दुनिया

ભારત અને ચીન નરકના દ્વાર છે : ટ્રમ્પનો લવારો | India and China are the gates of hell: Trump



– અમેરિકામાં જન્મના આધારે નાગરિક્તા મુદ્દે રૂઢીવાદી પોડકાસ્ટર માઈકલ સેવેજને ટ્રમ્પનું સમર્થન

– ભારત મહાન દેશ, તેનો વડો મારો ખાસ દોસ્ત : ટ્રમ્પનો ઢાંકપીછોડો અમેરિકન પ્રમુખની ટિપ્પણી અણછાજતી-ઉતરતી કક્ષાની : ભારત

વોશિંગ્ટન : અમેરિકન પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે ભારત અંગે ‘અભી બોલા અભિ ફોક’ જેવા નિવેદનો કરીને અનિશ્ચિત માનસિક્તાનો પરચો આપ્યો છે. ટ્રમ્પે બુધવારે ભારત અને ચીનને ‘નરકના દ્વાર’ ગણાવીને નવો વિવાદ છેડયો છે. અમેરિકામાં જન્મના આધારે નાગરિક્તાના કાયદાનો વિરોધ કરતાં અમેરિકન રૂઢીવાદી રેડિયો હોસ્ટ માઈકલ સેવેજે ભારત અને ચીનને નરકના દ્વાર કહ્યા હતા, જેનું ટ્રમ્પે સમર્થન કરતા ટ્રમ્પે તેના વીડિયો અને ટ્રાન્સસ્ક્રિપ્ટને રીપોસ્ટ કરતા ભારે વિવાદ સર્જાયો હતો. જોકે, ગુરુવારે સવારે ટ્રમ્પે ભારતને એક મહાન દેશ ગણાવ્યો અને તેનું નેતૃત્વ તેમના મિત્ર કરી રહ્યા હોવાનું કહ્યું હતું. જોકે, આ વાત નવી દિલ્હી ખાતે અમેરિકન એમ્બસીના પ્રવક્તાએ કહી હતી.

અમેરિકન પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે ભારત અને ચીનને નરકના દ્વાર ગણાવતી અત્યંત વાંધાજનક અને વંશીય ટીપ્પણી અને વીડિયોને સોશિયલ મીડિયા પર રીપોસ્ટ કર્યો હતો. ટ્રમ્પે મૂળભૂત રીતે અમેરિકાના રૂઢીવાદી પોડકાસ્ટર માઈકલ સેવેજે લખેલો પત્ર રીપોસ્ટ કર્યો હતો, જેમાં તેણે અમેરિકાના જન્મના આધારે નાગરિક્તાના કાયદાનો વિરોધ કર્યો હતો.

ટ્રમ્પે સોશિયલ મીડિયા પર સેવેજની પોસ્ટ રીપોસ્ટ કર્યા પછી વિવાદ થતાં ભારતે તેની પ્રતિક્રિયામાં માત્ર એટલું જ કહ્યું કે, ‘અમે આવા રિપોર્ટ્સ જોયા છે.’ જોકે, મોડી સાંજે ભારત સરકારે જણાવ્યું હતું કે, અમેરિકન પ્રમુખ ટ્રમ્પની ભારતને નરકના દ્વાર સાથે સરખાવતી ટીપ્પણી  અણછાજતી અને ઉતરતી કક્ષાની છે. 

બીજીબાજુ મધ્ય-પૂર્વમાં અમેરિકા સામે યુદ્ધે ચઢેલું ઈરાન ભારત અને ચીનના સમર્થનમાં આગળ આવ્યું હતું. હૈદરાબાદ ખાતે ઈરાનની એમ્બેસીએ ટ્રમ્પને સણસણતો જવાબ આપતા સોશિયલ મીડિયા પ્લેટફોર્મ એક્સ પર પોસ્ટ કરીને લખ્યું કે, ભારત અને ચીન દુનિયામાં સભ્યતાઓની જનની છે. હકીકતમાં નરકનું દ્વાર એ દેશ છે, જેના પ્રમુખ ઈરાનની સભ્યતાનો નાશ કરવાની ધમકી આપી રહ્યા હતા.

