હોર્મુઝમાં નવું સંકટ! યુદ્ધ પૂરું થયા પછી પણ 6 મહિના સુધી રહેશે આ ખતરો, ભારતની પણ ચિંતા વધી | Strait of Hormuz Crisis: Iran Mines Threat Could Impact Global Oil for 6 Months

![]()
Strait of Hormuz & Energy Crisis : પશ્ચિમ એશિયામાં ભભૂકેલી યુદ્ધની જ્વાળાઓ હવે વૈશ્વિક ઉર્જા સંકટ તરફ દોરી રહી છે. વિશ્વના સૌથી મહત્વપૂર્ણ એનર્જી કોરિડોર ગણાતા હોર્મુઝ સ્ટ્રેટને લઈને અમેરિકાના પેન્ટાગોને એક ચોંકાવનારો ખુલાસો કર્યો છે. પેન્ટાગોનના મતે, ઈરાને આ દરિયાઈ માર્ગમાં મોટી સંખ્યામાં ખતરનાક સી-માઈન્સ બિછાવી દીધી છે, જેને સાફ કરવામાં યુદ્ધ સમાપ્ત થયા પછી પણ ઓછામાં ઓછા 6 મહિનાનો સમય લાગી શકે છે.
ઈરાન અને અમેરિકા વચ્ચે વાતચીત અટકી પડી
ઈરાન જાણી જોઈને આ સાંકડા સમુદ્રી માર્ગને બંધ રાખવા માટે તમામ પ્રયાસો કરી રહ્યું છે, જેથી તે પોતાની શરતો પર અમેરિકા અને અન્ય દેશો સાથે સોદાબાજી કરી શકે. પાકિસ્તાનના ઈસ્લામાબાદમાં અમેરિકા અને ઈરાન વચ્ચે થનારી બીજા તબક્કાની મંત્રણા પણ હાલ અટકી પડી છે.
પેન્ટાગોનની ગુપ્ત બ્રીફિંગમાં ખુલાસો
હાઉસ આર્મ્ડ સર્વિસીસ કમિટીના સભ્યો સાથે શેર કરવામાં આવેલી રિપોર્ટ મુજબ ઈરાને હોર્મુઝમાં અંદાજે 20 કે તેથી વધુ અત્યાધુનિક સી-માઈન્સ બિછાવી છે. આમાંથી કેટલીક માઈન્સ GPS ટેકનોલોજીથી સજ્જ છે, જેને રિમોટ કંટ્રોલ દ્વારા ગમે ત્યારે છોડી શકાય છે. પેન્ટાગોનના પ્રવક્તા સીન પાર્નેલના જણાવ્યા અનુસાર, આ માર્ગને 6 મહિના સુધી બંધ રાખવો અસંભવ છે, પરંતુ તેને સુરક્ષિત બનાવવો એ એક મોટો પડકાર છે.
ભારત માટે કેમ ચિંતાનો વિષય?
ભારત માટે આ સમાચાર માથાના દુ:ખાવા સમાન છે. ભારતનો તેલ અને ગેસ સપ્લાય ચેઈનનો મોટો હિસ્સો ખાડી દેશોમાંથી હોર્મુઝ થઈને જ આવે છે. જો આ માર્ગ લાંબો સમય પ્રભાવિત રહેશે, તો ભારતમાં પેટ્રોલ-ડીઝલના ભાવમાં વધારો થઈ શકે છે અને અર્થતંત્ર પર તેની વિપરીત અસર પડી શકે છે.



