दुनिया

ટ્રમ્પ ફરી ‘ટાર્ગેટ’: હુમલાખોર પકડાયો | Trump ‘targeted’ again: Attacker arrested



– હિલ્ટન હોટેલમાં આયોજિત ડીનર પાર્ટીમાં ગોળીબારથી ચકચાર

– આવા કોઈપણ કાયરતાપૂર્ણ હુમલા મને ઈરાન સામે જીતતા રોકી નહીં શકે, મારા મિશનમાં જરા પણ પાછીપાની નહીં કરું : ટ્રમ્પ

વોશિંગ્ટન : દુનિયાના સૌથી શક્તિશાળી દેશ અમેરિકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે વોશિંગ્ટન સ્થિત હિલ્ટન હોટેલમાં પહેલી વખત વ્હાઈટ હાઉસ કોરસપોન્ડન્ટ્સ એસોસિએશન ડીનરમાં હાજરી આપી હતી અને તેઓ અમેરિકન મીડિયા અને સેલિબ્રિટીઓથી ઘેરાયેલા હતા તેવા સમયે શનિવારે સાંજે તેમના પર ત્રીજી વખત જીવલેણ હુમલો થયો હતો. જોકે, હુમલાખોર બંદૂક અને ચાકુ સાથે હોટેલમાં ડીનર પાર્ટી ચાલતી હતી ત્યાં પહોંચે તે પહેલા લોબીમાં જ સિક્રેટ સર્વિસના એજન્ટ્સે તેને ઝડપી લીધો હતો. 

જોકે, લોબીમાં ગોળીબારના અવાજો થતાં બોલ રૂમમાં હોબાળો મચી ગયો હતો. સિક્રેટ સર્વિસના એજન્ટ્સ પ્રમુખ ટ્રમ્પ, ફર્સ્ટ લેડી મેલાનિયા, ઉપપ્રમુખ જેડી વેન્સ સહિતની સેલિબ્રિટીઓને સુરક્ષિત બહાર કાઢી લીધા હતા. જોકે, આ હુમલામાં એક એજન્ટને ગોળી વાગી હતી.

વોશિંગ્ટન ડીસીમાં હિલ્ટન હોટેલમાં વ્હાઈટ હાઉસ દ્વારા આયોજિત હાઈ પ્રોફાઈલ મીડિયા જમાવડા ‘વ્હાઈટ હાઉસ કોરેસ્પન્ડેન્ટ્સ ડીનર’માં અમેરિકન પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ, ફર્સ્ટ લેડી મેલાનિયા, ઉપપ્રમુખ જેડી વાન્સ, કેબિનેટ મંત્રીઓ સહિત અનેક મીડિયા જગત તથા અન્ય સેલિબ્રિટીઓ ડિનર કાર્યક્રમની મઝા માણી રહ્યા હતા. પ્રખ્યાત માઈન્ડ રીડર ઓઝ પર્લમેન પરફોર્મ કરી રહ્યા હતા તેવા સમયે અચાનક જ હોટેલના બોલરૂમની બહાર લોબીમાં ગોળીબારના અવાજો સંભળાતા આમંત્રિત મહેમાનોમાં ભારે ગભરાટ ફેલાઈ ગયો હતો અને તેઓ ટેબલોની નીચે છુપાઈ ગયા હતા.

ગોળીબારનો અવાજ થતાં ટ્રમ્પ સહિત સેલિબ્રિટીઓ ટેબલ નીચે છુપાઈ ગઈ

ગોળીબારનો અવાજ થતાં પ્રમુખ ટ્રમ્પ, ફર્સ્ટ લેડી મેલાનિયા, ઉપપ્રમુખ જેડી વાન્સ સહિત બધા જ પત્રકારો અને સેલિબ્રિટીઓ ડિનર ટેબલ નીચે છુપાઈ ગઈ હતી. ગોળીબારના અવાજો વચ્ચે સિક્રેટ સર્વિસના એજન્ટ્સ તુરંત પ્રમુખ અને અન્ય સેલિબ્રિટીઓને હુમલાના સ્થળેથી સુરક્ષિત રીતે બહાર લઈ ગયા હતા. સુરક્ષા એજન્સીઓએ સમગ્ર બેન્ક્વેટ હોલને ઘેરી લીધો હતો. નેશનલ ગાર્ડના જવાનોએ પણ ઈમારતની અંદર મોરચો સંભાળી લીધો હતો. બોલરૂમની બહાર લોબીમાં થયેલા ગોળીબારમાં એક સુરક્ષા કર્મચારીને ઈજા થઈ હતી. 

