ચીને ઘાતક હથિયાર તૈયાર કર્યું, ભારત માટે પણ ખતરો! S-400 અને AWACS પણ ફેલ થશે… | china atlas drone swarm system india security threat

China Atlas Drone Swarm System: આધુનિક યુદ્ધના મેદાનમાં હવે વિજયનો નિર્ધાર માત્ર ટેન્કોની સંખ્યા કે તોપોની ગર્જનાથી નહીં, પણ આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ (AI) અને અત્યાધુનિક ટેકનોલોજી દ્વારા કરવામાં આવશે. આ દિશામાં ચીનની પીપલ્સ લિબરેશન આર્મી (PLA) એ એક એવું કદમ ઉઠાવ્યું છે જેણે સમગ્ર વિશ્વની સૈન્ય શક્તિઓને વિચારતી કરી દીધી છે. ચીને હાલમાં જ ‘એટલાસ’ (Atlas) ડ્રોન સ્વોર્મ સિસ્ટમ બનાવી છે. નિષ્ણાતો માને છે કે, આ સિસ્ટમ ભવિષ્યના યુદ્ધોમાં સૌથી ઘાતક સાબિત થઈ શકે છે.
શું છે એટલાસ ડ્રોન સ્વોર્મ સિસ્ટમ?
એટલાસ એ માત્ર ડ્રોનનું જૂથ નથી, પરંતુ એક અત્યંત જટિલ અને બુદ્ધિશાળી લશ્કરી સિસ્ટમ છે. તેની સૌથી મોટી વિશેષતા તેની સાદગી અને સંહારક શક્તિનો સમન્વય છે. આ સિસ્ટમની ડિઝાઈન એવી છે કે માત્ર એક જ ઓપરેટર એકસાથે આશરે 100 ડ્રોનને નિયંત્રિત કરી શકે છે. એટલે કે, યુદ્ધના મેદાનમાં એક સૈનિક માત્ર એક ટચ સ્ક્રીન દ્વારા આખું ડ્રોન આક્રમણ કરી પણ શકે છે અને એકલા હાથે કંટ્રોલ પણ કરી શકે છે. આ માટે કોઈ મોટા એરબેઝ કે રનવેની જરૂર નથી. તે એક મોબાઈલ પ્લેટફોર્મ છે, જેને ટ્રક કે વાહન પર લાદીને ગમે ત્યાં લઈ જઈ શકાય છે અને ગણતરીની મિનિટોમાં હુમલો કરી શકાય છે.
કેવી રીતે કામ કરે છે આ હથિયાર?
એટલાસ સિસ્ટમ મુખ્યત્વે ત્રણ ભાગોમાં વહેંચાયેલી છે, જે તેને અત્યંત કાર્યક્ષમ બનાવે છે. ગ્રાઉન્ડ કોમ્બેટ વ્હીકલ આ વાહનમાં ડઝનબંધ ડ્રોન લોડ કરેલા હોય છે. કમાન્ડ વ્હીકલમાં આખા નેટવર્કનું મગજ છે, જે એકસાથે 96 જેટલા ડ્રોનને સૂચના આપી શકે છે. જ્યારે સપોર્ટ યુનિટ લોજિસ્ટિક્સ અને પાવર સપ્લાયની દેખરેખ રાખે છે. તેની લોન્ચિંગ ક્ષમતા આશ્ચર્યજનક છે. આ સિસ્ટમ દર ત્રણ સેકન્ડમાં એક ડ્રોન લોન્ચ કરી શકે છે. જેનો અર્થ થયો કે માત્ર 5 મિનિટમાં 100 ડ્રોન હવામાં ફેલાઈ જશે અને દુશ્મન પર તૂટી પડશે.
ડ્રોનની વિચારવાની ક્ષમતા સૌથી મોટો ખતરો
આ ડ્રોનની અસલી શક્તિ તેની સંખ્યામાં નથી, પણ તેની સ્વાયત્તતામાં છે. આ ડ્રોન માત્ર કમાન્ડરના આદેશનું પાલન નથી કરતા, પણ AI ના કારણે તે પોતાની રીતે નિર્ણય લેવા સક્ષમ છે. જો હુમલા દરમિયાન કેટલાક ડ્રોન દુશ્મનની ગોળીબારમાં નાશ પામે, તો બાકીના ડ્રોન હાર માનતા નથી. તેઓ આપમેળે પોતાની વ્યૂહરચના બદલી નાખે છે અને લક્ષ્ય તરફ આગળ વધે છે. આ ડ્રોન હવામાં એકબીજા સાથે સતત વાતચીત (કોઓર્ડિનેશન) કરે છે. તેઓ સમજે છે કે, કયા ડ્રોને કઈ દિશામાંથી હુમલો કરવાનો છે જેથી દુશ્મનને બચવાની તક ન મળે.