ટ્રમ્પને આડેહાથ લેતા ઈરાનની એમ્બેસીએ વધુમાં લખ્યું કે, ભારત અને ચીન છેલ્લા ૪,૦૦૦ વર્ષથી સભ્યતાને સંભાળી રહ્યા છે. વિશ્વની આ બંને જીવંત સંસ્કૃતિઓ સૌથી પ્રાચીન અને જીવંત સંસ્કૃતિઓ છે. તેનાથી તદ્દન વિરૂધ્ધ અમેરિકા તો ૧૭૭૬માં સ્થપાયું અને આ વર્ષે જુલાઇની ૪થી તારીખ તે હજી ૨૫૦મા વર્ષમાં પ્રવેશ કરશે.

જોકે, ટ્રમ્પના આ વિવાદ વચ્ચે નવી દિલ્હી ખાતે અમેરિકન દૂતાવાસાના પ્રવક્તા ક્રિસ્ટોફર એલ્મ્સે દાવો કર્યો કે, પ્રમુખ ટ્રમ્પ ભારતને મહાન દેશ માને છે અને તેનું નેતૃત્વ તેમના ખૂબ જ સારા મિત્ર કરી રહ્યા છે. એલ્મ્સનું કહેવું છે કે ટ્રમ્પ હંમેશા ભારત અંગે ખૂબ જ ઉમળકાભેર વાતો કરે છે. તેઓ ભારતને એક મહાન રાષ્ટ્ર ગણાવે છે અને ભારતના વડાપ્રધાન સાથે તેમની અંગત મિત્રતા હોવાની બાબત પર તેઓ ગર્વ અનુભવે છે.

જોકે, અમેરિકન પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે બીજા કાર્યકાળમાં પીએમ મોદીને તેમના ખાસ મિત્ર ગણાવવા છતાં ભારત માટે અગાઉ અનેક વખત વિવાદાસ્પદ અને અપમાનજનક નિવેદનો કર્યા હતા. ભારત અને અમેરિકા વચ્ચે ટ્રેડ ડીલના વિવાદ સમયે ટ્રમ્પે ભારતને ડેડ ઈકોનોમી ગણાવી હતી. આ સિવાય ભારતીય પ્રોફેશનલ્સ એચ-૧ વિઝા દ્વારા અમેરિકનોની નોકરીઓ પડાવી લેતા હોવાનો પણ ટ્રમ્પે દાવો કર્યો હતો.

બંને વચ્ચેની મંત્રણા બુધવારે પૂરી થઈ

ભારત સાથે ટ્રેડ ડીલ અંગે વાટાઘાટો કપરી : અમેરિકા

ભારત તેના કૃષિ બજારોને સંરક્ષિત રાખવા માંગે છે, છતાં પણ વાટાઘાટ શક્યઃ યુએસ 

વોશિંગ્ટન : ભારત અને અમેરિકા વચ્ચે હાલમાં વોશિંગ્ટનમાં દ્વિપક્ષીય વાટાઘાટ ચાલી રહી છે ત્યારે યુએસ ટ્રેડ રિપ્રેઝેન્ટેટિવ જેમિસન ગ્રીરે જણાવ્યું હતું કે ભારત સાથે ટ્રેડ ડીલ માટે વાટાઘાટો અત્યંત કપરી છે અને આ એક જબરદસ્ત કાબેલિયત માંગી લેતું કામ છે, જેના માટે અત્યંત કુનેહ આવશ્યક છે.

ભારતના વાણિજ્ય વિભાગના એડિશનલ સેક્રેટરી દર્પણ જૈનની આગેવાની હેઠળનું ૧૨ સભ્યોનું પ્રતિનિધિમંડળ ટ્રેડ ડીલની ફાઇન પ્રિન્ટ પર વાટાઘાટ કરવા અમેરિકા ગયું છે. જ્યારે અમેરિકન ટીમના વડા બ્રેન્ડન લિંચ છે. તેઓ સાઉથ અને સેન્ટ્રલ એશિયાના આસિસ્ટન્ટ યુએસટીઆર છે. બંને વચ્ચેની ત્રણ દિવસની મંત્રણા બુધવારે પૂરી થઈ હતી. 