બોલરૂમમાંથી પહેલાં જેડી વાન્સ અને પછી ટ્રમ્પ-મેલાનિયાને લઈ જવાયા

આ હુમલામાં પ્રમુખ ટ્રમ્પને કોઈ ઈજા થઈ નથી. ગોળીબારના અવાજો થતાં સિક્રેટ સર્વિસ એજન્ટે પહેલાં ઉપપ્રમુખ જેડી વેન્સને બોલરૂમમાંથી બહાર કાઢ્યા. પછી પ્રમુખ ટ્રમ્પ અને મેલાનિયાને એસ્કોર્ટ કરીને લઈ ગયા. અધિકારીઓનું કહેવું છે કે હુમલાખોર હોટેલના એક મહેમાન તરીકે આવ્યો હતો. તેણે બોલરૂમમાં ઘૂસવા માટે સિક્રેટ સર્વિસના એજન્ટ પર ગોળીબાર કર્યો હતો.જોકે, તે બોલરૂમમાં ઘૂસે તે પહેલાં તેને ઝડપી લેવાયો છે અને તેને સોમવારે કોર્ટમાં હાજર કરાશે. હુમલાખોરનો આશય હજુ સ્પષ્ટ થયો નથી.  હુમલાખોરની ઓળખ થઈ ગઈ છે. તે ૩૧ વર્ષીય કોલ ટોમસ એલન છે. ટ્રમ્પે તેની તસવીર પોસ્ટ કરી હતી, જેમાં તે શર્ટ વિના, હાથકડી પહેરેલી હાલતમાં, જમીન પર ઊંધો જોવા મળતો હતો.

કોઈપણ દેશ રાજકીય હિંસાથી અછૂતો નથી: ટ્રમ્પ

ગોળીબારની ઘટનાના બે કલાક પછી ટ્રમ્પે પહેલી પ્રતિક્રિયા કહ્યું, વોશિંગ્ટન ડી.સી.માં આજની સાંજ ઘણી હલચલભરી રહી હતી. સુરક્ષા કર્મીઓએ જે સ્ફૂર્તિ દર્શાવી તે સરાહનીય છે. તેમણે ખૂબ જ ઝડપથી મને, ફર્સ્ટ લેડી મેલાનિયા, ઉપપ્રમુખ જેડી વાન્સ અને અન્ય મહેમાનોને તુરંત ત્યાંથી બહાર કાઢ્યા તે ખૂબ જ પ્રશંસનીય હતું. મેં તો ફરી કાર્યક્રમ ચાલુ રાખવા જણાવ્યું હતું પરંતુ સુરક્ષા જવાનોએ મને તેમ કરવાની ના કહેતા મેં તેમની વાત સ્વીકારી હતી. હવે ૩૦ દિવસમાં ફરીથી આ કાર્યક્રમનું આયોજન કરીશું. જોકે, આવા હુમલા મને ઈરાનમાં યુદ્ધ જીતતા રોકી નહીં શકે. આ પ્રકારના કાયરતાપૂર્ણ હુમલા તેમને તેમના મિશનમાંથી પાછળ હટાવી નહીં શકે. કોઈપણ દેશ રાજકીય હિંસાથી અછૂતો નથી.

પ્રમુખ ટ્રમ્પે હિલ્ટન હોટેલની સુરક્ષા પર સવાલ ઉઠાવ્યા

ટ્રમ્પે ઉમેર્યું કે, એક વ્યક્તિ અનેક હથિયારો લઈને સુરક્ષા ચોકી પાર કરી હુમલા માટે આગળ વધ્યો. પરંતુ સિક્રેટ સર્વિસે હુમલાખોરને પકડી લીધો છે. તે કેલિફોર્નિયાનો છે અને બીમાર છે. તે કોઈની સાથે સંકળાયેલો નથી. આ હુમલો મને નિશાન બનાવવા માટે જ કરાયો હતો. આ હુમલાને લોન વુલ્ફ એક્ટર તરીકે જોવામાં આવે છે. ટ્રમ્પે હિલ્ટન હોટેલની સુરક્ષા સામે પણ  સવાલ ઉઠાવ્યા હતા. આ હુમલાએ દુનિયાને ૨૦૨૪માં પ્રમુખપદની ચૂંટણી માટેના પ્રચાર વખતે ટ્રમ્પ પર થયેલા હુમલાની યાદ તાજી કરાવી દીધી હતી. 

લોકતંત્રમાં હિંસાને કોઈ સ્થાન નથી: પીએમ મોદી

અમેરિકન પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ પર હુમલાની વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આકરી ટીકા કરી હતી. તેમણે પ્રમુખ ટ્રમ્પની ક્ષેમકુશળતાની કામના કરતા કહ્યું, વોશિંગ્ટનમાં થયેલી ગોળીબારની ઘટનામાં પ્રમુખ ટ્રમ્પ, તેમનાં પત્ની મેલાનિયા અને ઉપપ્રમુખ જેડી વાન્સ સહિત મહેમાનો સુરક્ષિત છે તે જાણીને રાહત થઈ. હું તેમની નિરંતર સુરક્ષા અને કુશળતા માટે મંગળ કામના કરું છું. લોકતંત્રમાં હિસાને કોઈ સ્થાન નથી અને આ ઘટનાની સ્પષ્ટરૂપે ટીકા થવી જોઈએ.

