ઈસ્લામાબાદમાં વાટાઘાટોની શક્યતા વચ્ચે સમુદ્રમાં યુદ્ધ જેવી સ્થિતિ! અમેરિકાએ ફરી ઈરાનની દુ:ખતી નસ દબાવી | iran ship america blockade iranian ports oil tanker islamabad second round talks

US-Iran Tension Peaks: ઈસ્લામાબાદમાં વાતચીતની શક્યતાઓ વચ્ચે અમેરિકા અને ઈરાન વચ્ચેનો તણાવ ફરી એકવાર ચરમસીમાએ પહોંચ્યો છે. યુએસ સેન્ટ્રલ કમાન્ડ(CENTCOM) દ્વારા મળેલી જાણકારી મુજબ, અમેરિકન નૌસેનાના ગાઈડેડ-મિસાડલ ડેસ્ટ્રોયર ‘USS રાફેલ’ દ્વારા 24 એપ્રિલના રોજ ઈરાની ઝંડા ધરાવતા એક જહાજને દરિયામાં વચ્ચે જ રોકી દેવામાં આવ્યું છે. અમેરિકાએ એપ્રિલની શરૂઆતથી જ ઈરાનના પોર્ટ્સ પર દરિયાઈ નાકાબંધી(Naval Blockade) લાગુ કરી છે, જેનો મુખ્ય ઉદ્દેશ્ય ઈરાનના તેલ નિકાસ અને વ્યાપારને મર્યાદિત કરવાનો છે. આ વ્યૂહરચના હેઠળ અત્યાર સુધીમાં ડઝનબંધ જહાજોને અટકાવવામાં આવ્યા છે.
વૈશ્વિક અર્થતંત્ર પર અસર
આ સંઘર્ષની સૌથી મોટી અસર હોર્મુઝ સ્ટ્રેટ પર જોવા મળી રહી છે, જે વિશ્વના સૌથી મહત્ત્વપૂર્ણ દરિયાઈ વેપાર માર્ગોમાંથી એક છે. વૈશ્વિક તેલ અને એલએનજી સપ્લાયનો અંદાજે 20 ટકા હિસ્સો આ માર્ગે પસાર થાય છે, પરંતુ અમેરિકન નાકાબંધીને કારણે અહીં જહાજોની અવરજવરમાં મોટો ઘટાડો નોંધાયો છે. 22 અને 23 એપ્રિલ દરમિયાન આ માર્ગ પરથી માત્ર સાત જહાજો પસાર થઈ શક્યા હતા. સપ્લાય ખોરવાવાને કારણે આંતરરાષ્ટ્રીય બજારમાં ઓઇલ અને ગેસની કિંમતોમાં પણ ઉછાળો જોવા મળી રહ્યો છે, જેની સીધી અસર વિશ્વભરના અર્થતંત્ર પર પડી રહી છે.
પાકિસ્તાની માધ્યમથી સંપર્ક સાધશે બંને દેશો
લશ્કરી તણાવની સાથે સાથે રાજદ્વારી સ્તરે પણ હલચલ તેજ બની છે. ઈસ્લામાબાદમાં અમેરિકા અને ઈરાન વચ્ચે બીજા તબક્કાની મંત્રણા થવાની શક્યતા છે, જોકે બંને દેશો વચ્ચે સીધો સંવાદ થવાની શક્યતા નહિવત છે. ઈરાનના વિદેશમંત્રી અબ્બાસ અરાઘચીના નેતૃત્વમાં એક પ્રતિનિધિમંડળ પહેલેથી જ પાકિસ્તાન પહોંચી ચૂક્યું છે, જ્યારે અમેરિકા તરફથી ટ્રમ્પના જમાઈ જેરેડ કુશ્નર અને સ્ટીવ વિટકોફ ઈસ્લામાબાદ માટે રવાના થયા હોવાના અહેવાલો છે. હાલની સ્થિતિ જોતા એવું જણાય છે કે બંને દેશો સીધી વાતચીત કરવાને બદલે પાકિસ્તાની માધ્યમ દ્વારા એકબીજા સાથે સંપર્ક સાધશે.




