दुनिया

અરબી સમુદ્રમાં અમેરિકાની મોટી કાર્યવાહી, ઈરાનની નાકાબંધી તોડવાનો પ્રયાસ કરતું જહાજ ઝડપાયું | US Intercepts Ship in Arabian Sea Linked to Iran Sanctions Evasion



US Intercepts Ship in Arabian Sea: યુએસ સેન્ટ્રલ કમાન્ડે શનિવારે (25મી એપ્રિલ) અરબી સમુદ્રમાં એક મહત્ત્વપૂર્ણ ઓપરેશન પાર પાડીને ઈરાન પર લાદવામાં આવેલી દરિયાઈ નાકાબંધી તોડવાનો પ્રયાસ કરી રહેલા વેપારી જહાજ ‘સેવાન’ને અટકાવ્યું છે. આ જહાજ ઈરાની ઓઈલ અને ગેસ ઉત્પાદનોને ગેરકાયદે રીતે વિદેશી બજારોમાં પહોંચાડતા ‘શેડો ફ્લીટ’નો ભાગ હોવાનું અમેરિકી સેનાએ જણાવ્યું છે.

શું છે આ ‘શેડો ફ્લીટ’?

અમેરિકી સુરક્ષા એજન્સીઓના મતે ‘શેડો ફ્લીટ’એ 19 જહાજોનો એવો સમૂહ છે જે ઈરાન પરના આંતરરાષ્ટ્રીય પ્રતિબંધો હોવા છતાં વિશ્વના અન્ય દેશોમાં ઓઈલ અને ગેસનું પરિવહન કરે છે. આ જહાજો અબજો ડોલરના મૂલ્યના ઓઈલ, ગેસ, પ્રોપેન અને બ્યુટેન જેવા ઉત્પાદનો ઈરાનથી બહાર લઈ જાય છે. ઈરાન આ જહાજોનો ઉપયોગ અમેરિકી પ્રતિબંધોથી બચવા અને પોતાની અર્થવ્યવસ્થાને મજબૂત રાખવા માટે કરે છે. અમેરિકાએ આ તમામ 19 જહાજો પર કડક પ્રતિબંધો લાદેલા છે.

યુએસએસ પિંકની દ્વારા ઓપરેશન

આ કાર્યવાહી યુએસ નૌકાદળના માર્ગદર્શિત-મિસાઇલ વિનાશક યુએસએસ પિંકની દ્વારા હાથ ધરવામાં આવી હતી. વિનાશક જહાજના હેલિકોપ્ટરે અરબી સમુદ્રમાં ‘સેવાન’ જહાજને અટકાવી તેને યુએસ લશ્કરી સૂચનાઓનું પાલન કરવા આદેશ આપ્યો હતો. જહાજના કેપ્ટન અને ક્રૂ મેમ્બરોએ આત્મસમર્પણ કરી અમેરિકી સૂચનાઓનું પાલન કરવાનું સ્વીકાર્યું છે. હાલમાં આ જહાજ યુએસ નેવીના કડક સુરક્ષા કવચ હેઠળ ઈરાન પરત ફરી રહ્યું છે.

આ પણ વાંચો: નાસાના રિસર્ચર અને શિક્ષકે ટ્રમ્પના કાર્યક્રમમાં કેમ ચલાવી ગોળી? જાણો કોણ છે 21 વર્ષીય કોલ ટોમસ એલન

નાકાબંધીની અત્યાર સુધીની અસર

અમેરિકાએ ઈરાની ઓઈલ અને ગેસની નિકાસ સંપૂર્ણપણે અટકાવવા માટે દરિયાઈ નાકાબંધી લાદી છે. યુએસ સેન્ટ્રલ કમાન્ડના અહેવાલઅનુસાર, નાકાબંધી શરૂ થઈ ત્યારથી અત્યાર સુધીમાં 37 જહાજોને અટકાવીને રીડાયરેક્ટ કરવામાં આવ્યા છે. અટકાવવામાં આવેલા તમામ જહાજો ‘શેડો ફ્લીટ’નો હિસ્સો હતા અને પ્રતિબંધોનું ઉલ્લંઘન કરી રહ્યા હતા.

આ કાર્યવાહીથી મધ્ય-પૂર્વમાં તણાવ વધુ વધવાની શક્યતા સેવાઈ રહી છે, કારણ કે અમેરિકા ઈરાનના આર્થિક સ્ત્રોતોને તોડવા માટે વધુ આક્રમક બન્યું છે.



Source link

Related Articles

Back to top button