યુદ્ધ વચ્ચે ચાબહાર પોર્ટ અંગે ભારત સરકાર લેશે મોટો નિર્ણય, 12 કરોડ ડૉલર લાગેલા છે દાવ પર | India to Transfer Chabahar Port Stake to Iranian Entity Amid Ending US Sanction Waivers

India Iran Chabahar Port News: ભારત અને ઈરાન વચ્ચેના વ્યૂહાત્મક સંબંધોમાં એક મોટો વળાંક આવ્યો છે. સૂત્રોના જણાવ્યા અનુસાર, ભારત ઈરાનના ચાબહાર બંદર(Chabahar Port)માં પોતાની હિસ્સેદારી ઈરાનની જ એક સ્થાનિક કંપનીને વેચવાની તૈયારી કરી રહ્યું છે. આ નિર્ણય પાછળનું મુખ્ય કારણ અમેરિકા દ્વારા ઈરાન પર લાદવામાં આવેલા આકરા પ્રતિબંધો છે. ભારતની આ કામગીરીને મળેલી છૂટની મુદત 26 એપ્રિલ 2026ના રોજ પૂર્ણ થઈ રહી છે, જેને ધ્યાનમાં રાખીને ભારત સરકાર ‘ઈન્ડિયા પોર્ટ્સ ગ્લોબલ ચાબહાર ફ્રી ઝોન'(IPGCFZ)માં પોતાની હિસ્સેદારી ઈરાની કંપનીને ટ્રાન્સફર કરવાનો પ્રસ્તાવ તૈયાર કરી રહી છે.
પ્રતિબંધોથી બચવા માટેની વ્યૂહનીતિ
અમેરિકાએ 2018માં ઈરાન પર પ્રતિબંધો લગાવ્યા હતા, પરંતુ ભારતને ચાબહાર પ્રોજેક્ટ માટે વિશેષ છૂટ આપી હતી. જોકે, ફેબ્રુઆરી 2025માં અમેરિકાએ આ છૂટછાટોમાં ફેરફાર કે રદ કરવાનો સંકેત આપ્યો હતો. જો આ છૂટ આગળ ન વધે તો ભારતની વૈશ્વિક બંદર સંચાલન યોજનાઓને મોટું નુકસાન થઈ શકે છે. આથી, ભારત એવી વ્યવસ્થા પર વિચાર કરી રહ્યું છે કે જ્યાં સુધી અમેરિકન પ્રતિબંધો અમલમાં છે ત્યાં સુધી એક સ્થાનિક ઈરાની કંપની સંચાલન સંભાળશે અને પ્રતિબંધો હટ્યા બાદ આ હિસ્સો ફરી ભારતને પરત સોંપવાની ગેરંટી આપવામાં આવશે.
આ પણ વાંચો: ભારતને ‘નર્ક’ ગણાવનારા ટ્રમ્પને ઈરાનનો જડબાતોડ જવાબ, શેર કર્યો મહારાષ્ટ્રનો શાનદાર VIDEO
ચાબહારમાં ભારતનું રોકાણ અને મહત્ત્વ
ભારતે ચાબહાર પ્રોજેક્ટમાં અત્યાર સુધીમાં અંદાજે 12 કરોડ ડૉલરનું રોકાણ કર્યું છે. આ બંદર દ્વારા ભારત અફઘાનિસ્તાનને માનવીય અને કટોકટીની સહાય પહોંચાડવામાં સફળ રહ્યું છે. વર્ષ 2024માં ભારતે આ ટર્મિનલના સંચાલન માટે ઈરાન સાથે 10 વર્ષનો મહત્ત્વપૂર્ણ કરાર પણ કર્યો હતો. ચાબહાર ટર્મિનલનું સંચાલન કરતી કંપની IPGL, મ્યાનમારમાં સીતવે બંદરનું પણ સંચાલન કરે છે. જો હિસ્સેદારીનું ટ્રાન્સફર સ્થાનિક ઈરાની કંપનીને કરવામાં આવે, તો ભારતીય કંપનીઓ પર પ્રતિબંધોનું જોખમ ઘટી જશે અને મધ્ય-પૂર્વ એશિયામાં ભારતની પકડ જળવાઈ રહેશે. અત્યારે પશ્ચિમ એશિયામાં ચાલી રહેલા સંઘર્ષ વચ્ચે વિદેશ મંત્રાલય તમામ પક્ષો સાથે આ મુદ્દે સતત ચર્ચા કરી રહ્યું છે.




