રીય જળમાર્ગ પર કોઈ પણ પ્રકારનો ટોલ વસૂલવો જોઈએ નહીં કે કોઈ પણ પ્રકારનો ભેદભાવ રાખવો જોઈએ નહીં.
શું નવો પ્રસ્તાવ તૈયાર છે?
ટ્રમ્પની નારાજગી અને યુએન (UN) ની કડક ટકોર બાદ અરાઘચીની ઈસ્લામાબાદ મુલાકાત ખૂબ જ મહત્વપૂર્ણ માનવામાં આવે છે. રાજદ્વારી વર્તુળોમાં એવી ચર્ચા છે કે અરાઘચી પાકિસ્તાન મારફતે અમેરિકાને કોઈ નવો અને નરમ પ્રસ્તાવ મોકલી શકે છે, જેથી વાતચીતનો રસ્તો ખુલ્લો થાય. જોકે, ઈરાન તરફથી હજુ સુધી આ અંગે કોઈ સત્તાવાર નિવેદન આવ્યું નથી.