S-400 અને AWACS સામેનું જોખમ
ભારત પાસે રશિયાની એસ-400 (S-400 Triumf) જેવી અત્યાધુનિક એર ડિફેન્સ સિસ્ટમ છે, જે મિસાઈલો અને ફાઈટર જેટ્સને તોડી પાડવામાં માહેર છે. પરંતુ ડ્રોન સ્વોર્મ સામે આ સિસ્ટમ્સ પડકાર સાબિત થઇ શકે છે. જ્યારે 100 નાના ડ્રોન અલગ-અલગ ઊંચાઈ અને અલગ-અલગ દિશામાંથી એકસાથે આવે છે, ત્યારે રડાર માટે દરેકને ટ્રેક કરવા મુશ્કેલ બને છે. મોંઘી મિસાઈલો સસ્તા ડ્રોન પાછળ વાપરવી આર્થિક રીતે પણ નુકસાનકારક છે. જો એક મિસાઈલ એક ડ્રોનને પાડે, તો પણ બાકીના 99 ડ્રોન હુમલો ચાલુ રાખી શકે છે. હાલના યુક્રેન-રશિયા યુદ્ધમાં પણ જોવા મળ્યું છે કે નાના ડ્રોને મોટા સર્વેલન્સ વિમાનો અને અબજોના સંરક્ષણ સિસ્ટમને નુકસાન પહોંચાડ્યું છે.

ભારત માટે ચિંતાનું કારણ
ભારત અને ચીન વચ્ચે વાસ્તવિક નિયંત્રણ રેખા (LAC) પર સતત તણાવ રહે છે. ચીને તિબ્બત અને લદ્દાખની સરહદે ઈન્ફ્રાસ્ટ્રક્ચરની જાળ બિછાવી છે.સરહદી પડકારો: ચીન માટે આ મોબાઈલ એટલાસ સિસ્ટમને હિમાલયના દુર્ગમ વિસ્તારોમાં તૈનાત કરવી સરળ છે. યુદ્ધની સ્થિતિમાં આ ડ્રોન ભારતીય સૈનિકોની સપ્લાય લાઇન, પુલો, રસ્તાઓ અને પોસ્ટ્સને નિશાન બનાવી શકે છે. ઊંચાઈવાળા વિસ્તારોમાં નાના ડ્રોનને પકડવા વધુ મુશ્કેલ બને છે, જે ભારતીય વાયુસેના અને પાયદળ માટે માથાનો દુખાવો બની શકે છે.
નિકાસની શક્યતા અને વૈશ્વિક અસર
શું ચીન આ સિસ્ટમ અન્ય દેશોને વેચશે? સામાન્ય રીતે અમેરિકા જેવા દેશો પોતાની ટોપ-સીક્રેટ ટેકનોલોજી વેચતા નથી. પરંતુ ચીને ભૂતકાળમાં અનેક દેશોને પોતાના ડ્રોન વેચ્યા છે. જો આ ટેકનોલોજી પાકિસ્તાન જેવા દેશો પાસે પહોંચે, તો ભારત માટે સુરક્ષાનું જોખમ બેવડાઈ શકે છે.
ભવિષ્યનું યુદ્ધ ઇન્ટેલિજન્ટ વોરફેર
ચીનની સૈન્ય વ્યૂહરચના હવે ઇન્ટેલિજન્ટ વોરફેર પર આધારિત છે. તેઓ માને છે કે આવનારા સમયમાં માનવરહિત હથિયારો જ યુદ્ધ જિતશે. ઇઝરાયલ-ઈરાન સંઘર્ષ અને રશિયા-યુક્રેન યુદ્ધે સાબિત કરી દીધું છે કે પરંપરાગત સૈન્ય શક્તિ હવે ડ્રોન ટેકનોલોજી સામે અપૂરતી છે. ભારત માટે આ એક ચેતવણી છે. જોકે ભારત પણ પોતાનું ડ્રોન નેટવર્ક અને ‘એન્ટી-ડ્રોન’ સિસ્ટમ વિકસાવી રહ્યું છે, પરંતુ ચીનની આ ‘એટલાસ’ સિસ્ટમ એ સાબિત કરે છે કે હવે યુદ્ધ જીતવા માટે માત્ર બહાદુરી નહીં, પણ શ્રેષ્ઠ આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ અને ટેકનોલોજીની જરૂર પડશે.