ગ્રીરે યુએસ કોંગ્રેસ કમિટી ઓન વેઝ એન્ડ મીન્સને જણાવ્યું હતું કે ભારત સાથેની વાટાઘાટ અત્યંત કપરી છે. તેઓ તેમના કૃષિ બજારોનું લાંબા સમયથી સંરક્ષણ કરી રહ્યા છે. આ ડીલના ભાગરૂપે પણ તેઓ ઘણી બધી બાબતોને સંરક્ષિત રાખવા માંગે છે. આમ છતાં પણ મને લાગે છે કે અમે કેટલીક બાબતો પર પારસ્પરિક ધોરણે સંમતિ સાધી શક્યા છીએ. ડીડીજી (ડિસ્ટીલરીઝ ડ્રાઇડ ગ્રેઇન્સ) તેનું ઉદાહરણ છે, એમ તેમણે જણાવ્યું હતું. યુએસટીઆરે જણાવ્યું હતુ કે અમેરિકાન વાટાઘાટકારોએ ભારત સાથે ડીડીજી જેવા ખાસ મુદ્દાઓની ચર્ચા કરી હતી. ભારતીય વેપાર વાટાઘાટકારો હાલમાં અહીં આવ્યા છે, તેથી આ સપ્તાહે અમે ખાસ કોમોડિટીઝ પર જ વાત કરી રહ્યા છીએ. ઉલ્લેખનીય છે કે બંને દેશ ૨૦૩૦ સુધીમાં વેપાર ૫૦૦ અબજ ડોલરે લઈ જવા માંગે છે. 

પોડકાસ્ટર સેવેજે બર્થરાઈટ સિટિઝનશિપનો વિરોધ કર્યો

ભારત-ચીનની ‘લેપટોપ’ ગેંગ અમેરિકમાં નોકરી છીનવે છે : સેવેજ

બર્થરાઈટ સિટિઝનશિપ કાયદાનો ભારત, ચીન, એશિયન દેશો દુરૂપયોગ કરતા હોવાનો આક્ષેપ

વોશિંગ્ટન : અમેરિકન રૂઢીવાદી રેડિયો પોડકાસ્ટર માઈકલ સેવેજે અમેરિકામાં બર્થરાઈટ સિટિઝનશિપનો વિરોધ કરતાં ભારત, ચીન તથા એશિયન દેશોને ‘નરકના દ્વાર’ ગણાવતી વિવાદાસ્પદ અને રંગભેદી ટીપ્પણી કરી હતી. સેવેજના આ નિવેદનને અમેરિકન પ્રમુખ ટ્રમ્પે રીપોસ્ટ કરતાં ભારે વિવાદ સર્જાયો છે.  રેડિયો પોડકાસ્ટર માઈકલ સેવેજે લખ્યું હતું કે, અમેરિકાએ બર્થરાઈટ સિટિઝનશિપ કાયદામાં ફેરફાર કરવો જોઈએ. એશિયન દેશના લોકો અમેરિકા આવે છે અને ૯ મહિનામાં એક સંતાનને જન્મ આપે છે. નવું જન્મનાર બાળક અમેરિકાનું નાગરિક બની જાય છે અને તેની સાથે તેનો આખો પરિવાર અમેરિકા આવતો રહે છે અને અમેરિકન નાગરિક બની જાય છે. 

આ કાયદાનો એશિયન દેશોના લોકો દ્વારા ખૂબ જ દુરુપયોગ કરવામાં આવે છે. તેઓ ગર્ભાવસ્થાના નવમા મહિનામાં જ અમેરિકા આવે છે અને અહીં બાળકને જન્મ આપીને નાગરિક્તા મેળવે છે. આ રીતે અમેરિકાને નુકસાન થઈ રહ્યું છે. દુનિયામાં આ દેશો નરકના દ્વાર છે.

સેવેજે ઈમિગ્રન્ટ્સ માટે લેપટોપવાળા ગેંગસ્ટર જેવા શબ્દોનો પ્રયોગ કર્યો અને દાવો કર્યો કે આ લોકોએ અમેરિકન ધ્વજનું અપમાન કર્યું છે. 

આ લોકોએ અમેરિકાના બધા માફિયા પરિવારો કરતાં વધુ નુકસાન પહોંચાડયું છે અને તેઓ અમેરિકન નાગરિકો સાથે બીજા દરજ્જાનો વ્યવહાર કરે છે. કેલિફોર્નિયાની હાઈટેક કંપનીઓમાં હવે શ્વેત પુરુષો માટે નોકરીઓ નથી બચી, કારણ કે ત્યાંની સંપૂર્ણ વ્યવસ્થા પર ભારતીયો અને ચીની નાગરિકોનો કબજો થઈ ગયો છે.



Source link

Related Articles

Back to top button