दुनिया

ટેબલ નીચે છુપાયા ટ્રમ્પ અને મેલેનિયા, જુઓ વોશિંગ્ટન હોટેલમાં અંધાધૂંધ ફાયરિંગનો VIDEO | Trump and Melania Shielded During Gunfire at Washington Hotel Event



Attack on Donald Trump: અમેરિકાના વોશિંગ્ટનમાં આયોજિત હાઈ-પ્રોફાઇલ ‘કોરસપોન્ડન્ટ ડિનર’માં અંધાધૂંધ ગોળીબાર થતા રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પની સુરક્ષા પર ગંભીર સવાલો ઊભા થયા છે. વોશિંગ્ટન હિલ્ટન હોટેલમાં જ્યારે 2600થી વધુ દિગ્ગજ મહેમાનો હાજર હતા, ત્યારે અચાનક થયેલા ફાયરિંગથી નાસભાગ મચી ગઈ હતી. સિક્રેટ સર્વિસના કર્મચારીઓએ ત્વરિત કાર્યવાહી કરી રાષ્ટ્રપ્રમુખ ટ્રમ્પને ટેબલ નીચે છુપાવી દીધા હતા અને બાદમાં સુરક્ષિત સ્થળે ખસેડ્યા હતા.

વીડિયોમાં કેદ થઈ ભયાનક અંધાધૂંધી

સોશિયલ મીડિયા પર વાઈરલ થયેલા વીડિયોમાં ગોળીબારના સ્પષ્ટ અવાજો સંભળાઈ રહ્યા છે. ફાયરિંગનો અવાજ આવતા જ હોલમાં હાજર હજારો મહેમાનોમાં ચીસાચીસ મચી ગઈ હતી. વીડિયોમાં ફર્સ્ટ લેડી મેલાનિયા ટ્રમ્પના ચહેરા પર સ્પષ્ટ ચિંતા જોઈ શકાય છે. ગોળીબાર થતાની સાથે જ હોટલ સ્ટાફ, વેટરો અને મહેમાનો પોતાનો જીવ બચાવવા માટે ટેબલ નીચે દબાઈ ગયા હતા.

સુરક્ષા એજન્સીઓનું ક્વિક રિસ્પોન્સ

સિક્રેટ સર્વિસે એસઓએસ (SOS) લાઈટ્સ દ્વારા મહેમાનોને ચેતવણી આપી હતી. જેડી વેન્સ, આરએફકે જુનિયર અને માર્કો રુબિયો જેવા નેતાઓને સુરક્ષા જવાનોએ જમીન પર સૂઈ જવા સૂચના આપી હતી અને બાદમાં તેમને હોટેલની બહાર સુરક્ષિત રીતે કાઢ્યા હતા. સુરક્ષા દળોએ ગણતરીની મિનિટોમાં જ હુમલાખોરને હથિયાર સાથે ઝડપી પાડ્યો છે.

આ પણ વાંચો: ‘સિક્રેટ સર્વિસે બહાદુરી બતાવી, 30 દિવસમાં ફરી કાર્યક્રમ..’, ફાયરિંગની ઘટના બાદ ટ્રમ્પનું પ્રથમ નિવેદન

હુમલાખોર રૂમ સુધી કેવી રીતે પહોંચ્યો?

રોઇટર્સના અહેવાલ અનુસાર, હોટેલમાં 6થી 6 રાઉન્ડ ફાયરિંગનો અવાજ આવ્યો હતો. આ ગોળીબાર ડિનર હોલની ઉપરના રૂમમાંથી કરવામાં આવ્યો હોવાનું મનાય છે. સૌથી મોટો પ્રશ્ન એ ઊઠી રહ્યો છે કે કડક સુરક્ષા બંદોબસ્ત હોવા છતાં હુમલાખોર હથિયાર સાથે હોટેલના રૂમ સુધી પહોંચવામાં કેવી રીતે સફળ રહ્યો?

ટ્રમ્પ સુરક્ષિત, ડિનર ફરી યોજાશે

અહેવાલો અનુસાર, રાષ્ટ્રપ્રમુખ ટ્રમ્પ સંપૂર્ણ સુરક્ષિત છે. આ ઘટનાને પગલે ડિનર કાર્યક્રમ રદ કરવામાં આવ્યો હતો, પરંતુ ટ્રમ્પે આ કાર્યક્રમને ફરીથી શેડ્યૂલ કરવાની જાહેરાત કરી છે. હાલમાં વોશિંગ્ટન હિલ્ટન હોટેલને ખાલી કરાવી સીલ કરી દેવામાં આવી છે અને હુમલાખોરના ઈરાદા અંગે એફબીઆઈ (FBI) અને સ્થાનિક પોલીસ દ્વારા સઘન પૂછપરછ હાથ ધરવામાં આવી છે.



Source link

Related Articles

Back to top button