दुनिया

ચીનની યુનિ.માં હ્યુમનોઈડ રોબોટ વિદ્યાર્થિનીને ભેટી પડતા વિવાદ સર્જાયો | Controversy erupts after humanoid robot hugs student at Chinese university



– જાહેર કાર્યક્રમમાં ડાન્સ કરી રહેલો રોબોટ બેકાબુ બન્યો

– આ ઘટનાએ રમૂજ અને ચિંતા બંને જગાવ્યા, રોબોટના વધતા વપરાશ પછી તેના નિયંત્રણ બાબતે ચર્ચા છેડાઈ

બેઈજિંગ : ચીનમાં યુનિવર્સિટી ખાતે પરફોર્મ કરી રહેલો હ્યુમનોઈડ રોબોટ અચાનક એક વિદ્યાર્થિની તરફ આગળ વધ્યો અને તેને આલિંગન આપી દેતા દર્શકો સ્તબ્ધ થઈ ગયા હતા. સ્ટાફે તુરંત હસ્તક્ષેપ કર્યો અને રોબોટને ખેંચીને લઈ ગયા. શાન્ક્સી પ્રાંતમાં યુનિવર્સિટી ખાતે વીડિયોમાં ઝડપાયેલી આ ઘટના તુરંત વાયરલ થઈ હતી તેમજ જાહેર સ્થળોએ રોબોટના વર્તન અને નિયંત્રણ બાબતે સવાલો ઊભા થયા હતા. ચીનમાં રોબોટના જાહેર ક્ષેત્રમા વધી રહેલા વપરાશને કારણે આ ઘટનાએ સામાન્ય લોકો તેમજ નિષ્ણાંતોમાં ચિંતાના લાગણી જન્માવી છે.

આ અસાધારણ ઘટનાથી ચીની સોશિયલ મીડિયા પર વ્યાપક ચર્ચા છેડાઈ. કેટલાક વપરાશકારોએ અટકળ લગાવી કે રોબોટે કોઈ પ્રકારની સ્વતંત્ર સભાનતા કેળવી હશે,જ્યારે કેટલાકે સવાલ ઊભો કર્યો કે આ કૃત્ય રિમોટ કંટ્રોલ દ્વારા હેતુપૂર્વક કરવામાં આવ્યું હશે. યુનિવર્સિટી સ્ટાફે સ્પષ્ટતા કરી કે આ પગલુ આયોજિત નહોતું અને પરફોર્મન્સ દરમ્યાન થઈ ગયેલી એક ટેકનીકલ ક્ષતિ હતી.

વધુ ખુલાસામાં રોબોટની એઆઈ સીસ્ટમમાં ક્ષતિ થઈ હોવાની જાણ થઈ. રોબોટની જોગવાઈ કરનાર કંપનીએ પછી તેના આ વર્તન માટે સ્થળ ખાતેના સિગ્નલ હસ્તક્ષેપને જવાબદાર ગણાવ્યું. કાર્યક્રમ દરમ્યાન એકસાથે કાર્યરત રહેલા બહુવિધ ડ્રોન્સને કારણે કોમ્યુનિકેશન સીસ્ટમોમાં વિક્ષેપ થતા રોબોટનું વર્તન અસાધારણ બન્યુ હોવાનો કંપનીએ દાવો કર્યો. વધુ વિશ્લેષણ માટે રોબોટને કંપની પાસે પાછો મોકલવામાં આવ્યો છે.

નિષ્ણાંતોએ જણાવ્યું કે આ ઘટનાને ઉપકરણમાં ચેતના આવી શકે તેના પુરાવા તરીકે ન ગણવી જોઈએ. આર્ટિફિશિયલ ઈન્ટેલીજન્સ વિશેષજ્ઞાોએ નોંધ કરી કે આવા રોબોટ વિશિષ્ટ રીતે અગાઉથી નિર્ધારીત હલનચલન આદેશો પર આધાર રાખે છે અને તેમની અસાધારણ ગતિવિધિ અમલમાં ક્ષતિ અથવા તો વાતાવરણમાં વિક્ષેપને કારણે થઈ શકે છે. તેમણે સ્પષ્ટતા કરી કે ખરી ચિંતા એ છે કે માનવી સાથે વાસ્તવિક સંપર્ક રોકવામાં સુરક્ષા સીસ્ટમો શા માટે નિષ્ફળ ગઈ.

ચીનમાં જાહેર સ્થળોએ પરફોર્મન્સથી લઈને હોટલો અને હોસ્પિટલોમાં સેવા આપવા સુધી રોબોટ સામાન્ય બની રહ્યા હોવાથી આ ઘટનાએ ચિંતા સર્જી છે. નિષ્ણાંતોએ જોખમ મૂલ્યાંકન, ઈમરજન્સીમાં રોબોટને અટકાવી દેવાની યંત્રણા અને માનવીય દેખરેખ સહિતના સુરક્ષા ધોરણો સખત બનાવવાની અપીલ કરી છે. હવે જ્યારે માનવી અને રોબોટ વચ્ચેનો સંપર્ક વધી રહ્યો છે ત્યારે આધુનિક ટેકનોલોજીમાં વિશ્વાસ જળવાઈ રહે તેના માટે સલામતી અને વિશ્વસનીયતા મહત્વના રહે તે સુનિશ્ચિત કરવાની જરૂર છે.



Source link

Related Articles

Back to top button