ટ્રમ્પ પર હુમલા અસલી કે નકલી? વ્હાઇટ હાઉસ શૂટિંગ બાદ સોશિયલ મીડિયા પર ‘કોન્સ્પિરેસી થિયરી’નું ઘોડાપૂર | donald trump butler rally shooting staged conspiracy theories truth investigation

![]()
Donald Trump Butler Rally Attack: અમેરિકાના રાજકારણમાં વર્ષ 2024 માં ડોનાલ્ડ ટ્રમ્પ પર થયેલા હુમલાએ સમગ્ર વિશ્વને હચમચાવી દીધું હતું. પેન્સિલવેનિયાના બટલરની એ રેલી, સ્ટેજ પર ગુંજેલી ગોળીઓ, લોહીલુહાણ ચહેરો અને સુરક્ષાકર્મીઓની વચ્ચે હવામાં ઉઠાવેલી ટ્રમ્પની મુઠ્ઠી. આ દ્રશ્યો ઇતિહાસમાં કાયમ માટે અંકિત થઈ ગયા. પરંતુ, આ ઘટના જેટલી આઘાતજનક હતી, તેટલી જ તેના પરની સાજિશની થીયરીઓ પણ ચોંકાવનારી છે. હવે ટ્રમ્પના બીજા કાર્યકાળ દરમિયાન ફરી એકવાર સવાલ ઉઠી રહ્યો છે. શું આ હુમલો ખરેખર ‘સ્ટેજ્ડ’ (રચાયેલો) હતો?
બટલર રેલીની એ ઐતિહાસિક ક્ષણ
બટલર, પેન્સિલવેનિયામાં જ્યારે ટ્રમ્પ પોતાની ચૂંટણી રેલીને સંબોધિત કરી રહ્યા હતા, ત્યારે અચાનક ગોળીબાર થયો. સીક્રેટ સર્વિસના એજન્ટોએ તરત જ ટ્રમ્પને ઘેરી લીધા અને સુરક્ષિત સ્થળે લઈ જવાની કોશિશ કરી. બરાબર એ જ પળે ખેંચાયેલી તસવીર, જેમાં ટ્રમ્પ ઈજાગ્રસ્ત હોવા છતાં લડાયક મૂડમાં દેખાયા, તે તેમના અભિયાન માટે ગેમ-ચેન્જર સાબિત થઈ.
સોશિયલ મીડિયા પર કાવતરાનો વંટોળ
હુમલાના ગણતરીના કલાકોમાં જ ઇન્ટરનેટ પર અનેક પાયાવિહોણા દાવાઓ ફેલાવા લાગ્યા. ઘણા લોકોએ કહ્યું કે, ટ્રમ્પના અભિયાનને વેગ આપવા અને સહાનુભૂતિ મેળવવા માટે આ એક સ્ક્રિપ્ટેડ હુમલો હતો. કોમેડિયન ટિમ ડિલને તેના પોડકાસ્ટમાં દાવો કર્યો કે લોકો ચૂંટણી જીતવા માટે આવું કરી શકે છે. ટકર કાર્લસન અને માર્જોરી ટેલર ગ્રીન જેવા નેતાઓના નિવેદનોએ પણ આ પ્રકારની શંકાઓને વધુ હવા આપી.
શું દુનિયામાં અગાઉ આવું બન્યું છે?
આ પહેલીવાર નથી જ્યારે કોઈ મોટા હુમલાને બનાવટી ગણાવવામાં આવ્યો હોય. 1995માં ઇઝરાયલના વડાપ્રધાન યિત્ઝાક રાબિનની હત્યા વખતે પણ દક્ષિણપંથીઓએ આવા જ આક્ષેપો કર્યા હતા. 2022માં આર્જેન્ટિનાના ઉપરાષ્ટ્રપતિ ક્રિસ્ટીના ફર્નાન્ડીઝ ડી કિર્ચનર પર બંદૂક તાણવાની ઘટનાને પણ ભ્રષ્ટાચારના કેસથી ધ્યાન ભટકાવવાનો પેંતરો ગણાવવામાં આવ્યો હતો.
ફોરેન્સિક તપાસમાં શું આવ્યું બહાર?
