ડોનાલ્ડ ટ્રમ્પે ત્રીજી વખત મોતને હાથતાળી આપી! જાણો અત્યાર સુધીના તમામ હુમલાની ટાઈમલાઈન | Donald Trump Assassination Attempt: Timeline of Attacks From 2016 to April 2026

History of attacks on Donald Trump : અમેરિકાના વોશિંગ્ટનમાં આયોજિત હાઈ-પ્રોફાઇલ ‘કોરસપોન્ડન્ટ ડિનર’માં અંધાધૂંધ ગોળીબાર થતા રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પની સુરક્ષા પર ગંભીર સવાલો ઉઠ્યા છે. આ ઘટનાએ વિશ્વને હચમચાવી દીધું છે. આ ભવ્ય આયોજનમાં અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ, ફર્સ્ટ લેડી મેલાનિયા ટ્રમ્પ, ઉપરાષ્ટ્રપ્રમુખ જેડી વેન્સ, સંરક્ષણ સચિવ પીટ હેગસેથ અને વિદેશ સચિવ માર્કો રુબિયો ઉપરાંત અન્ય ઘણા નેતાઓ અને મહેમાનો હાજર હતા. સદનસીબે તમામ મહેમાનો સુરક્ષિત છે. જોકે, ટ્રમ્પ પર હુમલો થયો હોય તેવી આ કોઈ પહેલી ઘટના નથી. આ ત્રીજી વખત છે જ્યારે ટ્રમ્પને નિશાન બનાવવામાં આવ્યા હોય.
આ પણ વાંચો : ‘આ ઘટના મને ઈરાન યુદ્ધ જીતવાથી રોકી નહીં શકે’, ફાયરિંગ બાદ ટ્રમ્પનું પહેલું નિવેદન
ટ્રમ્પ પર ક્યારે-ક્યારે હુમલા થયા?
માર્ચ 2016-લાસ વેગાસ : રાષ્ટ્રપતિની ચૂંટણીના પ્રચાર દરમિયાન એક રેલીમાં સુરક્ષામાં મોટી ચૂક થવાને કારણે એક વ્યક્તિએ સ્ટેજ પાસે પહોંચીને ટ્રમ્પ તરફથી પોલીસ અધિકારીનું હથિયાર છીનવવાનો પ્રયાસ કર્યો હતો. સુરક્ષા અધિકારીઓએ તરત જ તેની ધરપકડ કરી લીધી હતી. પૂછપરછમાં તેણે ટ્રમ્પને નુકસાન પહોંચાડવાનો ઈરાદો હોવાની કબૂલાત કરી હતી.

જુલાઈ 2024-પેન્સિલવેનિયા : જુલાઈ 2024માં ટ્રમ્પ પર તેમના ચૂંટણી કરિયરનો સૌથી ખતરનાક હુમલો થયો હતો. આ હુમલામાં હુમલાખોરે રેલી દરમિયાન છત પરથી ટ્રમ્પને નિશાન બનાવીને ગોળી ચલાવી હતી. ગોળી ટ્રમ્પના જમણા કાનના ઉપરના ભાગને સ્પર્શીને નીકળી ગઈ હતી. આ હુમલામાં એક પ્રેક્ષકનું મોત થયું હતું અને અનેક લોકો ઘાયલ થયા હતા. સુરક્ષા દળોએ હુમલાખોરને ઘટનાસ્થળે જ ઠાર માર્યો હતો.

એપ્રિલ 2026-વોશિંગ્ટન : આજે વોશિંગ્ટનના હિલ્ટન હોટલમાં કોરેસ્પોન્ડન્ટ્સ ડિનર દરમિયાન એક હુમલાખોરે ગોળીબાર કર્યો હતો. આ ગોળીબારને કારણે કાર્યક્રમ સ્થળે નાસભાગ મચી ગઈ હતી. સુરક્ષા દળોએ રાષ્ટ્રપતિ ટ્રમ્પને તેમની ટીમ સાથે સુરક્ષિત બહાર કાઢ્યા હતા. સાથે જ હુમલાખોરની ધરપકડ કરી લેવામાં આવી છે.




