અમેરિકામાં ભારે ધબડકો : કિંગ ચાર્લ્સના સ્વાગત સમયે બ્રિટિશ ધ્વજને બદલે ઓસ્ટ્રેલિયાના ધ્વજ ફરકાવ્યા | Huge uproar in America: Australian flag hoisted instead of British flag during King Charles’ welcome

![]()
– બ્રિટનના રાજવીની આ મુલાકાત ઘણી હાઈ પ્રોફાઈલ મનાય છે : અમેરિકાના ૨૫૦મા સ્વાતંત્ર્ય દિન પૂર્વે યોજાયેલી આ યાત્રા પર સૌ કોઈની નજર છે
વોશિંગ્ટન : અમેરિકાનાં પાટનગર વોશિંગ્ટન ડીસીમાં આ વખતે અજીબો ગરીબ ઘટના જોવા મળી છે. બ્રિટનના કિંગ ચાર્લ્સની પહેલી રાજકીય યાત્રાની તૈયારીમાં ભારે ધબડકો થઈ ગયો છે. વ્હાઇટ હાઉસની પાસે કિંગ ચાર્લ્સના સ્વાગતમાં અમેરિકાના રાષ્ટ્રધ્વજની સાથે બ્રિટનના ‘યુનિયન-જેક’ને બદલે ભૂલથી ઓસ્ટ્રેલિયાના ધ્વજ લગાડી દેવામાં આવ્યા હતા.
તુર્તજ કોઈએ તે ભૂલ તરફ ધ્યાન દોરતાં ઝડપબંધ ઓસ્ટ્રેલિયાના ધ્વજ ઉતારી બ્રિટનના રાષ્ટ્ર ધ્વજ ‘યુનિયન-જેક’ લગાડવામાં આવ્યા.
બધો ગોટાળો ત્યારે થયો કે કિંગ ચાર્લ્સ-૩જા ની ૨૭મી એપ્રિલ ૨૦૨૬ના દિવસથી યોજાનારી યાત્રા માટે સમવાયતંત્રી પરિવહન વિભાગ વ્યવસ્થા ગોઠવી રહ્યો હતો ત્યારે પહેલા ઉતાવળમાં અમેરિકાના ધ્વજની સાથે ઓસ્ટ્રેલિયાના ધ્વજ માર્ગો ઉપરના ઇલેક્ટ્રિક પોલસ પર લગાડી દેવામાં આવ્યા હતા.
પરિવહન વિભાગના અધિકારીએ પત્રકારોને જણાવ્યું હતું કે, કિંગ ચાર્લ્સનાં સ્વાગત માટે આશરે ૨૩૦ ધ્વજ લગાડવાના હતા. તેમાં ભૂલથી ૧૫ ધ્વજ ઓસ્ટ્રેલિયાના લગાડવામાં આવ્યા. જોકે બ્રિટન અને ઓસ્ટ્રેલિયાના ધ્વજોમાં ‘યુનિયન-જેક’ (બ્રિટનનો ધ્વજ) હોય જ છે. પરંતુ ઓસ્ટ્રેલિયાના ધ્વજમાં તે છેક ઉપરના ખૂણે હોય છે. તેથી કેટલાક ભૂલમાં પડી જાય તેવું બની શકે. જનસામાન્ય પૈકી કોઈ આવી ભૂલ કરી બેસે તે સમજી શકાય પરંતુ અમેરિકાની સરકારના અધિકારીઓ પણ આવી ભૂલ કરે તે હાસ્યાસ્પદ છે. જોકે તે ૧૫ ઓસ્ટ્રેલિયન ધ્વજને બદલી ત્યાં ‘યુનિયન-જેક’ (બ્રિટિશ ધ્વજ) લગાડી દેવાયો તે અલગ વાત છે પરંતુ ટ્રમ્પ તંત્રની બેદરકારી હાસ્યાસ્પદ છે.