હજારો લોકો, પત્રકારો અને લાઈવ કેમેરાની સામે બનેલી આ ઘટનાની વિઝ્યુઅલ ફોરેન્સિક તપાસમાં સત્ય કંઈક અલગ જ છે. FBI એ હુમલાખોરની ઓળખ 20 વર્ષીય થોમસ ક્રૂક્સ તરીકે કરી હતી. હુમલાખોરે નજીકની ઇમારતની છત પરથી ૮ રાઉન્ડ ફાયર કર્યા હતા. એક ગોળી ટ્રમ્પના જમણા કાનને સ્પર્શીને નીકળી ગઈ હતી. આ હુમલામાં કોરી કોમ્પેરેટોર નામના એક નિર્દોષ વ્યક્તિનું મોત થયું હતું અને અન્ય બે ગંભીર રીતે ઘાયલ થયા હતા.
લાઈવ ઈવેન્ટમાં આવો હુમલો ‘સ્ટેજ’ કરવો શક્ય છે?
નિષ્ણાતોના મતે, આ પ્રકારના હુમલાની સ્ક્રિપ્ટ તૈયાર કરવી લગભગ અશક્ય છે. નોર્થવેસ્ટર્ન યુનિવર્સિટીના મીડિયા નિષ્ણાત સ્પેન્સર પાર્સન્સે આ અંગે કેટલાક તાર્કિક મુદ્દા રજૂ કર્યા છે. ફિલ્મોમાં અનેક ટેક લઈ શકાય છે, પણ લાઈવ રેલીમાં માત્ર એક જ તક હોય છે. હુમલાખોરે એવી રીતે નિશાન સાધવાનું હોય કે ગોળી કાનને અડીને જાય પણ જાનહાનિ ન થાય – આ નિશાન અચૂક હોવું જોઈએ, જે વાસ્તવિકતામાં અત્યંત જોખમી અને અશક્ય જેવું છે. જો આ કાવત્રું હોય, તો હુમલાખોરે એ પણ સ્વીકારવું પડે કે તે વળતા હુમલામાં મરવાનો જ છે. કોઈ વ્યક્તિ પોતાના રાજકીય હેતુ માટે જીવ આપવા તૈયાર થાય તે પણ એક મોટો સવાલ છે. હજારો લોકોના મોબાઈલ કેમેરા અને પ્રોફેશનલ પત્રકારોના લેન્સ સામે કોઈ પણ પ્રકારની ડિજિટલ છેડછાડ કરવી અશક્ય હતી.
લોહીના નિશાન અને ટેકનિકલ સવાલો
કેટલાક લોકોએ દાવો કર્યો કે ટ્રમ્પે સ્ક્વિબ (ફિલ્મોમાં વપરાતા નકલી લોહીના વિસ્ફોટક) નો ઉપયોગ કર્યો હશે અથવા રેસલિંગની જેમ બ્લેડથી પોતાને જ ઈજા પહોંચાડી હશે. પરંતુ, જે ગતિએ આ ઘટના બની તેમાં બ્લેડ છુપાવવી અથવા સુરક્ષાકર્મીઓની હાજરીમાં આવું કરવું ટેકનિકલી અત્યંત મુશ્કેલ છે.
તપાસમાં ખામીઓ પણ હેતુ અસ્પષ્ટ
ફેડરલ તપાસમાં સુરક્ષાની મોટી ખામીઓ જરૂર બહાર આવી છે, જેના કારણે સીક્રેટ સર્વિસ પર સવાલો ઉઠ્યા છે. પરંતુ, હુમલાખોર થોમસ ક્રૂક્સના ફોન કે કમ્પ્યુટરની તપાસ બાદ પણ તેની ચોક્કસ રાજકીય વિચારધારા કે હુમલા પાછળનો હેતુ સ્પષ્ટ થઈ શક્યો નથી. કાવતરાના દાવાઓ ભલે ગમે તેટલા આકર્ષક લાગે, પણ પુરાવાઓ સૂચવે છે કે આ સુરક્ષાની ગંભીર ચૂક અને એક વાસ્તવિક હુમલો જ હતો, જેણે અમેરિકાના ઈતિહાસની દિશા બદલી નાખી.



