તોયબાનો આતંકી ‘ખરગોશ’ સાઉદીમાં ભારતના ફેક પાસપોર્ટથી ભાગ્યો હતો | Toiba terrorist ‘Khargosh’ fled to Saudi Arabia with fake Indian passport

![]()
2012માં પાક. સરહદેથી કાશ્મીરમાં ઘૂસેલો
અન્ય ઘટનામાં શ્રીનગર એરપોર્ટથી સેટેલાઇટ ફોન સાથે બે અમેરિકન નાગરિકોની અટકાયત, પૂછપરછ શરૂ
શ્રીનગર: લશ્કર-એ-તોયબાનો આતંકી ઉમર હારીસ ઉર્ફે ખરગોશ ભારતથી ભાગીને સાઉદી અરબમાં છુપાયો હોવાની માહિતી મળી છે. જેને પગલે હવે સાઉદીમાં તેની ધરપકડ માટેની કવાયત શરૂ કરી દેવામાં આવી છે. આ આતંકી સજ્જાદના નામે જાહેર થયેલા ફેક પાસપોર્ટના આધારે ભારત છોડીને સાઉદી ભાગી ગયો હતો. દરમિયાન શ્રીનગરમાંથી સેટેલાઇટ ફોન સાથે બે શંકાસ્પદ અમેરિકન નાગરિકોની ધરપકડ કરાઇ છે.
ઉમર ઉર્ફે ખરગોશ નામનો આતંકવાદી મૂળ પાકિસ્તાનના કરાચીનો હોવાનું સામે આવ્યું છે. તેની સામે કરાચીમાં પણ ખંડણી સહિતના અનેક કેસો ચાલી રહ્યા છે. બાદમાં તેને આતંકી સંગઠને ૨૦૧૨માં જમ્મુ કાશ્મીરમાં ઘૂસાડયો હતો. ત્યારથી તે કાશ્મીરમાં અનેક હુમલા કરતો આવ્યો છે. જોકે અચાનક જ તે ગૂમ થઇ ગયો હતો. તેથી જમ્મુ કાશ્મીર પોલીસ દ્વારા ઉંડાણપૂર્વક તપાસ કરવામાં આવી હતી, અન્ય રાજ્યોમાં પણ પોલીસની ટીમોએ ચકાસણી કરી હતી. અંતે જાણવા મળ્યું કે આ આતંકી ફેક પાસપોર્ટની મદદથી સાઉદી ભાગી ગયો છે. તેણે પોતાની ફેક ઓળખ તરીકે પોતાને રાજસ્થાનનો વતની દર્શાવ્યો હતો.
તેના નિકાહ લશ્કર-એ-તોયબાના એક સમર્થકની પુત્રી સાથે થયા હતા, નિકાહની વીધી જયપુરમાં કરવામાં આવી હતી, જેમાં તેણે પોતાની ઓળખ સજ્જાદ ગણાવી હતી. નિકાહના દસ્તાવેજોનો ઉપયોગ તેણે પાસપોર્ટ બનાવવા માટે કર્યો હતો. બીજી તરફ શ્રીનગર એરપોર્ટ પર તપાસ દરમિયાન બે અમેરિકી નાગરિકોની અટકાયત કરવામાં આવી છે, આ બન્નેનો સામાન ચકાસતા તેમાંથી ગાર્મિન સેટેલાઇટ ફોન મળી આવ્યા હતા. પહેલા એરપોર્ટ ઓથોરિટી દ્વારા બન્ને અમેરિકન નાગરિકોની પૂછપરછ કરવામાં આવી હતી અને બાદમાં તેને યોગ્ય જવાબ ના મળતા પોલીસને સોંપી દેવામાં આવ્યા હતા. જે અમેરિકન નાગરિકના બેગમાંથી સેટેલાઇટ ફોન મળી આવ્યો તેનું નામ જેફરી સ્કોટ છે અને તે અમેરિકાના મોંટાના રાજ્યનો રહેવાસી છે. ભારતમાં સેટેલાઇટ ફોનનો મંજૂરી વગર ઉપયોગ કરવા પર પ્રતિબંધ હોવાને કારણે આ બન્ને સામે નિયમોના ભંગ બદલ કાર્યવાહી કરવામાં આવી શકે છે.