ટ્રેનમાં આવ્યો, મહેમાન બની હોટેલમાં ઘૂસી હુમલો કર્યો

હુમલાખોર એલન એન્જિનિયર, કમ્પ્યુટર સાયન્ટિસ્ટ, નાસાનો ફેલો

એલન પાસેથી શોટગન, હેન્ડગન અને અનેક પ્રકારના ચાકુ જપ્ત કરાયા : રૂમમાં બંદૂકને એસેમ્બલ કરી

વોશિંગ્ટન : અમેરિકાની રાજધાની વોશિંગ્ટન ડીસીમાં હિલ્ટન હોટેલમાં આયોજિત વ્હાઈટ હાઉસ કોરેસ્પોન્ડેન્ટ્સ એસોસિએશનના ડિનર કાર્યક્રમમાં પ્રમુખ ટ્રમ્પને ટાર્ગેટ કરનારા હુમલાખોર કોલ થોમસ એલન અંગે અનેક ચોંકાવનારા ખુલાસા થઈ રહ્યા છે. એફબીઆઈ મુજબ ૩૧ વર્ષીય એલન પાસે શોટગન, હેન્ડગન અને અનેક પ્રકારના ચાકુ હતા. તે કેલિફોર્નિયાથી ટ્રેનમાં આવ્યો હતો. હિલ્ટન હોટેલમાં મહેમાન તરીકે ઘૂસ્યો હતો. તેણે હોટેલના મેકશિફ્ટ રૂમમાં રાઈફલ એસેમ્બલ કરી અને બોલરૂમ તરફ દોડી ગયો હતો. આ સાથે તેણે ગોળીબાર કરતા અફરા-તફરી મચી ગઈ હતી.

કેલિફોર્નિયાના ટોરેન્સનો રહેવાસી કોલ થોમસ એલન અંગે અનેક અનવેરિફાઈડ સોશિયલ મીડિયા હેન્ડલ્સ અને લિંક્ડઈન પર એલનને મિકેનિકલ એન્જિનિયર, કમ્પ્યુટર સાયન્ટિસ્ટ અને ગેમ ડેવલપર તરીકે દર્શાવાયો છે. આ સિવાય તે લોસ એન્જેલસમાં પાર્ટ ટાઈમ શિક્ષક પણ રહ્યો છે. તે નાસાનો ફેલો પણ રહી ચૂક્યો છે. એલનની ઓનલાઈન ઉપલબ્ધ પ્રોફાઈલ મુજબ તેણે કેલિફોર્નિયા ઈન્સ્ટિટયૂટ ઓફ ટેક્નોલોજીમાંથી ગ્રેજ્યુએશન કર્યું છે. તેણે ૨૦૧૭માં મિકેનિકલ એન્જિનિયરિંગમાં બેચલર ઓફ સાયન્સની ડિગ્રી મેળવી હતી. તેણે કેલિફોર્નિયામાંથી કમ્પ્યુટર સાયન્સમાં માસ્ટરની ડિગ્રી મેળવી હતી. એલન નાસા સાથે પણ જોડાયેલો રહ્યો હતો. તેણે નાસાની જેટ પ્રોપલ્શન લેબોરેટરીમાં સમર અન્ડરગ્રેજ્યુએટ રિસર્ચ ફેલોશિપમાં ભાગ લીધો હતો. તેણે મોલિક્યૂલર કેમેસ્ટ્રી પર આધારિત સ્ટીમ પ્લેટફોર્મ માટે વીડિયો ગેમ પણ ડેવલપ કરી હતી.

હિલ્ટન હોટેલમાં શનિવારના કાર્યક્રમમાં ગોળીબારના સંદર્ભમાં કાર્યવાહક એટોર્ની જનરલ ટોડ બ્લેંચે કહ્યું કે, એલન કેલિફોર્નિયાથી ટ્રેન મારફત પહેલા શિકાગો ગયો અને પછી ત્યાંથી વોશિંગ્ટન પહોંચ્યો. તે વોશિંગ્ટન હિલ્ટન હોટેલમાં એક ગેસ્ટ તરીકે ચેક-ઈન કરીને રોકાયો હતો. ત્યાં તેનું ડિનરનું આયોજન હતું. અહીં તેણે હોટેલનો સુરક્ષા ઘેરો તોડવાનો પ્રયત્ન કર્યો અને બોલરૂમમાં જવા માટે એક એજન્ટ પર ગોળીબાર કર્યો હતો. તેની પાસેથી એક શોટગન, એક હેન્ડગન અને અનેક ચાકુ જપ્ત કરાયા હતા. એક વોલન્ટિયરે એલન અંગે કહ્યું કે, હુમલાખોર તેના હથિયારોને અલગ અલગ ટૂકડામાં હોટેલની અંદર લઈ આવ્યો હતો. તેણે એક મેકશિફ્ટ રૂમમાં રાઈફલના ભાગોને જોડયા અને પછી બોલરૂમ તરફ દોડી ગયો હતો. જોકે, સર્વિસ એજન્ટ્સે તેને ઝડપી લીધો હતો.



Source link

Related Articles

Back to top button